જાલેજરની બાનુ રોદાબે
જાલે પોતાની કમન્દ લઈ તે મહેલના કંગ્રા ઉપર નાખી અને તેની મદદથી તે ઉપર ચઢી ગયો. રોદાબે બેઉ એકમેકનો ચહેરો જોઈ ખુશી થયાં અને બેઉએ એકમેક સાથે શાદીના ગાંઠમાં જોડાવાને કબૂલ કીધું. જાલેજરે રોદાબેને કહ્યું કે, ‘એ રૂપેરી છાતીની અને કસ્તુરીની ખુશબુની સર્વ જેવી સિધ્ધીબાનુ! જ્યારે મીનોચહેર આ બાબત જાણશે ત્યારે તે તે પસંદ કરશે નહીં. તેજ પ્રમાણે સામ નરીમાન પણ પોકાર કરી ઉઠશે. તે પણ હાથ અફાળશે અને મારી ઉપર ગુસ્સે થશે પણ મારા મનથી જાન અને તન વગર કિમતના છે. હું તેઓને હલકા ગણીશ અને મારૂં કફન પહેરીશ. પણ દાદગર દાવર આગળ કબૂલ થાઉ છું કે હરગેજ તારા પેમાનથી હું ફરીશ નહીં. હું ખોદાતાલાની સેતાયશ કરીશ, યજદાં પરસ્તોની માફક નીઆએશ કરીશ કે તે સાહેબ સામનું અને મારા દેશના પાદશાહનું દિલ નામરજી અને ગુસ્સા અને કિનાથી ધોઈ નાખે. જેહાનને પેદા કરનાર સાહેબ મારા સખુનો સાંભળશે અને તેથી તું મારી પ્રિયા તરીકે મશહૂર થશે.’
રોદાબે આ સખુનો સાંભળી કહ્યું કે ‘હું પણ યકીન અને દીનના દાવર ખોદા આગળ કબૂલ થાઉ છું અને મારા આ બોલવા ઉપર જહાનનો પેદા કરનાર સાહેબ સાથી છે કે જહાન પહેલવાન જાલેજર કે જે તાજ અને ગંજનો અને કિર્તી અને દબદબાનો સાહેબ છે, તે સિવાય મારી ઉપર કોઈપણ બીજો શખ્સ પાદશાહ થશે નહીં.’
બામદાદ થતાં જાલ પોતાની છાવણીમાં પાછો ફર્યો અને પછી પોતાના દરબારીઓને મિજલસમાં બોલાવ્યા. શરૂઆતમાં તેણે ખોદાતાલાને યાદ કર્યો કે કુલ જગત તેની પેદાયશ છે. તે ઈન્સાફ અને બખશેશનો ખાવિંદ છે. એક કીડી વટીક પણ તેના વગર પોતાનો પગ ઉંચકતી નથી. પછી કહ્યું કે ‘દાદારે આ દુનિયાની વૃધ્ધિ જોડાં મારફતે કીધી છે, કારણ કે એકથી (એટલે જોડાં વગર) વૃધ્ધિ થતી નથી. તે કેરદેગાર સિવાય કોઈપણ એકલો નથી. તેનેજ નથી કોઈ ભાગ્યો કે જોડયો કે યાર. તેણે જે પેદા કર્યુ છે તે જોડાં તરીકે પેદા કર્યુ છે. છુપામાંથી તેણે ગુપચુપ રીતે એમ જાહેર રીતે પેદા કર્યુ છે. બુલંદ આસમાનમાંથી તું આ સખુનનો વિચાર કરશે, તો જોશે કે એજ રીતે દુનિયાની પેદાયશ છે. જમાનો માણસ જાતથી આરાસ્તે થયો, અને સઘળી ચીજો તેનાથી કિંમતી બની. અગર જો જેહાનમાં જોડું ન હતે, તો શક્તિ છુપી પડી રહેતે. વળી જોડાં વગર એક જવાન મર્દ ખોદાતાલાની દીન બરાબર પાળી શકે નહીં. વળી એક માણસ બુજોર્ગ તોખમનો હોય, પણ જોડાં વગર (એટલે બાયડી યા ખાવિંદ) વગર તે નહીં મળતાવડા સ્વભાવનો થાય. એક જેહાન પહેલવાન ફરજંદથી રોશન રવાનનો થાય તેના કરતાં બીજું નેક શું હોય? જ્યારે માણસનો જવાનો (યાને મરવાનો એટલે બુઢાપાનો) વખત આવે, ત્યારે ફરજંદથી તેનો નરોજ (નવો દહાડો) જાણે પાછો આવે છે. દુનિયામાં ફરજંદથી નામ રહે છે. તેનું (બાપનું) નામ જાય છે, પણ એનું (દીકરાનું) નસીબ ચાલુ રહે છે. હવે હાલ એ સગળો મારો અહેવાલ છે. એ બીના મારા બાગનાં ગુલ અને નરગેસ (મીસાલ) છે. મારૂં દીલ ઉઠી ગયું છે અને અકકલ જતી રહી છે. માટે કહો કે તેનો ઈલાજ શું છે? જ્યાં સુધી આ બાબતનો મને ઘણો ગમ લાગ્યો નહીં અને મારા મગજ અને મનમાં ઘણું ઓછું આવ્યું નહીં, ત્યાં સુધી મે કાંઈ તમુને કહ્યું નહીં. મેહરાબના મહેલમાં મારી મહેર સઘળી લાગી છે. તેની જમીન મારે મનથી ફરતાં આસમાન માફક છે.
(ક્રમશ)
- શુભ તીર મહિનો અને તિર્ગનનો તહેવાર - 7 December2024
- ઝેડસીએફ દ્વારા ડો. સાયરસ મહેતાનું સન્માન કરવામાં આવ્યું - 7 December2024
- એક સમોસાવાળો…. - 7 December2024