મેરવાનજી આજે ખાસ સંજાણ સ્ટેશન વોક કરવા ગયા આજે શનિવાર હતો અને તેઓને સ્ટેશનથી પારસી ટાઈમ્સ લેવાનું હતું. 30મી તારીખે પારસી ટાઈમ્સનું વરસ છે અને ખાસલેખો પેપરમાં હશે તે વાંચવાની તાલાવેલીમાં મેરવાનજી સવારના જલદી જલ્દી સંજાણ સ્ટેશને ગયા. પણ ઘરમાં સવારના પહોરમાં જ રામાયણ થઈ. મેં ખાંખાંખોળા શરૂ કર્યા કે ઘરના સભ્યો સમજી ગયા કે, ‘પત્યું, કશુંક ખોવાયું લાગે છે. મારૂં પારસી ટાઈમ્સ કયાંય મળતું નહોતું હજું સવારે જ લઈ આવેલો તેને લેવા હું ખાસ સંજાણ સ્ટેશને ગયો હતો અને હવે મેં તેને કયાં મૂકી દીધું તે સમજાતું નથી. ટેબલનાં ખાનાંઓ ફંફોસી લીધાં. કબાટને ખાલી કર્યો. સૌને કૂદીકૂદીને આવ-જા કરવાની મેં ફરજ પાડી એથી તેઓ અકળાયાં. ‘કોણ જાણે ક્યાં મૂકી આવો છો? અમારે તો તમારી દરેક ચીજો શોધાશોધ જ કર્યા કરવાની?’ સિલ્લુએ ટહુકો પૂર્યો.
‘પારસી ટાઈમ્સ મળી જાય પછી ક્યાં શોધવાનું છે?’ મેં પહેલું પાનું પણ સરખી રીતે ન જોયું, વિચાર કર્યો ચા પીતા-પીતા અને કોલેજ જતા આરામથી બસમાંજ વાંચીશ પણ પારસી ટાઈમ્સને લાવીને કયાં મૂકયું તે જ ભૂલી ગયો. ત્યાં તો સિલ્લુ વધુ ગુસ્સે થઈ કહે, ‘શાકભાજીની લારીમાં, કોઈ દુકાનના કાઉન્ટર પર મૂકી આવ્યા હશો. હવે અહીં શોધો તે ક્યાંથી મળે? હવે શોધ્યાં કરો તમતમારે. અમે તો થાકી ગયાં.’
ઘરનાં સૌ મારૂં વ્હાલું પારસી ટાઈમ્સ શોધવાનો આવો અસહકાર જોઈ હું લાચાર થઈ ગયો. શેરીના છેવાડે આવેલી બે દુકાને જઈને પૂછી આવ્યો. એક અઠવાડિયાથી શાક લેવા નહોતો ગયો તોયે શાકભાજીવાળાને પૂછી આવ્યો. એ મને પારસી ટાઈમ્સ ન આપી શક્યો પણ સલાહ આપ્યા વિના રહી ન શક્યો, ‘તમારી ચીજવસ્તુનું ઠેકાણું તમારે જ રાખવું જોઈએ ને સાહેબ!’ ‘હાં, એ તો ખરૂં જ.’ મારે કહેવું રહ્યું. હું એ સલાહ વરસોથી સાંભળતો હતો કારણ કે હું ભુલકકડ હતો એથી મને એની ખાસ અસર ન થઈ. માણસ પ્રાણી જ એવું છે કે એ અણગમતી સલાહને એક કાનેથી સાંભળી બીજા કાનથી કાઢી નાખે છે. હું પણ એમાંથી શાને બાકાત રહું? મારા પારસી ટાઈમ્સનું વરસ ઉજવતું પેપર હતું સાતમું વરસ, સાતમો નંબર સામે આવતા મારી આંખ સામે સાત ઈન્દ્રધુનુષના રંગો ફેલાઈ ગયા. દુનિયાના સાત અજુબા સામે આવી ગયા. કોણ જાણે પેપરમાં કેટલાય સરસ સરસ લેખો હશે જે મને આજે વાંચવા નહીં મળે.
