મહુવા પારસી અંજુમનની અગિયારીની સાલગ્રેહ તથા પંથકી એરવદ ફીરદોશ કરકરીયાનું સન્માન

રોજ સરોશ, માહ અર્દીબહેસ્તનો શુભ દિવસ મહુવાની પટેલ અગિયારી (અંધેરીવાલા)નો સાલગ્રેહનો દિવસ હોવાથી તે દિવસે અગિયારીના હોલમાં અંજુમન તરફથી જશનની પવિત્ર ક્રિયા કરવામાં આવી હતી. આ શુભ દિવસે સવારે સ્ટે. ટા. 10 કલાકે નવસારીથી પધારેલા મોબેદ સાહેબો એરવદ કેકી દસ્તુર તથા એરવદ ફિરદોશ કરકરીયાએ જશનની ક્રિયા કરી હતી. જશન પછી મહુવા અંજુમનના સભ્યો તથા આંમત્રિત મહેમાનો માણેકવાડી ખાતે ભેગા થયા હતા. સર્વે હમદીનોને આવકાર આપતું પ્રવચન અંજુમનના પ્રમુખ હોશી બજીનાએ કર્યુ હતું. એમણે મહુવાની ડુંગરવાડીની જમીન જાળવી રાખવા માટે જે પ્રયત્ન કરવામાં આવે છે તેની માહિતી આપી હતી અને ડુંગરવાડીની ફરતે દિવાલ બનાવવા માટે દાનની અપીલ કરી હતી. આ સમારંભનું પ્રમુખ પદ શ્રી બીલીમોરા પારસી અંજુમનના વડા મરઝબાન બારીયાએ શોભાવ્યું હતુ તથા સુરતના મિસ્ત્રી આદરીયાન ટ્રસ્ટના ટ્રસ્ટી હોમીભાઈ મિસ્ત્રી અતિથિવિશેષ તરીકે હાજર રહ્યા હતા. આ સમારંભમાં વ્યારા, માંડવી તથા બીલીમોરાની અંજુમનના પ્રતિનિધિઓ પણ હાજર હતા. એ સર્વેનું અંજુમનના પ્રમુખે ફૂલહારથી સ્વાગત કર્યુ હતું. પ્રમુખ હોશી બજીનાએ અંજુમનના સભ્યો તરફથી જે આર્થિક સહકાર મળે છે તે બદલ ખુશીની લાગણી વ્યકત કરી હતી અને દાતા ફિરોજ બહેરામશા બેસાનીઆનો ખાસ આભાર માન્યો હતો અને એમના વતી હોશી કાવસજી બેસાનીઆનું ફુલહારથી સન્માન કર્યુ હતું. અંજુમન તરફથી વર્કિંગ કમીટીમાં પોરસ મોગલ તથા ફીરદોશ બચાની નિમણુંકની જાહેરાત પ્રમુખ બજીનાએ કરી હતી અને એ બન્ને યુવાનોનું સન્માન કર્યુ હતું. નવસારીની મલેસર બેહદીન અંજુમન સંચાલિત અગિયારીના મેનેજર માણેકશા સુરતીનું તાજેતરમાં અવસાન થવાથી એમની જગ્યાએ નવા પંથકીની વરણી થઈ છે. આ પ્રસંગે નવા પંથકી એરવદ ફિરદોશ કરકરીયાનું પણ શોલ તથા ફૂલહારથી સન્માન કરવામાં આવ્યું હતું. આવનારા વર્ષોમાં એમની સેવા સર્વે બેહદીનોને મળતી રહેશે. એવી આશા ટ્રસ્ટી હોસંગ મોગલે વ્યકત કરી હતી.

સમારંભને અંતે આભારવિધિ ટ્રસ્ટી ડો. હોસંગ મોગલે કરી હતી. એમણે બહારગામથી પધારેલા જુદી જુદી અંજુમનના સભ્યો અને અન્ય આમંત્રિતોનો આભાર માન્યો હતો. અંતે ‘છૈયે અમે જરથોસ્તી’ તથા રાષ્ટ્રગીત ગાઈ સમારંભ પૂર્ણ થયો હતો. બપોરના ભોજનની સુંદર વ્યવસ્થા મીસીસ સુન્નુ કાસદે કરી હતી અને સઘળા હમદીનોને ખુશીથી તેમાં ભાગ લીધો હતો.

Leave a Reply

*