જમશેદજી કાટપીટીયાને બાળકો થાય પણ તે અલ્પજીવી નીવડતાં, પાંચ છ મહિનામાંજ પાછાં વળતાં આથી તેઓ બહુ પરેશાન રહેતા. તેમના એક મિત્ર મોહને તેમને એક ઉપાય સૂચવતાં કહ્યું કે ‘જમશા તને છોકરાં તો થાય છે એટલે તમારા બેમાં કોઈ શારિરીક ઉણપ નથી પરંતુ મને લાગે છે કે તને કોઈ ગ્રહ નડે છે. મારો જાણીતો એક જોશી છે તો તું કહે તો આપણે તેનો અભિપ્રાય લઈએ.
ભલા કામમાં વળી ઢીલ કેવી! બીજે જ દિવસે મોહન જયરામ જોશીને લઈ આવ્યો. કાનના ઉપરના ખાંચામાં સીસાપેન, બગલમાં પોથી અને એક હાથમાં ધોતીનો છેડો પકડી ચોટલી હલાવતા હલાવતા આવી પહોંચ્યા. ઘરનાં બધાંએ આગતા સ્વાગતા કરી તેમને આસન પર બેસાડી પોતાની કેફિયત કહી. જોશી મહારાજે ટપકા જોયા, પોતાની પોથીમાંના પાનાં ઉથલાવ્યા અને પછી થોડો વિચાર કરી કહ્યું, ‘તમને બુધ નડે છે માટે હું જેમ કહુ તેમ કરશો તો સૌ સારાં વાનાં થશે? બધાંજ સમંત થયા એટલે એમણે કહ્યું કે હવે જે બાળક અવતરે તે એક માસનો થાય ત્યારે તેને તમારા ઘરની સામે જે ઉકરડો છે ત્યાં થોડીવાર માટે મૂકી પાછો લઈ આવજો.’
જમશેદજીને ત્યાં બાળક અવતર્યુ અને તે એક મહિનાનો થયો એટલે ગમે કે ન ગમે જોશીજી એ જેમ કહ્યું હતું તેમ કર્યુ. લો! ચમત્કાર બીજા બાળકોની જેમ અવસાન નહિ પામતાં તેનું વરસ ધામધૂમથી ઉજવ્યું જોશીજીની વાણી સાચી પડી એટલુંજ નહિ પણ પછી કુંવરબાઈ, પેસ્તનજી, પિરોજશા પણ આવ્યા અને તેઓ પણ લાંબુ જીવ્યા. જયરામ જોશીજીને હવે તો વાર તહેવાર શુભાશુભ અવસરે પણ તેમની સલાહ લેવામાં આવતી. બાળકનું નામ પાડવા રાશિ જોવડાવવા બોલાવ્યા તો કહ્યું કે એની વૃષભ (આખલો) રાશિ છે માટે બ,વ,ઉ ઉપરથી જે નામ પાડવું હોય તે પાડજો. તેમને ઉકરડા પર મૂકેલા એટલે ઘરના બધાં ઉકડજી નામ પાડવા સમંત થઈ ગયા.
સમય સરકતો જાય છે, તે કોઈને માટે થોભતો નથી. સોળે શાન અને વીસેવાન ઉકડજી વીસના સશકત યુવક બની ગયા. જવાની દીવાની કહેવાય છે. તેઓ તેમની એક રિસ્તેદાર નામે આલીબઈના પ્રેમમાં પડયા બલકે કહો કે ઉકડજી અને આલીબઈ બન્ને પરપસ્પર મહોબતમાં રંગે રંગાયા. ઘરનાથી કંઈ છૂપું રહે? બધાને ખબર પડી ગઈ ‘છાનું રે છપનું કંઈ થાય નહિ, ઝાંઝરના ઝમકે તો ઝાંઝર કહેવાય નહિ! બન્ને પક્ષ એ લોકો શાદીના ગાંઠથી આ જીવન બંધાય એમાં રાજી હતા.
લગ્ન શુભ મુરતો જોવા જયરામ જોશીજીને બોલાવ્યા. માથે બાલને બદલે ટાલ, ધીમી ચાલ, બેસેલા ગાલ, મોટું પેટ અને ખભે શાલ એવા હાલ સાથે પધાર્યા. હવે એમની પણ ઉંમર થવા આવી હતી. ઉકડજી અને આલીબઈના ટપકા જોયા, લગ્નની કુંડળી માંડી, ગુણમેળાપ ગણ્યા અને પછી દિવેલ્યું ડાચું કરી બોલ્યા ‘અનિષ્ઠ! અતિ અનિષ્ઠ! રાહુ દોષ, કેતુ દોષ શનિદોષ હોવાથી જોડીમાં મતભેદ થશે અને છૂટા પડશે અથવા બેમાંથી એકનો સ્વર્ગવાસ થશે. મેષ (ઘેટું) અને વૃષભ (આખલો) આ બે રાશિનો મનમેળ થતો નથી. જો લગ્ન થશે તો વૃષભ (ઉકડજીની રાશિ) મેષ (આલીબઈની રાશિ)ને બહુ હેરાન પરેશાન કરશે. આ તમને હું જ્યોતિષની દ્રષ્ટિએ કહું છું. પછી તમારી મરજી.’ આટલું કહી તેઓ ગયા. બધા વિમાસણમાં પડી ગયા. લગ્ન કરે તો પણ આફત ન કરે તો પણ આફત, કરવત આગળ જાય તો પણ વહેરે ને પાછળ જાય તો… તો પણ વહેરે. લગ્ન મોકૂફ રહ્યા.
