સીનિયર સિટિઝનોએ લક્ષમાં લેવા જેવું

સાઈઠ કે પાંસઠ વરસની ઉંમર સુધી સરેરાશ માણસ પોતાના જીવનકાળમાં જે કંઈ બચત કરે છે એમની વિદાય પછી બધું એના સંતાનો માટે જ હોય છે એ પરંપરા છે. આમાં કશું ખોટું પણ નથી. પણ કેટલીક વાર એવું બને છે કે માણસ પરિવારજનો પ્રત્યેના સ્નેહને કારણે અથવા ક્યારેક જવાબદારીઓ અદા કરવાની ખોટી ગણતરીના કારણે પોતાની મુઠ્ઠીને ખુલ્લી કરી નાખે છે. પોતાની પાસે જે કંઈ છે એ અંતે તો આમનું જ છે એમ માનીને પોતાના હયાતીકાળમાં જ તેની વહેંચણી કરી નાખે છે. ક્યારેક પુત્રોના ધંધા માટે કે ક્યારેક કહેવાતાં વહેવારિક કામો માટે એ પોતાની પાસે જે કંઈ હોય એ વહેંચી દે છે. આમાં એના પક્ષે તો ફકત વિશ્ર્વાસ જ છે કે હવે આ પૈસાની લાલચમાં મારે શું કામ પડવું જોઈએ? અને મારા બાળકો મારી સંભાળ ન લે એવું કદી ન બને!

ઘડીભર કલ્પના કરો કે આવું થયા પછી કોઈક ધર્મકાર્ય માટે, સામાજિક કાર્ય માટે કે પોતાના રોજિંદા વહેવાર માટે સંતાનો પાસેથી રકમ માંગવી પડે, સાઈઠ વર્ષ સુધી આર્થિક સ્વાતંત્ર્ય ભોગવી ચૂકેલા માણસને કેવું લાગે? સંતાનો વડીલોની આ જ‚રિયાત હોંશેહોંશે માગ્યા વિના જ પૂરી કરે એ સુખદ પરિસ્થિતિ છે. પણ જ્યારે એક કરતા વધારે પુત્રો વચ્ચે મનમેળ ન હોય ત્યારે તેઓના ચિત્તમાં માતા કે પિતાની આવી કોઈ જ‚રિયાત પૂરી કરવી એ ટાળવા જેવું સ્પાર્ધાત્મક લક્ષણ બની જતું હોય છે. એક પુત્ર કદાચ આર્થિક તકલીફને કારણે કયારેક પોતાની જવાબદારી અદા ન કરી શકે, ત્યારે બીજા પુત્રને માતાપિતાનું હોવું  વધારાની જવાબદારી લાગવા માંડે એવું બને છે.

વડીલોને સંતાનો પ્રત્યે ઓછો સ્નેહ હોવો કે વિશ્વાસ નહિ હોવાની કોઈ વાત નથી પરંતુ કોઈવાર નબળા સંતાનને વધુ સહાયભૂત થવું એ માતાપિતાની પણ ફરજ છે. કોઈ વાર એક પુત્ર સમર્થ હોય પણ કોઈ કારણે જો એ પોતાની જવાબદારીઓ અદા ન કરતો હોય તો માતાપિતાએ અમારે મન તો બધા સંતાનો સરખા એ સુવર્ણ વાકયને ભૂલાવી દેવું જોઈએ. વડીલોએ આ સંદર્ભમાં એક વધુ વાત પણ ધ્યાનમાં રાખવા જેવી છે. એક કરતાં વધુ સંતાનો હોય ત્યારે અથવા એક જ પુત્ર હોય તો પણ પોતાને માટે આ સંતાનોએ અવારનવાર જે કંઈ ખર્ચ કર્યો હોય એ બને ત્યાં સુધી એમને આપી દેવો જોઈએ. દા.ત. એક વડીલ પાસે પૂરતી બચત છે અને એમની તબીબી સારવારનો ખર્ચ લાખેક ‚પિયા થાય છે  (કેટલીક વાર સો ‚પિયા થતા હોય તો પણ) આ ખર્ચ જો પુત્રે કર્યો હોય તો પિતાએ એને આપી દેવો જોઈએ. ઘર તો એક જ છે એવું બોલનારા ખરેખર માનવ સ્વભાવને જાણતા નથી.

મોટા ભાગે, માતાપિતા માટે કરેલો આવો ખર્ચ જ્યારે પાછો આપવામાં આવે છે ત્યારે પુત્રને ઘડીક સંકોચ થાય છે, પણ પછી એ એનો સ્વીકાર કરી લે છે, કારણ કે મનોમન તો એને પણ આ ગમે જ છે. આમ કરવાથી એક બીજો પણ લાભ થાય છે. પોતે ખર્ચેલી રકમ પાછી મળી જ જવાની છે એવો વિશ્ર્વાસ પેદા થવાથી આવો ખર્ચ ટાળવાની પુત્રો વચ્ચે સ્પર્ધા થતી નથી. આવી સ્પર્ધા ટાળવી એ પણ પિતાનું કર્તવ્ય છે અને આ એક શુભ લક્ષણ પણ છે.

આ બાબતમાં એક ટૂકી વાર્તા રજૂ કરશું આવતા અઠવાડિયે…

Leave a Reply

*