રૂસ્તમની બાનુ તેહમીના

પેલીગમ તેહમીનાને ખબર પડી કે સોહરાબ પોતાના બાપનેજ હાથે ખંજરથી બેજાન થયો છે. તે જાણી તેણીએ પોકાર કર્યો. તેણીએ પોતાનો પોષાક ચાક કર્યો. તેણી ગમની ગીરફતારીમાં પોતાનો સુંદર ચહેરો ચાક કરવા લાગી અને હોશ ખોઈ બેફામ બની ગઈ. તેણી પોતાને મોઢે માથે ધૂળ ભરવા લાગી અને જાર કરી પોકારવા લાગી કે

કયાં ગયો હવે? ઓ માતાના જાન

ખાકમાં તે કર્યુ તારૂં રહેઠાણ.

આંખો બે મારી કરતી નજર

કે રૂસ્તમ સોહરાબની મેળવે ખબર

ધરાવતી હતી હું એવું ગુમાન

કે ફરીને જોએ છે તું ફુલે જેહાન

કે થશે બાપ સાથે તારો મેળાપ

ને આવશે તું હવે જલદી સેતાબ

જાણું શું બેટા! કે આવશે ખબર

કે રૂસ્તમે ચીર્યુ તારૂં જીગર

શું દયા નહીં લાગી જોઈ તારો ચહેરો?

શું કદ તારૂં જોઈ આવી ન મેહેર?

શું પહેલવાની વેખાવપર લાગી ન પ્રિત

કે ચીરવા તુંજ જીગર લગાડયું ચીત્ત?

ઉધાર્યો નાજથી ને દેખાડયો લાડ,

શું ચળકતો દિવસ કે લાંબી બહુ રાત

ફોકટ તે ગયું થયું તુંજ ખુન

કફનમાં દટાયું પાક તારૂં બુન

કોણને હું હવે બગલમાં લઉં?

કોણ મને દેશે દેલાસો સઉ?

કોણને હું તેડું મારી સનમુખ?

કોણ આગળ રડું મારૂં હું દુ:ખ

અફસોસ કે તન જાન, ચશમ, ચેરાગ

એ સઘળાંએ તજ્યો મેહેલ અને બાગ

શોધવા તું ગયો જંગી પદર

પદર નહીં મળ્યો, મળી કબર

ઉમેદ થઈ બરબાદ થયો નાચાર

ખાકમાં તું પડયો, ખોયો કરાર

રૂસ્તમે ખેંચ્યુ ખંજર તું પર

ચીર્યુ તે ભોકી તારૂં જીગર

દેકાડી કાંએ નહીં તે તારી નિશાણ

કે જોઈ તેને આવતે જલદીથી ભાન?

આપીતી તુંને મેં બાપની નિશાણ

આવી તે કેમ નહીં તુંને કાંઈ કામ

બેટા વિનાની થઈ છું હું હાલ,

ગમ અને દુ:ખમાં કહાડીશ હું કાળ,

શા કાજ આવી નહીં હું તુંજ સાથ?

શા કાજ સફરમાં ધર્યા નહીં હાથ?

હું આવતે તો રૂસ્તમ પિછાનતે ઝટ,

તું ને તે મને બેઉને તુરત

શમશીર તેણે ખેંચી તુરત તુંજપર

ચીર્યુ તેણે તારૂં વહાલું જીગર

આ મુજબ જારી કરી તેણીએ પોતાની આગળ કુલ જેહાનને સાથે સાથે રડતી કીધી. પોતાની આગળ પોતાના વહાલા બેટાનો ઘોડો મંગાવી તેને બોસા લેવા લાગી. તેણીની આંખમાંથી ટપકતાં પાણીથી તેણીના પગ આગળની જમીન તર થઈ ગઈ. પોતાના બેટાનો પોશાક મંગાવીને તે પોષાકને ફરજંદ માફક છાતીએ દાબવા લાગી. પછી તેનું બખ્તર અને નીજો, તલવાર અને ગુરજ, કોલાહ અને કમાન, અને તેના ઘોડાના જીવ અને લગામ હાથમાં લઈ તે બેટાને યાદ કરવા લાગી. તેણીએ પોતાના બેટાની નૈયતે દર્વીશોને સઘળી ચીજો અને જર ખજાનો ખેરાત કીધો. પોતે ગમીનો પોષાક પહેર્યો અને મહેલના દરવાજા બંધ કર્યા. એ મુજબ પોતાના બેટાના ગમમાં ગીરફતાર થઈ તે બેટાના મરણ બાદ એક વર્ષના અરસામાં તેણીએ પોતે પણ પોતાનો જાન પોતાના દાદારને સોંપ્યો.

(સમાપ્ત)

Latest posts by PT Reporter (see all)

Leave a Reply

*