ઉકડજીએ મનોમન નિશ્ર્ચિય કર્યો કે પરણીશ તો આલીનેજ નહિતર આજીવન કુંવારો રહીશ. પણ મારી આલીનું શું થશે? તેનાં માબાપ તેને વગર મનનું ઠોકી બેસાડી દેશે. છોકરીને કુંવારી રખાય? એની હાલત પાંખ વગરના પંખી અને પૂંછ વગરના વાનર જેવી થઈ જશે. જે ઉકડજી ઉકરડા પરના જીવલેણ જંતુઓને ગાંઠયા ન હતા તે આવી પરિસ્થિતિમાં બેસી રહે તેવા નહોતા.
મનનો મણમણનો ભાર હળવો કરવા એક દિવસ નાટક જોવા ગયા પણ નાટક જોવામાં મન ચોંટે ખરૂં? નાટકમાં એક જોશીનું પાત્ર આવ્યું એણે એવી એકટીંગ કરી કે તાળીઓ પર તાળી પડી. આ જોઈ ઉકડજીના દિમાગમાં વીજળીનો ઝબકારો થયો અને પોતાનો વિચાર અમલમાં મૂકવાનો નિશ્ર્ચિય કરી નાટક પૂરૂં થવાની રાહ જોઈ બેસી રહ્યા. નાટક પૂરો થયો એટલે એકટર જોશીનો વેશ બદલી પોતાના અસલી પોષાકમાં બહાર આવ્યો. ઉકડજીએ તેને યોજના બતાવતાં કહ્યું કે નાટકના જેવી એકટીંગ કરવા મારા ઘરે આવજો. પહેલાં તો તેણે આનાકાની કરી પરંતુ ઉકડજીએ તેની હથેલીમાં મહારાણી વિકટોરિયાની રૂપાની ચળકતી ચાર આની મૂકી દીધી એ કહ્યું કે મારૂં કામ તમે પાર પાડશો તો હું તમારો પાડ કદાપી ભૂલીશ નહીં અને તમને સારી એવી બક્ષિસ આપીશ છેવટે તે સમંત થઈ ગયો. પોતાનો પ્લાન પોતાના દોસ્ત રૂસ્તમને પણ કહ્યો અને સાથ આપવા કહ્યું.
બીજે દિવસે ઘરનાં બધાંઓને કહ્યું કે આપણા સુરતમાં જોશીના પણ જોશી એવા જ્યોતિષાચાર્ય યોગેશ્ર્વરજી આવ્યા છે તો આપણે તેની સલાહ કેમ ન લઈએ? તેઓ એકબે દિવસમાં કાશી-મથુરા ચાલ્યા જશે. રૂસ્તમે પણ લીલા વાંસનો ટેકો આપ્યો.
બીજે દિવસે જ્યોતિષાચાર્ય યોગેશ્ર્વરજી નાટકમાં પહેરેલો જોશીનો વેશ ધારણ કરી ઓમ હરિઓમ બોલતા આવ્યા. જયરામ જોશીએ જે ભવિષ્યવાણી કહી હતી તે કહી સંભળાવી. એટલે એમણે નાટક શરૂ કરી દીધું. ‘જયરામજી જોશીની વાત તદ્દન સાચી છે.’ આ સાંભળી ઉકરડાના પેટમાં ફાળ પડી. પણ પછી તેઓ આગળ બોલ્યા ‘રાજયોગ હોવાથી કોઈ દોષ થતો નથી એ જોવાનું જોશીજી ચૂકી ગયા લાગે છે. લગ્ન કરવામાં કંઈ વાંધો નથી. બન્ને સુખચેનથી લાંબુ આયુષ્ય ભોગવશે. આટલું કહી રવાના થયા એટલે ઉકડજીએ તેમની પાછળ પાછળ જઈ ગુપચૂપ બક્ષિસ પધરાવી દીધી. બીજે દિવસે તો નાટક કંપની બીજે શહેર જવા ઉપડી પણ ગઈ એટલે જ્યોતિષાચાર્ય ‘યોગેશ્ર્વરજી’ પણ રવાના થઈ ગયા. તેમની વાતથી ઘરના બધાં એટલા બધાં પ્રભાવિત થઈ ગયાં કે ઘરની સામેના ઉકરડાને સાફસૂફ કરાવી. મોટો માંડવો બાંધી ઉકડજી અને આલીબઈની શાદી ધામધૂમ અને ધધૂખરથી કરાવી દીધી. ઉકડજી માટે ઉકરડો શાપરૂપ નહિ પણ આશિર્વાદરૂપ થયો. નકલી જોશીનું જોશ ખરૂં પડયું બન્ને ત્યારથી વર્ષો સુધી સંપ અને સુખચેનથી જીવ્યા. કોણ જાણે કોની નજર લાગી તે ઉકડજી એકાએક માંદા પડયા. સુરતના વિખ્તયા ડો. જમશેદજી લશ્કરી પણ તેઓને સાજા કરી શકયા નહીં અને તેઓની જીવનજ્યોત બુઝાઈ ગઈ. તે સમયે આલીબઈ પણ ડગુમગુ થઈ જઈ ‘જાઉં જાઉં’ કરી રહ્યા હતા. ટૂંક સમયમાં તેઓ પણ પોતાના વહાલા ઉકડજીને મળવા ઉપડી ગયા. બન્નેના મુકતાદ પણ સાથે મંડાયા.
- અપેક્ષા-Expectation - 30 November2024
- ડો. શહરયુર અંદાઝને પ્રતિષ્ઠિત મેરી પીયર્સન એવોર્ડ આપવામાં આવ્યો - 30 November2024
- પરવિન તાલેયારખાન મિશિગનના આઈપી લો સેકશનના અધ્યક્ષ તરીકે ચૂંટાયા - 30 November2024