ગયા જન્મે મારાં સાસુ મારી મા હશે

લેબોરેટરી ટેકિનિશિયનનો કોર્સ કરેલી શીતલના લગ્ન વિભવ સાથે થયા. વિભવ અમેરિકન સિટિઝન હતો. લગ્ન પછી એકાદ અઠવાડિયામાં એ પાછો અમેરિકા ગયો. એણે જતાં પહેલા શીતલને કહ્યું ‘થોડા મહિનામાં તને વિઝા મળી જશે. અમેરિકાની ધરતી પર વિભવ એના મા-બાપનો એકનો એક દીકરો હતો. વિશેષ અભ્યાસ માટે એ અમેરિકા ગયો હતો અને પછી ત્યાં જ વસવાનો એણે નિર્ણય કરી લીધો હતો. એના મા-બાપે રાજીખુશીથી સંમતિ આપી હતી. તેઓ એકાદ વાર ફરવા માટે અમેરિકા ગયા હતા. ત્યારે તેમણે કહ્યું હતું, ‘દીકરા આ સરસ દેશ છે. તું અહીં રહે પણ આ ઉંમરે અમને આ નવી જગ્યામાં ના ફાવે અમે તો આપણા દેશમાં રહીશું?

‘તમને ત્યાં એકલા ફાવશે?’ ચિંતાતુર અવાજે વિભવે પૂછયું હતું. ‘અમે ત્યાં એકલા કયાં છીએ? આપણા સગાવહાલાં છે, મિત્રો છે.’ વિભવની મમ્મીએ કહ્યું હતું લગ્ન પછી વિભવ અમેરિકા ગયો પણ શીતલ તો સાસુ સસરા પાસે રહેતી હતી ત્યારે એના સાસુ ઈન્દુબહેને કહ્યું, ‘બેટા, તારે છ મહિનામાં તો અમેરિકા જવાનું આવશે. હવે થોડા સમય માટે તું ઈન્ડિયામાં છે તો તું તારા મમ્મી-પપ્પા પાસે રહે. પછી તેઓ એકલા પડી જશે.’ ‘મમ્મી તમે પણ તો અહીં એકલા જ છોને હું થોડો સમય અહીં થોડો સમય ત્યાં એવી રીતે રહીશ.’ શીતલે વિનયપૂર્વક કહ્યું, ‘બેટા તું અમારી સાથે રહે તો અમને બહુ ગમે છે પણ અમે એકલા રહેવાથી ટેવાઈ ગયા છીએ તું તારી મમ્મી પાસે ત્યાં રહે.’

સાસુ સસરાનું હેત જોઈને શીતલ પોતાને ભાગ્યશાળી માનતી હતી અને તેના મમ્મી પપ્પા સાથે રહેતી હતી. અવારનવાર સાસુ સસરાને ફોન કરતી ત્યાં એક દિવસ એને ખબર પડી કે સાસુને ગર્ભાશયનું કેન્સર છે. શીતલ તરત સાસુ  પાસે પહોંચી ગઈ. સાસુને તાત્કાલિક ઓપરેશન કરાવ્યું. ડોકટરે કહે, ‘ઓપરેશન સફળ થયું છે આપણે કેમોથેરપી આપીએ એટલે કોઈ જોખમ ન રહે. શીતલ સાસુ પાસે રહેવા લાગી.

વિભવ પણ એની મમ્મીના ઓપરેશન વખતે આવી ગયો હતો એ પણ એની મમ્મી પાસે ખડેપગે રહેતો હતો. પણ એની મમ્મી કહે ‘મારી શીતલના તોલે તું ના આવે. શીતલને તો મારા કહ્યા વગર મારા મનની વાત ખબર પડી જાય છે. ઉભા પગે મારી ચાકરી કરે છે.’ ‘હા, શીતલ તારા ખાવા-પીવાનો કેટલો ખ્યાલ રાખે છે. રોજ કોઈ વેરાયટી હોય જે પૌષ્ટિક હોય અને પચવામાં તને જરાય ભારે ન પડે. શીતલ સાસુ પાસે બેઠી હોય ત્યારે સાસુને પંપાળતી હોય. વિભવ કહે, શીતલ તે તો મારી મમ્મીને મારી પાસેથી છીનવી લીધી.’ શીતલ હસવા લાગી. વિભવ અહીં હતો અને  શીતલને ઈમિગ્રેન્ટ વિઝા મળી ગયા. શીતલના સાસુ શીતલને કહે, ‘દીકરી તું વિભવ સાથે જ જતી રહે.’ શીતલે કહ્યું, ‘તમને અહીં એકલા મૂકીને કેમ જાઉ??’ ‘હવે હું તદ્દન સારી થઈ ગઈ છું. તું અમારી ચિંતા ન કરીશ અહીં તારા સસરા છે ને બધું ગોઠવાઈ જશે માટે તું વિભવ સાથે જા.’

