દેવાંગે સેક્ધડ એ.સીના ડબ્બામાં ચારે બાજુ નજર ફેરવી લીધી છેલ્લા સાત વર્ષના અનુભવના આધારે એને ખ્યાલ આવી ગયો કે પહેલા કમ્પાર્ટમેન્ટમાં બેઠેલા બહેનની પર્સમાં સારા એવા પૈસા છે. પણ એ બહેનની જાગૃત સ્થિતિ છે એટલે એ પર્સ લેવામાં ઘણી મહેનત કરવી પડે. અમદાવાદથી સુરત સુધીમાં વાત જામે નહીં! એ કમ્પાર્ટમેન્ટમાં બીજી બે બહેનો પણ હતી પણ એમની પર્સમાં ખાસ રકમ નહી હોય એવી ગણતરી એણે કરી દીધી. બીજા ત્રીજા ચોથા એમ દરેક કમ્પાર્ટમેન્ટમાં નજર કરતા કરતાં એ છેલ્લા કમ્પાર્ટમેન્ટ પાસે આવ્યો. અહીં સુધીમાં લગભગ છએક બહેનોની પર્સની એણે મનોમન નોંધ લીધી હતી. આજે કોઈ એકાદ પર હાથ અજમાવવો એવું એણે મનોમન નકકી પણ કરી નાખ્યું. છેલ્લા કમ્પાર્ટમેન્ટમાં એણે નજર કરી અને એ ખુશ થઈ ગયો. ત્રણ બહેનો જ એમાં બેઠાં હતા. તેમાંથી બે બહેનોના પર્સમાં સારી એવી મત્તા હોવાનું એણે અનુમાન કર્યુ. રાતના લગભગ સાડા નવ વાગ્યા હતા થોડીજ વારમાં એ બધાએ ઉંઘવાની તૈયારી કરી દેવાંગ એની આગળના કમ્પાર્ટમેન્ટમાં બારી પાસેની સીટ પર બેઠા બેઠો એણે જોયું જેની પર્સમાં સારી એવી મત્તા હતી એ બહેન નીચેની બર્થ પર સૂતા, પર્સ એણે માથા પાસે મૂકયું. સરસ, દેવાંગ મનમાં ને મનમાં બોલ્યો કામ થઈ ગયું. ચાલો આકડે મધ છે. એણે પેલા બહેનનો ચહેરો ધ્યાનથી જોયો નહોતો. એનો રસ તો માત્ર એમના પર્સમાં હતો.
એણે કાંડા ઘડિયાળમાં જોયું પોણા બાર વાગ્યા હતા. સુરત આવવાને હવે પંદરેક મિનિટ વાર હતી. એણે શર્ટના ઉપરના બે બટન ખોલ્યા અને એ છેલ્લા કમ્પાર્ટમેન્ટમાં ગયો. પેલા બહેનની સામેની નીચેની બર્થ ખાલી હતી. એના પર એ બેઠો. પછીનો સમય એની હાથચાલાકીનો હતો. સુરતના સ્ટેશને ટ્રેન ઉભી રહે એ પહેલા તો એ બહેનનું પર્સ એણે શર્ટની અંદર સેરવી દીધું હતું. અને એ ધીમેથી ઉભો થઈને પ્લેટફોર્મ પર ઉતરી ગયો રિક્ષા કરીને એ વરાછા રોડ પરની પોતાની રૂમ પર આવ્યો. દેવાંગની એક રૂમ સુરતમાં હતી અને એક રૂમ અમદાવાદમાં હતી એ નાનકડી રૂમનો ઉપયોગ માત્ર એ સાથે લાવેલ સામાન ફકોરવા માટે અને સુવા માટે જ કરતો હતો. એણે પર્સનું આગળનું ખાનુ ખોલ્યું એમાં પચાસની એક નોટ હતી. પોતાના શર્ટના ખિસ્સામાં એણે એ નોટ મૂકી દીધી એણે બીજું મોટું ખાનું ખોલ્યું અને એને આઘાત સાથે આશ્ર્ચર્ય થયું જેના આધારે એ પર્સમાં સારી એવી મત્તા હશે એવું અનુમાન કરતો હતો. એ નોટોની થોકડી નહોતી પણ પત્રોની થોકડી હતી.
