પારસી નાટક તખ્તાની ત્વારીખ

પણ દાદી ક્રાઈસ્ટ જેનું નામ! તે ફરામજીના સ્વભાવથી બરોબર જાણીતો હતો. તેણે ફરામજીની નાડી સાબુત પકડી અને તેને સમજાવી લઈ વળાવી લીધો હતો અને નવા ઉર્દુ ખેલમાં ફરામજી દલાલનેજ એક નાનો જેવો પાર્ટ આપી તે નવો ઓપેરા એસપ્લેનેડ નાટકશાળામાં સ્ટેજ કરાવ્યો હતો.

આ મામલા દરમ્યાન, દાદી ઠુંઠીએ જબરી ચાતુરી વાપરી હતી! હું ભાર મૂકી લખું છું. કે નાટકના ધંધામાં તે ઉલઠાપ અને ભુલઠાપનો જમાનો હતો. જે પરદા ચીતરાવ્યા હતા તે નાટકનું નામ ‘પરસ્તાનના પરીઆં’ આપેલું હતું. તે ખાસ રંગાવેલા હતા. ખેલાડીઓના ડ્રેસો વટીક નવા સીવડાવ્યા હતા અને ફરામજી દલાલે એવી ઉમેદ રાખી હતી કે દાદી ઠુંઠી પોતે ખેલમાં પાર્ટ કરશે અને તેનું નામ છાપામાં છપાયાથી આવકની દરેક ગણત્રી રાખી હતી. પણ હવામાં બાંધેલો ફરામજી દલાલે તે અમલો પહેલી બે ત્રણ નાઈટમાંજ જમીનદોસ્ત થઈ ગયો. દાદી ઠુંઠીએ પાર્ટ કીધો નહીં. ઓપેરા જેવો જોઈએ તેવો ગવાયો નહીં અને અધુરામાં પુરૂં ફરામજી દલાલનો ગાયનનો ભાગ ઘણોજ નબળો ગયો, એટલે ફરામજીની નાસીપાસીનો પાર રહ્યો નહીં.

ખુણે બેસીને કરેલા લખતમાં, ખુદાને ખબર કેવી રીતે દાદી ઠુંઠીએ, ફરામજી દલાલ જેવા બાહોશ અને શેર બજારના જાણીતા વહીવટદાર સાથ લેખિત કરાર કીધા હશે કે આ બન્ને ભાગીદારો એક બીજાથી છૂટા પડયા અને સૌથી વધારે અફસોસ કરવા જેવું છેવટ તો એ આવ્યું કે આખી નાટકશાળા ઉખડી ગઈ. એકટરોને એક મહીનાની નોટીસો મળી અને નાટક ઉત્તેજક મંડળીનો તમામ સામાન અને ડ્રેસો વિગેરે વિગેરે મરહુમ નાનાભાઈ રાણીનાની આલફ્રેડ નાટક મંડળી માટે તેવણે ખંડી લીધો હતો. જોયું! નાટક ઉત્તેજક મંડળીની કેવી સરજત! જેના નાટકો મુંબઈમાં ગર્વનરો અને આગેવાનોએ જોઈ વખાણેલા જેના મદદગારો અને સલાહકારો મુંબઈના આગેવાન અકાબરો થયેલા અને જેના નાટકોની વખાણો જાબજા થઈ રહેલી તેનું આખેરી છેવટે કેવું દુ:ખદાયક આવ્યું.

ગરીબ બીચારો ફરામજી! તેવણ પાછા શેર બજારમાં ધંધે લાગી ગયા અને ઉર્દુ કલબ કાઢવા જતાં પોતાની જૂની સોલ વરસની કલબના દાંડા વેચાઈ ગયા, અને દાદી ઠુંઠી! વળી કોઈ નવી કલબમાં જોડાવા ચાલ્યા! અલબત્તા બન્નેના દાઝી તો ગયા હશે ખરા!

(વધુ આવતા અંકે)

Leave a Reply

*