બંગાળની રાજકુંવરી કાશ્મીર મહારાજાના હાથમાં પડી!!

એકાંતનો લાભ લઈ, રાજકુંવરીને તે માણસ સતાવવા લાગ્યો. રાજકુંવરીએ બૂમો પાડયાથી ત્યાં કોઈ ઘોડેસ્વારો આવી પહોંચ્યા. આ સર્વેની સાથે કાશ્મીરના મહારાજા પણ હતા. તેઓ સૌ ત્યાં જંગલમાં શિકાર કરવા આવેલા હતા. તેઓ સૌ શિકારની શોધમાં હતા ત્યારે કોઈ સ્ત્રીની ચીસો સાંભળી, તેઓ સૌ તેની મદદે આવી પહોંચ્યા હતા.

મહારાજાએ ખુલાસો માગતા, પેલા માણસે કહ્યું કે ‘આ સ્ત્રી મારી ધણીયાણી છે. મારી અને તેની વચ્ચે સહેજ કજીયો થયો છે, તેથી તે ખાલી બૂમો પાડે છે.’

પણ તુરત જ રાજકુંવરીએ ખરી હકીકત કહી દીધી. તે બોલી કે ‘આ માણસ તદ્દન જુઠો છે. હું ઈરાનના શાહદાજાદા સાથે પરણવાની હતી. ત્યાંથી આ માણસ મને દગલબાજીથી ઉપાડી આવી હવે સતાવે છે.’

મહારાજાએ પેલા માણસને કેદ કરી, ત્યાંને ત્યાંજ ઠાર મારવાનો હુકમ આપ્યો! પેલા સ્વારોએ તુરત કરામતી ઘોડાના માલેકના જીવનો અંત આણ્યો, અને રાજકુંવરીને બચાવી લીધી.

મહારાજાએ રાજકુંવરી માટે એક  ઘોડો મંગાવી, તેને પોતાના રાજમહેલે તેડી જઈ, ત્યાં મોટા ઠાઠમાઠથી રાખી. રાજકુંવરીએ તેના બચાવનાર મહારાજાનો પાડ માન્યો.

કાશ્મીરના મહારાજાએ રાજકુંવરીને બધી હકીકત પૂછી જાણી લીધું કે તે બંગાલના રાજાની કુંવારી ક્ધયા છે.

આમ આ રાજકુમારી બંગાલથી ઈરાન, અને ઈરાનથી કાશ્મીર માત્ર એક જ દિવસમાં પેલા કરામતી ઉઠાણ ઘોડાના પ્રતાપે, સેકડો ગાઉની મુસાફરી કરી ચુકી હતી!

ફરી રાજકુવરી ફસાઈ! પણ આખર ઈરાનનના શાહજાદાએ તેને બચાવી લીધી!! અને છેવટે બન્ને પરણી

સુખી થયા!!

રાજકુંવરી પેલા દગલબાજ માણસના હાથમાંથી છટકવાથી ઘણી ખુશી થઈ. તે કાશ્મીર મહારાજાની મહેમાન બની તે વાત આપણે આગળ વાંચી ગયા છીએ. હવે તેનું શું થયું તે જોઈએ?

મહારાજા તો તેને બહુજ માનથી રાખતો હતો. રાજકુંવરીએ તેમને પેલા ઉઠાણ ઘોડાની, શાહજાદાની તેમજ ઘોડાના માલેકના દગાની બધી વાત પહેલેથી છેલ્લે સુધી કહી દીધી હતી. પણ કાશ્મીરના રાજાનું ધ્યાન તેની વાર્તા કરતાં તેના રૂપમાં વધારે હતું.

રાજકુંવરી હવે રોજ ઈરાનના શાહજાદાને મળવા મનમાં બહુજ ઈંતેજારી રાખતી હતી. પણ બીજી બાજુ મહારાજા આ ખુબસુરત સ્ત્રીને જોઈ તેના પ્યારમાં પડેલા હતા.

મહારાજાએ રાજકુંવરીને પોતાની સાથે પરણવા બહુયે સમજાવી. ઘણીયે લાલચો બતાવી. પણ રાજકુંવરીએ ઈરાનના શાહજાદાનો વિચાર તજ્યો નહીં. તેણે કાશ્મીર મહારાજાને પરણવા સાફ ના પાડી.

રાજકુંવરીએ જોયું કે તે એકના હાથમાંથી છટકી બીજાના હાથમાં ફસી પડી હતી! અને વળી તે કાશ્મીર મહારાજા સરખા મહાન મોટા રાજાની એક નજરકેદી જેવી સ્થિતિમાં હતી. જો કે મહારાજા તેને બહુ માન આપતા હતા, ઘણાં ઠાઠમાઠથી તે કુંવરીને રાખતા હતા, પણ તે બધું રાજકુંવરીને પરણવા ખાતરજ…

(વધુ આવતા અંકે)

Leave a Reply

*