રૂસ્તમની બાનુ તેહમીના

એક દિવસે જ્યારે રૂસ્તમનું દિલ જરા ગમગીન હતું ત્યારે તેણે થોડાક દિવસ બહાર શિકારે જવાનું વિચાર્યુ તે રખશ ઉપર સવાર થઈ તુરાન ભણી ગયો અને સમનગાન શહેર જે હાલના તુર્કોમાનનો મુલક ગણાય છે ત્યાં શિકાર માટે આવ્યો. ત્યાં શિકારથી ફારેગ થઈ, પોતાના રખશને ચરતો મુકી, તે મેદાનમાંજ તે રાત્રે સુઈ ગયો.

હવે સમનગાનના પાદશાહની એક બેટી તેહમીના નામની હતી. શાએર કહે છે કે ‘તેણી માહતાબ ચહેરાની હતી. તેણી રોશન ખોરશેદની માફક રંગ અને ખુશબોથી ભરપૂર હતી. તેણીનાં બે ભવાં કમાન મિસાલે હતા. તેણીના વાળના બે ગુછળા કમન્દ જેવા હતા. કદમાં તેણી બુલંદ સરવના ઝાડ જેવી સીધી હતી. તેણીના ગુલાબ મિસાલે ચહેરાના બે ભાગ શરાબના ખવાસના નરગેશના ફુલ જેવા હતા. તે બહેસ્તના અંબરની ખસલતના શમસાદના ઝાડની મિસાલે હતા. તેણીના કાનનો લટકતો ભાગ ખોરશેદ માફક ચળકતો હતો અને તેમાંથી કાનના લુલકનો હલકો લટકતો હતો. તેણીના બે હોઠ ગુલક્ધદ જેવા મીઠા હતા અને તેણીની જબાન સાકર જેવી શિરીન હતી. તેણીનું મોહ મોતી અને ગોહરથી શીંગારેલું હતું. જાણે સિતારો અકીકની નીચે છુપાયલો હોય તે મિસાલ તેણી દીસતી.

તેણીનુ રવાન અકકલથી ભરપૂર હતું અને તેણીનું તન પાક જાનથી ભરપુર હતું. કોઈ કહેશે કે તેણીની બનાવટમાં આ ધરતીનું કાંઈ તત્વ નહીં હતું.

તેહમીનાને જ્યારે ખબર પડી કે જેહાં પહેલવાન રૂસ્તમ શિકાર કરતો કરતો તેણીના બાપના મુલક ભણી આવ્યો છે ત્યારે તેણીની મરજી થઈ કે તેણી તેને જોએ. તેણીએ રૂસ્તમની ઘણી તારીફ સાંભળી હતી, પણ નજરે જોયો હતો નહી તેથી તેણીએ યુક્તિ રચી કે તેનો રખશ ઘોડો ચોરાવી મંગાવવો, કે તેની શોધમાં રૂસ્તમ પોતાની મેળે તેણીના શહેર ભણી આવે. તેથી જ્યારે રૂસ્તમ ઉપર મુજબ પ્યારમાં પડયો હતો, ત્યારે તેણીના માણસોએ ગુપચુપ રખશ ઉપર કમન્દ નાખી તેને પકડયો. તેઓ સાત આઠ જણ હતા. તેમાંથી રખશે મસ્તી કરી ત્રણ જણને તો મારી નાખ્યા, પણ આખરે બાકીનાઓની કમન્દની જાળમાં તે પકડાઈ ગયો. રૂસ્તમ બીદાર થતાં પોતાના રખશને નહી જોઈ બે રીતે દિલગીર થયો. એક તો તેનો નામીચો રખશ ગુમ થયો હતો. અને બીજાું તો જગના લોકો તેને તાણા મારે કે ‘આવો નામીચો પહેલવાન થયો અને એવી તે શું ગફલતીની ઉંઘમાં સુતો કે પહોશમાંથી કોઈ ઘોડો ચોરી લઈ ગયું તે પણ જાણી શકયો નહીં!’ તે પોતાના રખશના પગલા જોતો જોતો આગળ વધ્યો કે તે પગલા ઉપરથી તેને શોધી કાઢે.

(ક્રમશ)

Leave a Reply

*