શાહજાદા હુસેનની નવાઈ જેવી ખરીદી!

શાહજાદો હુસેન જેમ જેમ વીસનગરની બજાર તરફ આવવા માંડયો તેમ તેમ, તે ત્યાંની ગીરદી અને જુદી જુદી વેચવાની ચીજો જોઈ, ઘણો તાજુબ થયો. ત્યાં તરેહવાર તમાશાની મજાહ પણ જોવાની મળી. તેણે બધે ફરી વળી જોયું તો, દુનિયાના તમામ મુલકોમાંથી ત્યાં જુદી જુદી વસ્તુઓ વેચાવા આવી હતી. તે પોતે શાહજાદો હોવાથી, કદી પણ બજારમાં કશું ખરીદવા જવાની તેને આદત હતી નહીં. પોતે કંઈ બહુ મુસાફરી પણ કીધેલી નહીં. તેથી મુલકે મુલકની ચીજો જોઈ તે બહુજ ખુશી થયો અને ઘણો વિસ્મય પામ્યો.

ફરતાં ફરતાં, પોતાને માટે નવાઈ જેવી, બિનજોડીની કોઈ પણ ચીજ તેને ત્યાં જડી નહી. બહુ થાકી જવાથી અને વળી પાણીની તરસ પણ લાગી હતી તેથી, એક સારી જેવી મોટી દુકાન આગળ તે થોભ્યો. દુકાનના માલેકની રજા માગી, તેણે ત્યાં જરા વિસામો લીધો. પછી પાણી મંગાવી પોતાની તરસ છીપાવી.

દુકાનદારે તેને કોઈ મોટો પરદેશી સોદાગર માની, વાતચીત કરવા માંડી. શાહજાદાએ પોતે શાહજાદો છે, ફલાણા સુલતાનનો તે બેટો છે, અને પાટવી કુંવર છે એ વાત કહી નહીં. પણ પોતે સોદાગર છે અને કોઈ બેબૂક નવાઈ જેવી વસ્તુ પોતાના રાજાને ભેટ આપવા તે વીસનગરની બજારમાં લેવા આવ્યો છે એમ તેણે જણાવ્યું.

પેલા દુકાનના માલેકે કહ્યું કે ઘણીવાર અહીં મુલક મુલકના લોકો એવી ચીજો વેચી જાય છે. તો તપાસ કરતાં જરૂર તમને પણ કોઈ ચીજ મળી જશે.

આમ બન્ને જણ વાત કરતા હતા ત્યાં માત્ર એકજ કિંમતી ગાલીચો વેચવા એક માણસ મોટેથી બોલતો સંભળાયો કે આ નવાઈ સરખા ગાલીચાની કિંમત ત્રીસ હજાર રૂપિયા! ત્રીસ હજાર રૂપિયા!! હજાર હજારની ત્રીસ થેલીઓએ આ ગાલીચો જાય છે. આવો, આવો મોટા મોટા સોદાગરો આ અજબ ગાલીચો લઈ જાઓ.’

શાહજાદો હુસેન તો આ અવાજ સાંભળી અજબ થયો! તેણે ગાલીચા તરફ નજર કરી તો તે માત્ર છ ચોરસ ગજ જેવડોજ હતો. આવા નહાના સરખા ગાલીચાની કિંમત આવડી મોટી તે માંગતો સાંભળી, શાહજાદા હુસેનને ઘણી તાજુબી લાગી! તેણે પેલા ગાલીચાવાળાને પોતાની પાસે બોલાવ્યો અને પૂછયું, કે ‘આવડા નાના ગાલીચામાં એવું તે શું છે કે તું તેના ત્રીસ હજાર રૂપિયા માગે છે? આ સાધારણ ગાલીચો છે. વળી મેલો ઘસાયલો પણ દેખાય છે. તો આવડી બધી મોટી કિંમત કેમ?’

પેલા ગાલીચા વેચનારે કહ્યું, ‘શેઠ સાહેબ, આ ગાલીચાના માલેકે મને તે ચાલીસ હજારે વેચવા કહ્યું છે, પણ તેટલાં નાણાં ન મળવાથી, હવે હું ત્રીસ હજારની બૂમ મારી રહ્યો છું. આ ગાલીચો જો વિચાર કરો તો લાખ રૂપિયે પણ સોંધો છે! કેમ કે, દુનિયા ભરમાં તેની જોડી મલવી મુશ્કેલ છે. તેમાં એવી ખૂબી છે કે તમે તેના પર બેસો એટલે જીવ ચ્હાય ત્યાં પલકવારમાં જઈ શકો?’

Leave a Reply

*