અંજુમન આતશ બહેરામે 120મી શુભ સાલગ્રેહની ઉજવણી કરી

મુંબઈની અંજુમન આતશ બહેરામની 120મી શુભ સાલગ્રેહ 18મી સપ્ટેમ્બર 2017ને દિને અર્દીબહેસ્ત મહિનો અને અર્દીબહેસ્ત રોજને દિને ઉજવવામાં આવી હતી. સવારે અને સાંજે એમ બે વખત જશનની પવિત્ર ક્રિયા દસ્તુરજી સાહેબ ડો. (એફઆરસીએસ) જામાસ્પ જામાસપાસા અને એમની ટીમના મોબેદો દ્વારા કરવામાં આવી.

ટ્રસ્ટીઓ એરવદ ફિરોઝ કાત્રક, એરવદ બરજોરજી આંટીયા, એરવદ નોશીર કાત્રક અને એરવદ નોશીર કોટવાલે સવારના જશનની અધ્યક્ષતા સંભાળી હતી. જ્યારે ટ્રસ્ટી એરવદ ફિરોઝ કાત્રકે સાંજના જશનમાં ઉપસ્થિત થયા હતા. વડા દસ્તુરજી કૈખુશરૂ મીનોચહેર જામાસપાસા આતશ બહેરામમાં આખો દિવસ હાજર હતા. પ્રારંભથી જ જામાસપાસાના કુટુંબે અંજુમન આતશ બહેરામની જવાબદારી લીધી હતી. નાયબ દસ્તુરજી જામાસપાસાએ અંજુમન આતશ બહેરામ માટે બોલતા જણાવ્યું હતું કે આ આતશ બહેરામનો પાયો દસ્તુરજી ડો. જામાસ્પજી મીનોચેરજી જામાસપાસા દ્વારા રોજ દએેપાદર, માહ અર્દીબહેસ્તને 17મી ઓકટોબર 1897માં નાખવામાં આવ્યો હતો.

અંજુમન શબ્દનો અર્થ થાય છે, સામાન્ય સંસારી લોકો અને આ આતશ બહેરામ તેમના માટેજ હતું અને તેમના દ્વારા પૂરૂં પડાયેલું ભંડોળ દ્વારાજ બનવા પામ્યું હતું.

આતશ બહેરામના બાંધકામ માટે મરહુમ દસ્તુરજી ડો. જામાસ્પજી મીનોચહેરજી જામાસપાસાએ ભંડોળ એકત્ર કરવાનું શરૂ કર્યુ અને ભંડોળ ઓછું પડતા દસ્તુરજી કુકાદારૂ પાસે મદદ માંગવા ગયા. કુકાદારૂએ એક ઈંટ મંગાવી બીજા ઓરડામાં મુકાવી અને આખી રાત પ્રાર્થના કરી અને એ ઈંટ સોનાની થઈ ગઈ જેની કિંમત 10,000/- હતી. એજ રકમ જે આતશ બહેરામનું કામ પૂરૂં કરવા માટે જોઈતી હતી.

આતશબહેરામનું આધુનિકરણ પર વાત કરતા એરવદ જામાસ્પએ જણાવ્યું કે ‘આતશ બહેરામના મુખ્ય મકાનની સ્થાપના 1897માં થઈ હતી. કૈખુશરૂ હોરમસજી ભીવંડીવાલાના દાનની રકમથી 17મી જુલાઈ 1925માં આદરિયાનની સ્થાપના થઈ હતી. ત્યારબાદ બે વખત સુધારો કરવામાં આવ્યો જે શતાબ્દી વર્ષનો છેલ્લો પ્રસંગ હતો. ભવ્ય ઈમારત માટે સતત જાળવણી અને સમારકામની જરૂર પડે છે અને સમિતિએ ‘સમારકામ ફંડ’ની સ્થાપના કરી છે. જેમાં નજીકના ભવિષ્યમાં વધારો થશે તેવી આશા છે કારણ ઈમારતને એક વખત સંપૂર્ણ રીતે બનાવવાની જરૂરત છે.

Leave a Reply

*