વિશ્ર્વમાં સત્ય અને અહિંસાના પ્રેરણાસ્ત્રોત મહાત્મા ગાંધી અને ‘જય જવાન જય કિસાન’નો નારો આપનાર લાલબહાદુર શાસ્ત્રી

એકજ દિવસે બે વિભૂતિઓએ ભારત માતાને સન્માનિત કર્યા. ગાંધીજી તેમજ લાલબહાદુર શાસ્ત્રી જેવી અદભુત પ્રતિભાઓ જેમણે 2જી ઓકટોબરે જન્મ લીધો. જે આપણા માટે હર્ષનો વિષય છે. સત્ય અને અહિંસાના બળ પર અંગ્રેજોથી ભારતને સ્વતંત્રતા અપાવી આપણને બધાને સ્વતંત્ર ભારતની અનમોલ ભેટ આપવાવાળા મહાપુરૂષ ગાંધીજીને રાષ્ટ્રપિતા તરીકે નવાજવામાં આવ્યા છે. તેમજ જય જવાન જય કિસાનનો નારો આપી લાલ બહાદુર શાસ્ત્રીજીએ સ્વતંત્ર ભારતના બીજા પ્રધાન મંત્રીના રૂપમાં રાષ્ટ્રને વિશ્ર્વસ્તરે ઉચ્ચ કોટીની ઓળખ આપી. આપણા ભારતના બે આધાર સ્તંભો. અહીં મહાપુરૂષ મહાત્મા ગાંધીની બે પ્રેરક વાર્તાઓ જે નીચે રજૂ કરી છે વાંચકોને અવશ્ય ગમશે.

ગાંધીજી દેશભરમાં ભ્રમણ કરી ચરખાસંઘના માટે ધન જમા કરી રહ્યા હતા. એક દિવસ તેઓ ઓડિસા પહોંચ્યા કોઈ સભામાં ભાષણ આપવા માટે એમના ભાષણ પછી એક વૃધ્ધ ગરીબ સ્ત્રી ઉભી થઈ જેના બધાજ વાળ સફેદ થઈ ચુકયા હતા. કપડા ફાટેલા હતા અને કમરમાંથી એ વળીને ચાલતી હતી એ ‘મને ગાંધીજીને જોવા છે’ એમ બોલતા બોલતા ભીડમાંથી રસ્તો બનાવી ગાંધીજી પાસે જેમ તેમ પહોંચી ગઈ. એમને જોયા પછી એ તેમના પગે લાગી પછી તે વૃધ્ધ સ્ત્રીએ પોતાની સાડીના પાલવમાં બાંધી રાખેલો તાંબાનો એક સિકકો કાઢી ગાંધીજીના ચરણમાં મૂકી દીધો. ગાંધીજીએ સાવધાનીથી સિકકો ઉપાડયો અને પોતાની પાસે મૂકી દીધો. એ સમયે ચરખાસંઘનો કોષ જમનાલાલ બજાજ સંભાળતા હતા. એમણે ગાંધીજી પાસે એ સિકકો માંગ્યો પણ ગાંધીજીએ આપવા માટે ના પાડી દીધી. ‘હું ચરખા સંઘના હજારો રૂપિયા અને ચેક સંભાળું છું તમે એક તાંબાના સિકકા માટે મારા પર ભરોસો નથી કરતા?

ગાંધીજીએ કહ્યુંં આ તાંબાનો સિકકો બીજા હજારો સિકકા કરતા મારા માટે બહુ કીમતી છે. કોઈ વ્યક્તિ પાસે લાખો રૂપિયા હોય અને તે બેચાર હજાર દાન આપે તો તેને કોઈ ફરક નથી પડતો. પરંતુ આ સિકકો તે સ્ત્રીની જમા પૂંજી હતી અને એણે પોતાનું બધુંજ દાનમાં આપી દીધું. કેટલું મોટું બલિદાન! મારા માટે આ તાંબાના સિકકાની કિમત એક કરોડથી પણ વધારે છે.

બીજો પ્રસંગ: કલકત્તામાં હિન્દુ-મુસલમાન વચ્ચે હુલ્લડ થઈ ગયું. કેટલા પ્રયાસો છતાં પણ હુલ્લડ શાંત નહોતું થયું. આવી પરિસ્થિતિમાં ગાંધીજી પોતાના એક મુસ્લિમ મિત્રના ઘેર જઈ રોકાયા એમના જવાથી ઝઘડો થોડો ઓછો થયો પણ હુલ્લડો ફરી શરૂ થયા. ત્યારે ગાંધીજીએ આમરણ અન્શન કરવાનું નકકી કર્યુ અને 31મી ઓગસ્ટ 1947ના દિને અન્શન પર બેસી ગયા. આ દરમ્યાન એક અધેડ વયનો માણસ એમની પાસે ગયો અને કહ્યું ‘હું તારા મૃત્યુનું પાપ મારા માથે નથી લેવા માંગતો, લો આ રોટલી ખાઈ લો.’

અને પછી અચાનક એ રડવા લાગ્યો. ‘હું મરીશ તો નર્કમાં જઈશ!’

કેમ? ગાંધીજીએ વિનમ્રતાથી પૂછયું કારણ એ લોકોએ મારા બાળકને મારી નાંખ્યું અને ગુસ્સામાં મેં એક મુસલમાનના બાળકને મારી નાખ્યું.’ માણસે રડતા કહ્યું. ગાંધીજીએ વિચાર્યુ અને બોલ્યા મારી પાસે એક ઉપાય છે. તે માણસ આશ્ર્ચર્યથી તેમની તરફ જોવા લાગ્યો. એજ ઉમંરનો એક છોકરો ગોતી કાઢો જેણે પોતાના માતા-પિતાને આ હુલ્લડમાં ખોયા હોય અને એને પોતાના દીકરાની જેમ રાખો. શરત એટલીજ કે એ મુસ્લિમ હોવો જોઈએ અને એને મુસ્લિમોની જેમ જ મોટો કરવો જોઈએ. ગાંધીજીએ પોતાની વાત પૂરી કરી.

Leave a Reply

*