એણે પત્રોની થોકડી બાજુમાં મૂકીને નિસાસો નાખ્યો અને ત્રીજું ખાનું ખોલ્યું તેમાં વળી સો રૂપિયાની એક નોટ હતી અને દસેક રૂપિયાનું પરચૂરણ હતું. આઈ-કાર્ડવાળા ખાનામાં કશુંક લાગતું હતું. એણે એ ખાનું ખોલ્યું અને આઈકાર્ડ બહાર કાઢયું. કાર્ડમાં લગાડેલો ફોટો જોઈને એ સ્તબ્ધ થઈ ગયો. એના હાથમાંથી કાર્ડ નીચે પડી ગયું! એને આશ્ર્ચર્ય થયું. કેટલા બધા વર્ષે આરૂષિનો ફોટો જોવા મળ્યો! એની આંખો સમક્ષ ભૂતકાળની રંગીન યાદો ફિલ્મના રીલની જેમ પસાર થવા લાગી.
અમદાવાદની જીબી શાહ કોમર્સ કોલેજમાં બીજા વર્ષે એ બન્નેનો પરિચય થયો. બન્ને પ્રેમમાં પડયા અને હવે બન્નેનું કોલેજનું છેલ્લું વર્ષ હતું. એટલે વાચવા સિવાય છૂટકોજ નહોતો. દેવાંગે આરૂષિને લગ્ન માટે પૂછયું. આરૂષિએ કહ્યું લગ્ન એક બાબત છે અને પ્રેમ એ બીજી બાબત મારે તને મુરતિયાની જેમ તપાસવાનો બાકી છે. એના પછી આરૂષિ જ્યારે જ્યારે મળતી ત્યારે એના વિશે પૂછપરછ કરતી એના કુટુંબ વિશે આવક વિશે રહેણી કરણી વિશે જાત જાતના સવાલો પૂછયા કરતી ‘સોરી દેવાંગ’ એક દિવસ આરૂષિએ કહ્યું ‘હું તારી સાથે લગ્ન કરી શકુ એમ નથી. એના કારણો પણ તને જણાવી દઉ. પહેલું કારણ એ કે તારી સ્થિતિ સામાન્ય છે અને તું થડ કલાસ ગ્રેજ્યુએટ છે. એટલે તને બહુ સારી નોકરી મળવાના ચાન્સ પણ નથી. તારામાં એવો કોઈ ઉત્સાહ પણ નથી. આપણે પ્રેમ કરતા હતા ત્યારે આ બાબતો મારી સામે નહોતી આવી પણ શાંતિથી વિચારતા મને લાગ્યું કે આપણે છુટા પડી જઈએ મારા પિતા પાસે પુષ્કળ મૂડી છે પણ એ આપણા લગ્નને મંજૂરી નહીં આપે અને મને જોવા અમેરિકાથી છોકરો પણ આવવાનો છે. તું પણ મારી જેમ લગ્ન કરીને સુખી થજે.
દેવાંગ કશુ બોલી શકેલો નહીં અને આરૂષિ ચાલી ગયેલી એ પછી એને કયારેય મલવાનું બનેલું નહીં આજે પર્સમાંથી અચાનક એનો ફોટો નીકળતા આ બધું યાદ આવી ગયું. આંખોમાં આવેલા આંસુ લુછીને દેવાંગે છત પર જોયું. આરૂષિ એના જીવનમાંથી ગઈ એ પછી એણે અમદાવાદમાં અનેક જગ્યાએ નોકરી શોધવાના પ્રયાસ કર્યા પણ વધારે પગારની નોકરી આપવા કોઈ તૈયાર નહોતું. સરકારી નોકરી માટે પરીક્ષાઓ આપી પણ એકેયમાં એ પાસ નહોતો થયો. હવે દેવાંગને લાગ્યું કે નોકરી સિવાયનો કોઈ વિકલ્પ શોધવો પડશે. અને એને એ મોકો મળી પણ ગયો.
