ધ ઝોરાસ્ટ્રિયન ડ્રામેટિક સોસાયટી

મરહુમ ખોરીના ‚સ્તમ સોહરાબના ખેલને આધારે એ આખો ખેલ લખ્યો હતો, મગર તે તમામ ખેલ બેતબાજી અને ઉંચી કીસમના ગાયનોથી મઢી લીધો હતો. ઉંચી કીસમના ગાયનોનો ઉપયોગ કરવાની ફરજ એટલા માટે પડી હતી કેમ કે મરહુમ દાદાભાઈ ઠુઠીએ ઉર્દુ ઝબાનમાં અલાદીનનો ઓપેરા રચી વિકટોરિયા કલબ પાસે તે સ્ટેજ કરાવ્યો હતો, અને પોતે તેમાં અબનેઝાર-જાદુગરનો ભાગ ભજવતા હતા! દાદાભાઈનો તે દેખાવ દમામદાર હતો, તેવરનું કદાવર કદ અને ગાયન ગાવાની સઘળી ઢબછબ અને અવાજે, લોકો ઉપર જબરી અસર કરી હતી. એ નાટકમાં દાદાભાઈએ સઘળા ગાયનો ચૂંટી ચૂંટીને ઉસ્તાદીથી મુકયાં હતાં, અને તે સઘળા તે વખતના લોકપ્રિય મુનશી રોનકે જોડયા હતા. હવે જ્યારે અલાદીન જેવો ધરખમ ઓપેરા ઉંચી કીસમના ગાયનો સાથે રજૂ થતો રહે, ત્યારે આ અદના સેવકને હાથે રચાયલો એક ઓપેરા, નજીવી અને સહેલી રાહ ઉપર રચાય, તે લોકોને કેમ પસંદ પડવાના હતા, એવો મને શક પડયો હતો! આ અને એવા જ બીજા સબબને લીધે ‚સ્તમ-સોહરાબનો ઓપેરા, વિકટ રાગોવાળી નવી નવી ચીજો ઉપર મેં જોડયો હતો અને તે આ ઝોરાસ્ટ્રિયન ડ્રામેટિક સોસાયટીના સારે ભાગ્યે મળી આવેલા કેળવાયેલા જરથોસ્તી ખેલાડીઓએ ભજવ્યો હતો.

મરહુમ ખેલાડી બેરામજી કલેકટરે, એ ખેલમાં ગુરગીનનો ભાગ, ઘણી જ સિફતભરી રીતે રજૂ કીધો હતો અને તે એક રમૂજનું અચ્છું સાધન થઈ પડયું હતું. વળી મરહુમ બેરામજી કાત્રકે, પહેલવાન વઝીરનો ભાગ ભજવી, લોકની પ્રશંસા મેળવી હતી. પેસ્તનજી કાંગા પાદશાહ કૈકાઉસ થયા હતા અને મરહુમ ‚સ્તમજી બામજી, અફરાસિયાબ વઝીરના પહેલવાન હોમાન બની, એવાં તો કરતૂકભરી રીતે પોતાના પાખંડ સોહરાબ ઉપર ચલાવી તેને ભંભેર્યો હતો કે ‚સ્તમ બામજી, હોમાન તરીકે સ્ટેજ ઉપર જેવો દાખલ થતો હતો, જેવો જ લોકો તેને હડધૂત-શેમ-શેમના પુકારોથી વધાવી લેતા હતા! ‚સ્તમ બામજી ખેલાડી તરીકે ગોયા એક બેધારી તલવાર હતી કેમ કે જેમ તે ગંભીર પ્રકારનાં પાત્રો અસરકારક રીતે રજૂ કરતો હતો, તેમ જ હાસ્યરસ પાર્ટ પણ તે તેટલી જ સરસ રીતે કરતો હતો.

રતાઈ મદમનો ફારસ:

જેમ બીજી ત્રીજી કલબોના મદદગારો, તેઓને ઉત્તેજન આપવા તૈયાર થઈ ગયા હતા. તેમ આ ઝોરાસ્ટ્રિયન ડ્રામેટિક સોસાયટીને ઉંચકી આપનાર કોઈ હતું નહીં. અંતે ખેલની છેવટે એક સંસારી ફારસ કરાવવા, મરહુમ પેસુ પેટ્રીજ પોતાનો લખેલો રતાઈ મદમનો ફારસ આપવા તૈયાર થઈ ગયો હતો! તે તપાસી જોઈ અંતે કાંઈક ફેરફારો સાથે કરવાની તૈયારી કીધી હતી. એ ફારસમાં એક મોબેદ કાંઈક રમૂજી પાત્ર રજૂ કરતો હતો. લોકલાગણી ફારસ જોવા વિશેષ હતી. એ ફારસમાં ‚સ્તમ બામજીએ પોતાની મરજીથી મજકૂર મોબેદનો પાર્ટ ભજવ્યો હતો, મગર તેમાં ઉલટ અને ઉમંગથી દોરાવાઈ જઈ ‚સ્તમ બામજીએ એવો તો કાંઈક છબરડો કીધો હતો. કે કોટની બજારગેટ સ્ટ્રીટના દાદાઓની પાર વગરની ખફગી, ‚સ્તમે તેમ જ આ ઝોરાસ્ટ્રિયન ડ્રામેટિક સોસાયટીએ ખેંચી લીધી હતી! આ ‚સ્તમજી બામજીએ તે વખતની નાટકી ચળવળોમાં પોતાની જવાનીના જોમમાં એવાં એકાદ બે પરાક્રમો કીધા હતા.

 (વધુ આવતા અંકે)

Leave a Reply

*