મા શક્તિની કૃપા પામવાનું પર્વ એટલે નવરાત્રી

ગરબાપ્રેમીઓ જેની રાહ જોતાં હોય છે એ નવરાત્ર-ઉત્સવ શરૂ થઈ ગયો છે. નવરાત્રીના ગરબા દુનિયામાં સૌથી જાણીતા છે. માતાના ભક્તો અને યુવાપેઢી ગરબાની તૈયારી મહિનાઓથી શરૂ કરી દે છે. તેમજ બંગાળમાં બંગાળીઓનો મોટો તહેવાર એટલે દુર્ગાત્સવ-દુર્ગાપૂજાનો તહેવાર તેમજ ઓરિસ્સામાં પણ નવરાત્રી ખૂબ ઠાઠ-માઠ અને ભક્તિભાવથી ઉજવાય છે. આસો સુદ આઠમ જે માતાજીની આઠમ તરીકે વધુ જાણીતી છે. એને હવનની આઠમ પણ કહે છે. નવરાત્રમાં માતાના નવ સ્વરૂપોનું પૂજન તથા કુંવારિકાઓનું પૂજન મુખ્ય હોય છે. ભગવાન શંકરના પત્ની ઉમા એટલે કે પાર્વતીના બે રૂપ છે. એક સ્ત્રીને શોભે તેવા સદગુણો અને કર્મોથી ભરપૂર છે. એમનું બીજું રૂપ દુર્ગાનું પણ છે. દુર્ગ નામના એક ભયાનક રાક્ષસનો સંહાર કરવા તેમણે આ રૂપ ધર્યુ હતું અને એ દુર્ગ નામના રાક્ષસનો સંહાર કર્યો એટલે જ તેઓ દુર્ગા કહેવાયા જેની કથા જાણીતી છે.

શક્તિ ઉપાસનાનો પર્વ નવરાત્રી કેમ ઉજવાય છે? મા દુર્ગાની આરાધના કેમ થાય છે તેના માટે બે વાર્તાઓ જાણીતી છેે.

 એક વાર્તા અનુસાર લંકાના યુધ્ધમાં બ્રહ્માજીએ શ્રીરામને રાવણનો વધ કરવા ચંડી દેવીની પૂજા કરવા કહ્યું તથા પૂજામાં વપરાતા 108 નીલ કમલની વ્યવસ્થા પણ કરી આપી. તેવીજ રીતે રાવણે પણ અમરત્વ પ્રાપ્ત કરવા ચંડીની પૂજા કરવી ચાલુ કરી. આ વાત પવનના માધ્યમથી ઈન્દ્રદેવે શ્રીરામ સુધી પહોંચાડી દીધી. અહીં રાવણે પણ માયાવી તરીકાથી પૂજા સ્થળ પરથી હવનની સામગ્રીમાંથી એક નીલકમલ ગાયબ કરી દીધું. જેનાથી શ્રીરામની પૂજા ખંડિત થઈ જાય. શ્રીરામનો સંકલ્પ તૂટી જતો લાગ્યો. બધામાં ભય વ્યાપિત થઈ ગયો કે દુર્ગામાતા કોપાયમાન ન થઈ જાય. ત્યારે  તેમને યાદ આવ્યું કે તેમને કમલ-નયન, નવકુંજ લોચનથી પણ ઓળખવામાં આવે છે. તો કેમ નહીં એક નેત્ર માતાજીને સમર્પિત કરી દેવામાં આવે. શ્રીરામે તીરથી પોતાની આંખ કાઢવાની તૈયારી કરી. તેવામાંજ દુર્ગા માતા પ્રકટ થઈ અને શ્રીરામને વિજયશ્રીના આશિર્વાદ આપ્યા. બીજી તરફ રાવણની પૂજાના સમયે હનુમાનજી બ્રાહ્મણ બાળકનું રૂપ લઈને ત્યાં પહોંચી ગયા અને પૂજા કરતા બ્રાહ્મણોના એક શ્ર્લોકમાં જ્યાં દેવી…ભૂર્તિહરિણીમાં હરિણીના સ્થાનની જગ્યાએ કરિણીનું ઉચ્ચારણ કરાવી દીધું. હરિણીનો અર્થ થાય છે કે ભક્તની પીડા હરવાવાલી અને કરિણીનો અર્થ થાય છે પીડા આપવાવાલી. આમા દુર્ગામાતા નારાજ થઈ ગઈ અને રાવણને શ્રાપ આપી દીધો કે રાવણ તારો સર્વનાશ થશે.

નવરાત્રીની બીજી વાર્તા અનુસાર મહિષાસુરની ઉપાસનાથી ખુશ થઈ દેવતાઓએ એને અજય થવાનું વરદાન આપ્યું હતું. આ વરદાનને લીધે મહિષાસુરે એનો દુરૂપયોગ કરવાનું શરૂ કરી દીધું અને નર્કના દ્વારને સ્વર્ગના દ્વાર સુધી વિસ્તારિત કરી નાખ્યું. મહિષાસુરે સૂર્ય, ચંદ્ર, ઈન્દ્ર, અગ્નિ, વાયુ, યમ, વરૂણ અને અન્ય દેવતાઓના અધિકાર પણ છીનવી લીધા અને સ્વર્ગલોકનો માલિક થઈ બેઠો. ત્યારે બધાજ દેવતાઓને પૃથ્વીપર જવું પડયું હતું. મહિષાસુરથી ક્રોધિત બની દેવતાઓએ માદુર્ગાની રચના કરી. મહિષાસુરનો વધ કરવા માટે બધાજ દેવતાઓએ પોતાના અસ્ત્રશસ્ત્ર દુર્ગામાતાને સમર્પિત કરી દીધા જેનાથી તે વધારે બળવાન થઈ ગયા. નવ દિવસ મહિષાસુર સાથે લડાઈ ચાલી અને અંતમાં મહિષાસુરનો વધ કરી માદુર્ગા મહિષાસુર મર્દિની કહેવાય હતી.

 

Leave a Reply

*