એના સ્કૂટરના મિકેનિકના ગેરેજમાં એની મુલાકાત ગેરેજમાં કામ કરતાં ઈકબાલ સાથે થઈ ઈકબાલે એની સાથે પરિચય વધાર્યો અને એને ખિસ્સા કાપવાની કલા શિખડાવી. શરૂઆતમાં દેવાંગને થોડી તકલીફ પડી પણ ધીમે ધીમે એનો હાથ બેસતો ગયો. એકાદ વરસમાં આ કલામાં એટલો નિપુણ બની ગયો કે જમણો હાથ ખિસ્સું કાપે એની ડાબા હાથને પણ ખબર નહોતી પડતી! સાત સાત વરસથી એ આ ક્ષેત્રમાં હતો. પોતાનું સારૂં એવું ઘર જમા કરેલી પૂંજી આજે એની પાસે એ બધું જ હતું જે એક વખત આરૂષિને જોઈતું હતું. એને અફસોસ થયો કે આજે એણે એની આરૂષિનું જ પર્સ તફડાવી પાડયું. એણે પર્સમાં રહેલા પત્રનું પેકેટ ઉંચકયું અને અંદરના પત્રો એણે ટિપોઈ પર મૂકયા. મોટા ભાગના પત્રો કોઈ અલેશે લખેલા હતા. દેવાંગે અનુમાન કરી લીધું કે આ અલેશજ એનો પતિ હશે. પહેલાંજ પત્રની વિગત વાંચીને એ ચોકી ગયો. અલેશે એમાં આરૂષિને તાત્કાલિક બે લાખ રૂપિયા મોકલવાનું લખેલું. લાંબાગાળા પછી ત્રીજા પત્રમાં વિઝા અને અમેરિકાના નાગરિકત્વ માટે બીજા દસ લાખ રૂપિયા મોકલવાની માગણી કરેલી. એ પછીના પત્રમાં દસ લાખ રૂપિયા માટેનો આભાર માનીને કાર્યવાહી ઝડપથી શરૂ થઈ શકશે એવું લખેલું. આ રીતે લગભગ પચાસેક લાખ રૂપિયા અલેશે મેળવી લીધા હશે. પછીના દસેક પત્રોમાં એને વિઝા મળી જશે એવી સાંત્વના પણ વ્યકત કરેલી. દેવાંગે થોડીવાર એની નાનકડી રૂમમાં આટા માર્યા અને પછી બાકીના પત્રો વાંચવાનું શરૂ કર્યું જેમ જેમ એ પત્રો વાંચતો ગયો તેમ તેમ આરૂષિની ચિંતા થવા લાગી. એને લાગ્યું કે અમેરિકા બેઠેલો એનો વર એની સાથે બનાવટ કરીને એની પાસેથી પૈસાજ પડાવ્યા કરે છે એ કદીપણ એને અમેરિકા લઈ જવાનો નથી. દેવાંગને લાગ્યું આ આઘાતને લીધેજ કદાચ એના માતાપિતાનું અવસાન થયું હશે.
