રૂસ્તમની બાનુ તેહમીના

તેહમીનાને આશાવંતી હાલતમાં આવવાને નવ માસ થયા બાદ તેણીએ એક દલેર ખુબસુરત બેટાને જન્મ આપ્યો. તેનું નામ તેણીએ સોહરાબ આપ્યું તે દસ વર્ષની ઉમરનો થયો, તેટલામાં તો એક મોટા નવજવાન પહેલવાન જેવો દેખાવા લાગ્યો. તે એક વખત પોતાની માતા આગળ આવ્યો અને કહેવા લાગ્યો કે મને કહે કે હું કોણની ઓલાદ છું. મને બીજાઓ પુછે તો હું તેઓને શું કહું?’ તેણે ઘણી તુંદીથી મા ને એમ પુછયું. તેહમીનાએ તેને ઠંડો પાડયો અને કહ્યું કે, ‘એમ તુંડી ના કર, તું જાણ કે તું રૂસ્તમનો બેટો છે અને સામ નરીમાનની તોખમનો છે. ઈરાન સરજમીન સાથે તારો સંબંધ છે. ખોદાતાલાએ આ દુનિયા પેદા કરી છે ત્યારથી તારા બાપ રૂસ્તમ જેવો કોઈ પહેલવાન દુનિયામાં જન્મ્યો નથી. વળી સામ નરીમાનના જેવો પણ કોઈ થયો નથી.’ એમ કહી રૂસ્તમ તરફથી આવેલું એક કાગળ અને તેને માટેની ભેટ સોગાદ સોહરાબ આગળ રજૂ કીધી અને કહ્યું કે ‘આ સઘળું તું લે અને ખુશાલ રહેજે. તારો પિતા જાણશે કે તું આટલામાં દલેર અને હિમ્મતવાન ઉધર્યો છે તો તે તુંને પોતાની પાસે તેડાવી લેશે અને તેથી હું તારી માતા દિલગીર થઈશ. વળી જો તુરાનના પાદશાહ અફ્રાસીઆબને તારા જન્મની ખબર પડશે તો તે તારા બાપનો દુશ્મન હોવાથી તેના કીનામાં તું ને હેરાન કરશે. માટે ખરબદાર રેહ.’ ત્યારે હિંમતથી મા એને દિલાસો દઈ જવાબ આપ્યો.

સોહરાબે કહ્યું ‘આ દુન્યાને મેઆન,

છુપી નહી રહેશે આ વાતની નિશાણ,

શું બુજોર્ગ મર્દો કે શું પહેલવાન

રૂસ્તમને માટે રાખે છે માન,

નામીચી જ્યારે મારી બુનીઆદ

શા કાજે છુપાવવી મારી ઓલાદ?

જંગના ઉઠાવનાર તુર્કી સેપાહ

મેળવી હું ધરૂં લડાઈનો રાહ

લઈશ હું કાઉશ પાદશાહનું તખ્ત

શાહજાદા તુસને કરૂં બદબખ્ત

મારીશ હું ગુર્ગીન, ગોદરેજ ને ગીવ

રૂસ્તમે નોઝર, ને બેહરામે નીવ

રૂસ્તમને આપું તખ્ત ને કોલાહ

તખ્તથી ઉઠાડું કાઉશ શાહ

પછી હું જાઉં તુરાન તરફ

તુરાની શાહને કરૂં બરતરફ

અફ્રાસીઆબનું જીતીશ તખ્ત અને સર

આફતાબ તક ઉઠાવીશ મારૂં હું ધર

ઈરાનમાં કરીશ તું ને સરફ્રાજ

શીર પેરે જંગમાં થઈશ કારસાજ

મળશું અમ બન્ને બેટા ને બાપ,

તો ધરાવશે નહી કોઈ પાદશાહીનો છાપ

જો સુર્ય ને ચાંદ બેઉ પ્રકાશે એમ

તો સેતારા દીસી શકે તે કેમ?’

જ્યારે તેહમીનાએ પોતાના બેટાની આવી લડાયક ખાહેશ જોઈ તે નાચાર થઈ.

(વધુ આવતા અંકે)

Leave a Reply

*