દિવાળી 5 દિવસના તહેવારનુ મહાપર્વ છે. પાંચ દિવસ આ તહેવાર હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવે છે. આ પાંચ દિવસમાં ઘર અને બજારોમાં ઉત્સવી વાતાવરણ રહે છે. દિવાળીના પાંચ અતિ શુભ પર્વ ધનતેરસથી શરૂ થઈને ભાઈબીજ સુધી ચાલે છે. આ પાંચ દિવસના પોતાના જુદા અને વિશેષ મહત્વ છે. ધનતેરસનું મહત્વ દર્શાવતી પ્રાચીન સમયની વાર્તા જે અવશ્ય જાણવા જેવી છે.
એકવાર યમરાજે પોતાના દૂતોને બોલાવીને પૂછયું કે તમને કદી કોઈના પ્રાણ હરતી વખતે દયા આવે છે? યમદૂતોએ સંકોચમાં પડી ગયા અને બોલ્યા, ‘નહી મહારાજ, અમે તો તમારી આજ્ઞાનું પાલન કરીએ છીએ. અમારે દયાભાવથી શું લેવું?’
યમરાજ સમજી ગયા કે આ લોકો કદાચ સંકોચવશ આવું કહી રહ્યા છે. આથી તેમણે નિર્ભય કરતાં બોલ્યા તમે સંકોચ ન કરતાં. જો તમારૂં દિલ કદી કંપી જતુ હોય તો નિડર થઈને કહો. ત્યારે યમદૂતોએ બીતાં બીતા કહ્યુ કે એકવાર આવી ઘટના ઘટી હતી. જ્યારે અમારૂં હૃદય કંપી ઉઠ્યું હતુ.
એવી શુ ઘટના ઘટી હતી? ત્યારે યમદૂતોએ જણાવ્યુ, ‘મહારાજ, હેમ કરીને એક રાજા હતો. ભગવાનની કૃપાથી હેમની પત્નીએ એક પુત્રને જન્મ આપ્યો. જ્યોતિષોનું કહેવુ હતુ કે આ બાળક તેના લગ્નના ચાર દિવસ પછી મૃત્યુ પામશે. રાજા હેમના આદેશથી તે બાળકને યમુના કિનારે એક ઝૂંપડીમાં મુકવામાં આવ્યો. તેના પર સ્ત્રીઓની છાયા પણ પડવા દેવામાં આવતી નહોતી.
પરંતુ વિધિનું વિધાન અડગ હોય છે. સમય વીતતો ગયો. સંજોગથી એક દિવસ એક રાજકુમારી યમુના કિનારે આવી પડી અને બ્રહ્મચારી યુવાન અને તે રાજકુમારી બન્ને એકબીજાને જોતાજ પ્રેમમાં પડે છે અને ગંધર્વ વિવાહ કરે છે અને વિવાહના ચોથા દિવસે તે રાજકુમાર મૃત્યુ પામે છે તે નવવિવાહિતાનો વિલાપ જોઈને અમારૂં હૃદય કાંપી ઉઠ્યુ. આવી સુંદર જોડી અમે કદી જોઈ નહોતી. તે કામદેવ અને રતિ કરતાં પણ આકર્ષક હતા.
યમરાજ દ્રવિત થઈને બોલ્યા,‘શુ કરીએ? વિધિના વિધાનની મર્યાદા માટે અમારે આવું અપ્રિય કામ પણ કરવું પડે છે.’ એક યમદૂતે પૂછ્યુ કે મહારાજ આવા અકાળ મૃત્યુનો કોઈ ઉપાય ખરો?
યમરાજે અકાળ મૃત્યુનો ઉપાય બતાવતાં કહ્યુ કે, ‘ધનતેરસના દિવસે પૂજન અને યમ દીપદાન વિધિપૂર્વક કરવાથી અકાળ મૃત્યુને ટાળી શકાય છે. જે ઘરમાં આ પૂજન થાય છે, ત્યાં અકાળ મૃત્યુનો ભય પાસે પણ નથી ફરકતો.
આ ઘટના પછી ધનતેરસના દિવસે ધનવંતરિ પૂજન સાથે યમ દીપદાનની પ્રથા શરૂ થઈ. યમ દીપદાન એટલે દરવાજામાં માટીનો દીવો સળગાવી તેને કંકુ, ફૂલ, ચોખા ચઢાવવા અને દિવાનું મુખ દક્ષિણ દિશા તરફ કરવું. એમ કહેવામાં આવે છે કે આ પૂજાથી યમ પ્રસન્ન થાય છે અને અકાળ મૃત્યુ થતું નથી.
- શુભ તીર મહિનો અને તિર્ગનનો તહેવાર - 7 December2024
- ઝેડસીએફ દ્વારા ડો. સાયરસ મહેતાનું સન્માન કરવામાં આવ્યું - 7 December2024
- એક સમોસાવાળો…. - 7 December2024