બન્ને કરામતી ઘોડાપર બેસી અઢી કલાકમાં ઈરાન આવ્યા!!
શાહજાદાને આમ સવાર સુધી આરામ લેવાની વિનંતી કરી, રાજકુંવરીએ પોતાની બાંદીઓને જગાડી તેમને હુકમ આપ્યો કે આ રાજકુમારને માટે, સર્વે પ્રકારના આરામની અને ખાવા પીવાની સુંદર ગોઠવણ કરો.
રાજકુંવરીના કહેવા પ્રમાણે તેની દાસીઓએ શાહજાદા ફિરોજશાહ માટે બધી ગોઠવણ કરી. શાહજાદાને તેનો ઓરડો બતાવ્યો, ત્યાં તેને માટે ખાવાનું આણ્યું. શાહજાદો ભૂખ્યો હતો. સોના ચાંદીની થાળીઓ અને રકાબીઓમાં ભાત ભાતનું સ્વાદિષ્ટ ખાવાનું એક પછી એક લઈ આવી, બાંદીઓએ તેને જમાડયો. જમ્યા પછી શાહજાદાએ સૌને રજા આપી અને પોતે આરામ લેવા સુતો.
સવાર પડતાંજ રાજકુંવરી ઉઠી. તેણે નહાઈ ઘણાંજ ભપકાદાર સુંદર કપડાં પહેર્યા અને કીંમતી દાગીનાઓથી આખુ અંગ શણગાર્યુ. પછી એક દાસી સાથે શાહજાદાને કહેવડાવી મોકલ્યુ કે રાજકુમારી આપને મળવા આવે છે.
થોડીવારમાં દાસીએ આવી રાજકુંવરીને કહ્યું કે શાહજાદો આપને મળવા તૈયાર છે. તુરત રાજકુંવરી શાહજાદાને મળવા તેના ઓરડા તરફ દાસીઓ સાથે ગઈ.
રાજકુંવરીને આવતી જોઈ, શાહજાદાએ ઉઠી તેને નમન કર્યુ. રાજકુંવરીએ શાહજાદાને તબિયતની ખબર અંતર પૂછી અને પછી તેમને ઈરાનથી એકજ દિવસમાં હિંદુસ્તાન તેઓ કેમ આવી શકયા તેની વાત કહેવા વિનંતી કરી. રાજકુંવરી આ જાણવા બહુજ આતુર હતી.
શાહજાદાએ કરામતી ઘોડા સંબંધી બધી હકીકત કહી. પછી તેણે રાજકુંવરીનાં વખાણ કરી કહ્યું, ‘મને આપવામાં આવેલા રક્ષણ માટે, તેમજ મારી મહેમાનગરી માટે હું રાજકુંવરીનો બહુ અહેશાનમંદ છું.’
રાજકુંવરીએ હસીને જવાબ દીધો, ‘પરોણાની મહેમાની કરવી અને રક્ષણ માગવા આવનારને રક્ષણ આપવું એ અમારો ધર્મ છે તેથી તેમાં આપ રાજકુમાર માટે મે વિશેષ કશુંયે કર્યુ નથી. વળી ઈરાનના મહાન શહેનશાહનો શાહજાદો આમ અનાયાસે મારો મહેમાન થાય એ માટે તો મને માન અને મગરૂરી બન્ને સાથે થાય છે.
ઈરાનના રાજકુંવરે બંગાલની રાજકુંવરીની વિવેકભરી વાણી સાંભળી, જરા વધુ હિંમત પકડી કહ્યુ, ‘નામવર રાજકુંવરી! આપની ખુબસુરતીએ મારૂં હૈયુ હરી લીધું છે અને આપની અતિશય વિવેકભરી મહેમાનગીરીથી હું બહુ આભારી બન્યો છું. મારા મન, વચન અને વિચારો ઉપર, આપની ખરેખર સત્તા જામી છે. હું આપના ઉપકારનો બદલો કેવી રીતે વાળી શકીશ?’
રાજકુંવરી આ સાંભળી શરમાઈ ગઈ! પોતે પણ ઈરાનના રાજકુંવરની ઉપર મોહી પડી હતી. શાહજાદાની બોલવાની છટા, અને તેની ઝબાનની મિઠાશથી તે બહુજ તેના ઉપર ખુશ થઈ ગઈ હતી. તેથી શાહજાદા ફિરોજશાહના બોલવાથી ગુસ્સો લાગવાને બદલે તે રાજકુંવરીને સામો ઘણો આનંદ થયો.
થોડીવાર ત્યાં એકબીજાના દેશની વાતો કરી, હવાપાણી વિગેરેની હકીકતો જાણી, રાજકુવરીએ શાહજાદાને કહ્યું કે, પોતાનાજ રાજમહેલમાં હોય તે સમજી શાહજાદાએ વર્તવુ. જરાય કશી વાતનો સંકોચ રાખવો નહીં.
(વધુ આવતા અંકે)
- પટેલ અગિયારીએ179મી સાલગ્રેહની ઉજવણી કરી - 5 October2024
- ભીખા બહેરામ કુવાના 15માં વર્ષની પરંપરાગત ઉજવણી – આવા રોજ પર 180મું જશન અને હમબંદગી – - 5 October2024
- Dadysett Atash Behram Celebrates Salgreh - 5 October2024