એણે બધા પત્રો પૂરા કર્યા હવે છેલ્લો પત્ર બાકી રહ્યો પણ આ પત્ર અિરૂષિએ લખ્યો હતો. કવરમાં મૂકીને બંધ કરી દીધેલો પણ પોસ્ટ નહોતો કર્યો, એણે એ પત્ર પોતાના પતિને લખ્યો હતો એણે કેવી બનાવટ કરી છે તે લખ્યું હતું અને પોતાની બધી રકમ પાછી મોકલવા માટે લખ્યું હતું. દીકરીના સંસારમાં લાગેલી આગમાં માતાપિતા હોમાઈ ગયા તે લખ્યું હતું. છેલ્લે લખ્યું હતું આ પત્ર સોમવારે લખી પોસ્ટ કરૂં છું. શુક્રવાર સુધીમાં તમને મળી જશે મને લેવા આવો અથવા તો મારા પૈસા પાછા મોકલાવો. છુટકારો જોઈતો હોય તો ડિવોર્સના પેપર સાઈન કરી મોકલાવો. હું રવિવારની સાંજ સુધી તમારા ફોનની રાહ જોઈશ અને તમારો ફોન નહીં આવે તો હું આત્મહત્યા કરી લઈશ અને આપણા બધા જ પત્રો મૂકતી જઈશ. મારા માતાપિતાના કહેવાથી જ તમારી સાથે લગ્ન કરેલા બાકી મારો પ્રેમ તો કોલેજમાં જ હતો! દેવાંગે કેલેન્ડરમાં જોયું આજે શનિવાર હતો ને પત્રની તારીખ પ્રમાણે આવતી કાલ સાંજ સુધી આરૂષિ અલેશના ફોનની રાહ જોવાની હતી પણ…એણે તો પત્ર પોસ્ટ જ નહીં કર્યો!! આવતી કાલે શું થશે એ વિચારથી એ ધ્રુજી ગયો. એક મિનિટમાં એણે નકકી કર્યુ સાડા ત્રણ વાગ્યા હતા, સાડાચારની ક્વીન મળી જશે. એની પાસે આરૂષિનું સરનામું તો હતું.
એણે આરૂષિના ફલેટની ડોરબેલ વગાડી, આરૂષિએ ફલેટનું બારણું ખોલ્યું અને દેવાંગને જોઈને એ ચોકીં ગઈ.. દેવાંગ…? તું…? તું અહીં કયાંથી? એણે શ્ર્વાસભેર પૂછી લીધું ‘આટલા વર્ષે મળ્યા છીએ તો પહેલાં અંદર આવવાનું નહીં કહે.’ દેવાંગ હસીને બોલ્યો કે પછી મને બારણેથી જ ભગાડી મૂકીને તું નિરાંતે આત્મહત્યા કરી લઈશ?’ ચોકીં ગઈ. આરૂષિ બાઘાની જેમ દેવાંગ તરફ જોઈ રહી. દેવાંગે પર્સ એની તરફ લંબાવી ‘તારા ગયા પછી હું ખિસ્સા કાતરીને મારૂં ગુજરાન ચલાવું છું. આમાં રહેલા અલેશના પત્રોએ તારૂં સુખ મારી સાથે ખુલ્લું કરી દીધું છે! અને તું કદાચ આજે અલેશના ફોનની રાહ જોતી હોઈશ, પણ એ પત્ર તું પોસ્ટ કરવાનું જ ભૂલી ગઈ. પર્સમાં એ પત્ર પણ છે જે વાંચીને હું દોડયો. ‘બોલ હવે તને અમેરિકા જવું છે કે અહીંના ખિસ્સાકાતરૂં સાથે રહેવું છે. હું હજી પણ તને એટલો જ ચાહું છું મેં તો લગ્ન પણ નથી કર્યા જો તું હા પાડે તો અત્યારે પણ તને સ્વીકારવા તૈયાર છું, જો તું હા પાડે તો અલેશને હું પહોંચી વળીશ, બોલ છે તૈયાર?’
જવાબમાં કશું બોલ્યા વિના આરૂષિ દેવાંગને વડને વેલ વીંટળાય એમ વીટળાઈ ગઈ.
- સુરતમાં પારસી ટેલેન્ટ પરેડ - 14 September2024
- સુરતમાં ગૌરવપૂર્ણ આઈ-ડેની પારસી રેલી - 14 September2024
- સોડાવોટરવાલા અગિયારીએ 150મી સાલગ્રેહની ભવ્ય રીતે ઉજવણી કરી - 14 September2024