શિરીન

તે દુકતીઓએ પણ કંઈક પોત પોતાનાંજ બહાના કાઢયા. હિલ્લાએ કહ્યું ‘જવાસે તો જઈશું,’ કરી ટૂંક જવાબ આપી દીધો, કે ફિરોઝ ફ્રેઝરે ત્યારે દુ:ખી થઈ ચુપકીદીજ અખત્યાર કરી દીધી.

પણ શિરીન વોર્ડન તો ખુશીજ થઈ, કારણ કેમ કરી તેણી પોતાના વહાલાને બીજી છોકરી અને તે પણ મોલી કામા સાથ પરણતો નિહાળી શકે?

અને બીજું એક અડવાડિયું ઝપાટામાં ખતમ થઈ ચૂકુ કે એક દિવસ જ્યારે શિરીન પોતાના ભાઈને મળવા તે મંદીરમાં ગઈ કે કેરસી વોર્ડને તેણીને હેતથી વળગી પડી ઉશ્કેરાઈ જઈ બોલી સંભળાવ્યું.

‘ઓ શિરીન…શિરીન, કંઈ…કંઈ અગતની બીનાં બની ગઈછ ને..ને મને તારી હેલ્પ જોઈએછ.’

‘શું છે, કેરસી?’

‘મેં ગુરૂજી આગળ પહેલેથી બધી વાત કીધી, શિરીન, ને..ને એવણ પોતે જઈને પેલા મદ્રાસીને મળી આયા, ને તે મારો ગુનાહ માફ કરવા કબુલ છે, પણ એટલીજ શરતે કે તેને પાછી પોતાની એટલી રકમ મળી જાય તોજ, ને તેથી પ્લીઝ..પ્લીઝ શિરીન મને હેલ્પ કર.’

‘પણ કેરસી, હું કેવી રીતે હેલ્પ કરી શકું? હું એટલી મોટી રકમ મેળવું જ કયાંથી?’

તે મીઠી હમશીરે લાચાર બની તરત બોલી દીધું કે તે ભાઈએ આશા ઉમેદ વચ્ચે તેણીને કહી સંભળાવ્યું.

‘શિરીન, તું ફિરોઝ ફ્રેઝર આગળથી તે રકમ કદાચ મેળવી શકે. એ લખપતી માણસ હોવાથી એટલી રકમ તુંને સહેલાઈથી ધીરી શકે તેવી હાલતમાં છે.’

એ સાંભળી શિરીન વોર્ડન ચમકી ઉઠી. યા ખુદા, જે મરદે તેણીનાં ભાઈને પોલીસમાં પકડાવી આપવાનાં સોગંદ લીધા હતા તેજ મરદ કદી પણ તેણીને મદદ કરી શકે? નહીં કદીજ નહીં.

પછી તેણીએ ઉશ્કેરાઈ જઈ જવાબ આપી દીધો.

‘કેરસી, કદી કદી પણ એ વાત બની શકે તેમ નથી. ફિરોઝ ફ્રેઝર તુંને મદદ કરવાને બદલે ઉલતા પોલીસમાં પકડાવી આપશે, તે તું જાણેછ?’

એ સાંભળતાંજ તે કમનસીબ જવાનનો મુખડો કરમાઈ ગયો ને તે આશાવંત આંખોમાં ફરી ગમગીની આવી ગઈ ને એક ઉંડો નિસાસા તે મોંહ વાટે સરી પડયો કે તે મીઠી હમશીરને દયા આવી ગઈ.

‘પ્લીઝ કેરસી, એ બાબદમાં તુંને નહીં હેલ્પ કરવા માટે હું ઘણીજ દલગીર છું.’

‘કંઈ નહીં શિરીન પણ..પણ તું એ રકમ મારૂં નામ જણાવ્યા વગર મેળવી શકે ખરી?

તેણીને ચુપ બેઠેલી જોતાં ફરી તે ભાઈ કકળી પડયો.

‘શિરીન, પ્લીઝ…પ્લીઝ મને એટલી હેલ્પ કર. મને ફકત આંય એકજ ચાન્સ જિંદગીમાં આપ ને પછી હું મારી લાઈફનો એક નવોજ સફો શરૂ કરી નાખશ, તેથી શિરીને કોઈને ખાતર નહીં તો વહાલા પપ્પાને ખાતર એટલી મને મદદ કર.’

તે છેલ્લા વાકય તેણીનાં કાનો પર પડતાં શિરીન વોર્ડન તેણીનાં ખ્યાલોમાંથી ઝબકી ઉઠી, ને તેણીનાં પિતાને આપેલું વચન હાલ તેણીનાં હૈયે આવી ગયું કે અંતે તે બાળાએ ગુસ્સાથી બોલી લીધું.

‘કેરસી, ફકત વ્હાલા પપ્પાને ખાતર હું કોશેષ કરી જોવશ.’

થેંકયુ…થેંકયુ શિરીન, પણ તે કામ આજે રાતેજ થવું જોઈએ.’

‘આજેજ રાતે?’

‘હા, હા, આજેજ રાતે, કારણ ત્રણ દિવસની મુદતમાં પેલા મદ્રાસીને જવાબ જોઈએછ.’

‘ઓ ખુદા, કેરસી, આજે ફિરોઝ ફ્રેઝરે પોતાની ફીઆંસેને લઈને ડેન્સમાં ગયેલા હોવાથી કયારેબી આવશે? પણ..પણ જો તેવણ એખલાજ પાછા ફરશે તો તે બાબદ વિશે હું સવારનાં વાત કરશ.’

અને પછી બીજી ત્રીજી વાતો કરી શિરીન વોર્ડન કંઈક ચકરાયેલી ગભરાયેલી ફરી ‘ડરબી કાસલ’માં જઈ પૂગી.’

તે રળીયામણી ચાંદરણી રાત પડી ચૂકી, ને માહતાબે પોતાની રોશની તે મકાન પર ફેંકી તેને ‘સીલવર કાસલ’માં ફેરવી નાખ્યો.

રાતનાં દસને ઠોકે તે આખું મકાન શાંત બની ગયું, કે શિરીન વોર્ડન ધ્રુજતી ધપકતી પોતાનાં કપડાં બદલી ફિરોઝ ફ્રેઝરની આવવાની રાહ જોતી બેઠી.

કલાકો વહેતાજ ચાલ્યા ને એકની ટકોરી પડતાંજ તે જાણીતી ગાડી વિશાલ તે બગીચાનાં પોરટીકોમાં આવતી જણાઈ કે શિરીન વોર્ડને પોતાનાં ખરાં જીગરથી વિશ કરી લીધું કે તે જવાન એખલોજ આવ્યો હોય.

પણ નહીં, ઉપરથી ટીંગાઈને જોતાં તેણીની આંખો આગળ બે આકારો દેખાઈ આવ્યા કે ભયનું એક લખલખું તેણીનાં બદનમાંથી પસાર થઈ ગયું.

યા ખુદા હવે તેણી કેમ જ કરી તે વિગત સવારનાં પોતાનાં વ્હાલાને જણાવી શકે, કારણ મોલી કામા એક ઘડી પણ તેને એખલો છોડી શકેજ નહીં.

હવે શું કરવું, તેના વિચારનાં વમળમાં તેણી પડી ગઈ, ને બીજે દિવસે તો તે ભાઈને જવાબ જોઈતો હતો.

 (વધુ આવતા અંકે)

About અરના હોમી પેસીના

Leave a Reply

*