સાસુ ખૂબ લાગણીવાળા અને સમજદાર હતાં. એ વિચારતાં હતા કે લગ્ન પછી દીકરો વહુ ખાસ સાથે રહ્યા નથી. એમને સાથે રહેવાની હોશ હોય અત્યારે વિભવ અહીં છે અને તે અહીં હશે ત્યાં સુધી મારી ચાકરીમાં જ રહેશે અને બે પાંચ દિવસમાં જશે. સાસુએ ખૂબ આગ્રહ કર્યો પણ શીતલનો એક જ જવાબ હતો. ‘હજી તમારી ટ્રીટમેન્ટ ચાલુ છે. એટલે મારો જીવ અહીંજ રહે. હું તમને મૂકીને કયાંય જવાની નથી. હા વિભવની રજા પૂરી થઈ ગઈ છે. એટલે એ જશે. સાસુએ એવી પ્રેમાળ વહુ માટે ભગવાનનો ખૂબ આભાર માન્યો. વિભવ અમેરિકા પાછો ફર્યો પરંતુ શીતલ સાસુની પાસેજ રહી. સાસુ સંપૂર્ણ સાજાં થઈ ગયાં પછી એટલે કે થોડા મહિના પછી એ અમેરિકા ગઈ. ત્યાં તેણે એકાદ બે કોર્સ કર્યા અને એક લેબોરેટરીમાં જોબ મળી ગઈ. થોડા મહિના પછી એ એક દીકરાની મા બની ચારે બાજુ સુખની ભરતી જ હતી ત્યાં ધ્રાસ્કો પડે એવું થયું શીતલને સ્તનમાં ગાંઠ દેખાઈ ડોકટરને બતાવ્યું અને નિદાન થયું કેન્સર તાત્કાલિક ઓપરેશન કરાવવું પડ્યું. સાસુ-સસરાએ આ સમાચાર સાંભળ્યા એટલે આઘાતથી સ્તબ્ધ થઈ ગયા એમણે શીતલને કહ્યું ‘દીકરી તું જરાય ગભરાઈશ નહીં. અમે આવીએ છીએ.’ સાસુ સસરા તરત અમેરિકા પહોંચી ગયા તેઓએ ઘર અને નાના પૌત્રની જવાબદારી સંભાળી લીધી અને શીતલની નાનામાં નાની જરૂરતોનો ખ્યાલ રાખવા લાગ્યા. શીતલ કહેતી, ‘મમ્મી તમે મારી બહુ ચિંતા કરો છો.’ સાસુએ કહ્યું ‘હું તારા માટે જે કંઈ કરૂં છું એથી મને એટલો સંતોષ થાય છે ને મને પાકો વિશ્ર્વાસ છે. તું ઝટ રોગમુક્ત થઈશ. રાત્રે ઉંઘમાં હું પ્રભુસ્મરણ કરૂં છું અને પ્રભુને વીનવું છું કે અમારી બહુ કસોટી નહીં કર. તારા કેન્સરને બે હાથ જોડીને વિનવું છું પ્લીઝ તું વિદાય થા.’

શીતલના મમ્મી-પપ્પા ઈન્ડિયામાં જ હતા તેઓએ શીતલને પૂછયું ‘અમે આવીયે?’

ત્યારે શીતલે કહ્યું ‘ના મારી સાસુ છે ને હું સાજી થાઉ, ટ્રીટમેન્ટ પૂરી થશે પછી અમે સાથે જ ઈન્ડિયા આવશું. પણ તારૂં બધું કરશે કોણ? તારા નાના દીકરાને કોણ સાચવશે?

શીતલ બોલી: ‘મમ્મી તારી ચિંતા સાચી છે પણ મારા સાસુ એટલા પ્રેમથી મારી ચાકરી કરે છે મમ્મી મેં ખૂબ પૂણ્ય કર્યા હશે આપણે આજ સુધી બીજી સાસુઓની નિષ્ઠુરતાની વાતો સાંભળતા આવ્યાં છીએ કે વહુ કામ કરતી હોય તો સાસુ એની બુરાઈ કરે, સાસુને ડર હોય કે એનો દીકરો વહુ છીનવી લેશે માટે વહુ વિરૂધ્ધ દીકરાના કાન ભંભેરે. વહુની કયારેય કદર ના કરે, વહુને પોતાની ગણેજ નહીં એ માંદી હોય તો ય કહે ઢોંગ કરે છે. વહુ સાચ્ચી લાગણી રાખતી હોય તો કહે દેખાડો કરે છે.

જ્યારે મારા સાસુ મારી નાનામાં નાની વાતના વખાણ કરે છે. એમણે મને કદી પારકી નથી ગણી. મારી પર ભરપૂર વિશ્ર્વાસ રાખ્યો છે. મારી કયારેય ભૂલ થઈ હોય તો ય, ‘થઈ જાય’ કહીને એ પ્રકરણ ત્યાંજ બંધ કરી દીધું છે. કોઈ ભૂલને ઘૂંટી ઘૂંટીને મોટું રૂપ નથી આપ્યું. મારી અને એમની વચ્ચે ગેરસમજ થઈ નથી પણ ગેરસમજ થવાનો સંભવ લાગે ત્યારે નિખાલસતાથી સાચી પરિસ્થિતિ મને પૂછે છે. મમ્મી મારાં સાસુ લાગણીવાળા છે એટલાજ વિશાળ હૃદયના છે. બુધ્ધિથી સમજનાર છે. એમનો મને કદી ડર નથી લાગ્યો. કાયમ એમના ઉષ્માપૂર્ણ હેતનો જ અનુભવ થયો છે. અરે કયારેક મારૂં મન ઉદાસ હોય, ચિંતામાં હોય એમને ખબર પડી જાય તો મારી ઉદાસીનતા દૂર થાય એવી વાતો કરે છે. મારી ટ્રીટમેન્ટ પૂરી થાય ત્યાં સુધી મારાં સાસુ અહીંજ રોકાવાના છે અને પછી મને લઈને ત્યાં આવવાના છે. માટે ચિંતા નહીં કર મને તો લાગે છે કે આ જન્મે તું મારી મા છે. પણ ગયા જન્મમાં મારા સાસુ જ મારી મા હશે.

About આબાન પરવેઝ તુરેલ

Leave a Reply

*