જાલેજરની બાનુ રોદાબે

પેલી તરફ જ્યારે કાબુલના પાદશાહ મેહરાબને ખબર પાડી કે જાબુલસ્તાનનો પાદશાહ સામ, શાહ મીનોચહેરના હુકમથી લશ્કર લઈ કાબુલ ઉપર હુમલો લાવે છે. ત્યારે તે પોતાની રાણી સીનદોખ્ત ઉપર ઘણો ગુસ્સે થયો, અને કહ્યું કે ‘હવે તુંને અને રોદાબેને તેની આગળ લઈ જવી જોઈએ અને તેની હજુરમાં તમો બેઉને કતલ કરવી જોઈએ કે તેથી કાબુલ ઉપરનું વીઘન દૂર થાય.’

સીનેદોખ્તે પોતાના ખાવિંદ પાદશાહને ઠંડો પાડયો. તેણી એક ડાહી અને ચબરાક રાણી હતી, તેથી લાંબો વિચાર કરી તેણીએ કહ્યું કે ‘તું મને કેટલોક ખજાનો સામ માટે ભેટ આપ, કે હું પોતે તે લઈ તેની આગળ જાઉં અને તેને સમજાવું.’ મેહરાબે સામને ભેટ આપવા માટે ઘણોક ખજાનો અને ભેટ સોગાદ આપ્યા કે જે લઈ સીનદોખ્ત સોલેસિંગાર કરી સામની આગળ ગઈ. તેણી હાથી અને ઘોડા અને ગુલામો અને જરવાહીરની જે ભેટ સોગાદ લઈ ગઈ હતી તે ભેટ સોગાદની બે મેલ સુધી હાર લાગી હતી. જ્યારે આવી કિમતી અને મોટી ભેટ સોગાદ સાથે એક બાનુને સામેસવારે પોતા સન્મુખ જોઈ ત્યારે તે વિચારમાં પડયો કે ‘જો હું એ સઘળું કબૂલ રાખું છું, તો પાદશાહ  મીનોચહેર ગુસ્સે થશે. જો હું એના પાડું છું તો જાલેજર ગુસ્સે થશે.’ આ મુશ્કેલી ટાળવા તેને એ સઘળી ભેટ જાલને માટે હોય એમ ગણી તે જાલને નામે કબૂલ રાખી અને કહ્યું કે ‘એ સઘળું જાલના ખજાનચીને સોપો.’ પછી સામે સીનદોખ્તને પૂછયું કે તેણી કોણ બાનુ હતી? ત્યારે સીનદોખ્તે પોતાના જાનની સલામતી માટે કોલ માગ્યો અને સામે તે તેણીના હાથ ઉપર ઠોકી આપ્યો. ત્યારે તેણીએ પોતાને મેહરાબની રાણી તરીકે જાહેર કરીને અરજ કરી કે ‘જો કોઈ વાંક હોય તો મેહરાબનો કે અમારો છે. પણ તે માટે તું આંખા કાબુલને શા માટે પાયમાલ કરવા માગે છે?’ સામે સગળી હકીકત સાંભળી સીનદોખ્તને દિલાસો દીધો અને જાલ અને રોદાબેની શાદી માટે પોતે પસંદગી જણાવી જાલને શાહ આગળ મોકલ્યો હતો તેની વાત જણાવી, અને પોતે રોદાબેને જોવાની મરજી જણાવી. પછી તેણે ફરીથી સીનદોખ્તના હાથમાં હાથ આપી તેણીને કોલ આપ્યો કે કાબુલ માટે તેણીએ બેફીકર રહેવું. સીનદોખ્ત ખુશી થઈ શહેર ભણી પાછી ફરી.

હવે પેલી બાજુ જાલ મીનોચહેર પાદશાહ આગળ જઈ પહોંચ્યો અને બાપનું નામું કુરનેશ બજાવીને પાદશાહને આપ્યું. મીનોચહેરશાહે તે નામું વાંચ્યું અને કહ્યું કે ‘જો કે તે મારૂં દેલ ગમગીન કીધું છે, તોપણ સામનું આ દેલ જીતી લેનાર નામું વાંચી હું કબૂલ થાઉં છું અને તારી જે મરજી હશે તે પાર પાડીશ.’ પછી જાલને પોતા પાસે થોડો વખત રાખ્યો. પાદશાહના કહેવાથી તેના 6 કાબિલ દરબારીઓએ જાલને એક પછી એક ગુંચવાવનારા સવાલો યાને ઉખીયાણાંઓ પૂછયાં, જેના તેણે હુશિયારીથી જવાબો આપ્યા. પાદશાહ તેથી હેરત અને ખુશ થયો. પછી જાલે પાદશાહ હજુર પોતાનું જોર અને લડાઈનો હુન્નર દેખાડયો. તેથી પણ શાહ અને દરબારીઓ હેરત થયા. એ સઘળું જોઈ શાહે છેવટે સામના કાગળનો જવાબ આપ્યો અને તેમાં જણાવ્યું કે ‘મે જાલની ખાહેશ કબૂલ રાખી છે અને મારી બહાલી આપી છે.’ જાલ ખુશી થઈ પોતાના બાપ આગળ જવા નીકળ્યો. તેણે આગમચથી એક કાસદને બાપ આગળ મોકલી, પાદશાહે તેની માફી માટે બહાલી આપી હતી, તેની ખુશખબર કહેવડાવી. તે પેગામ સાંભળી બુઢ્ઢો સામ જાણે જવાન થયો અને તુરત મેહરાબ પાદશાહને ખુશ ખબર કહેવડાવી. મેહરાબને તે જાણી એટલી તો ખુશી ઉપજી કે જાણે તેથી મુએલો આદમી જીવતો થાય અને જઈફ હોય તે જવાન થાય. મેહરાબે તે ખબર સીનદોખ્તન કહી અને સીનદોખ્તે રોદાબેને કહી અને સઘળાંનાં દેલ ખુશી થયા અને મહેલમાં સઘળી શાદીની તૈયારી થવા માંડી.

(ક્રમશ)

About મરહુમ ડો. સર જીવનજી જમશેદજી મોદી

Leave a Reply

*