હાલ તો પારસી ટાઈમ્સનો પ્રશ્ર્ન મારે ઉકેલવાનો હતો કે તે હું ભૂલી કયાં ગયો હોઈશ? મારા કોલેજ જવાનો સમય પણ થતો હતો. પણ બસમાં બેસીને પારસી ટાઈમ્સ શાંતિથી વાંચવાનું મારૂં સપનું અધુરૂં રહી ગયું. મને ધર્મની બાબતો વાંચવી ઘણી ગમે સૌથી પહેલા નોશીર દાદરાવાલાનો લેખ વાંચુ જે મને ખૂબ ગમે પછી દસ્તુરજી ડો. માણેકજી નશરવાનજી ધલ્લા વાંચુ પછી ગુજરાતી ધાર્મિક જીંદગી ગુજારવાના જરથોસ્તી કાયદાઓ વાંચુ, પહેલાના જમાનામાં આપણા પૂર્વજો તરીકતો કેવી રીતે પાળતા તે વાંચતા જૂનો જમાનો યાદ આવી જાય મારા માયજી કૂવાની દરરોજ પૂજા કરે બગીચામાંથી ફૂલો તોડીને ચઢાવતા, દીવો કરતા મારી ઉંમર તે વખતે 8-9 વરસની હશે પણ આજે ધાર્મિક લેખો વાચી મને મારો જૂનો જમાનો યાદ આવી જાય છે. આખા પારસી સમાજમાં શું ચાલે છે સાલગ્રેહ, સ્પોર્ટસ, ધાર્મિક પ્રસંગો બધુંજ પેપરમાંથી જાણવા મળી જાય છે. તમારી યાદમાં તો હું ચોકકસ વાંચુ કે સાલું કોઈ મારૂં દૂરનું સગુ વહાલુ ઉપડી તો નહીં ગયું હોય તે ઉપરાંત મહેરબાઈની મંડલી વાંચવાનું તો હું કયારેજ નહીં ભુલું અને મારૂં રાશિનું પાનું જ્યારે જયેશભાઈ ગોસ્વામી સારૂં લખે ત્યારે મને બહુ ગમે અને મારો શનિ કે બુધ નારાજ થાય ત્યારે હું ખૂબ સંભાળીને સંભાળીને બોલુ. મારૂં પારસી ટાઈમ્સ ખબર નહીં કયા ખૂણામાં છૂપાઈને બેસી ગયું છે?
હું કોલેજ જવા તૈયાર થઈ ગયો હતો પણ મને કાંઈ ચેન પડે નહી ઘર પાસે લીમડાના ઝાડ નીચે હું ઉભો રહી ગયો અને પારસી ટાઈમ્સ કયાં મૂકી દીધું હશે તે યાદ કરવા લાગ્યો, રસ્તા પરથી પડોશીએ મને ફળિયામાં, લીમડાના ટેકે નિરાંતવો બેઠેલો જોયો એટલે એ વાતો કરવા ઊભા રહી ગયા. ‘સરકારી નોકરિયાતોને આ મજા, નહીં? જ્યારે ને ત્યારે રજા’ એમ કહી નોકરિયાતોને ક્યારે ક્યારે મફતની રજા મળતી હોય છે એની એમણે મને એક યાદી સંભળાવી. મેં કહ્યું કે, ‘આજે તો એવી કોઈ રજા નથી. સાડા દસ થાય કે હમણાં નોકરીએ જવા નીકળું જ છું.’ એ હસીને કહે: ‘રાતે ઊંઘ નથી આવી કે શું? અત્યારે તો સાડા અગિયાર થવા આવ્યા.’ વિસ્ફોટ કરીને તેઓ ચાલ્યા ગયા. હું દોડ્યો. હું દોડાદોડ ઘરમાં જઈ કહેવા લાગ્યો, ‘અરે, મને કહેતાં પણ નથી કે આટલો બધો સમય થઈ ગીયો?’
સિલ્લુ વચમાં બોલી પડી ‘અમને તો એમ છે કે પારસી ટાઈમ્સ ન મળવાના શોકમાં તમે રજા પાડી દીધી હશે.’
જેમતેમ તૈયાર થઈ કોલેજ જવા મેં ખભે થેલો ભરાયવો.
મને કોલેજ પહોંચવાનો લાંબો પથ પર પારસી ટાઈમ્સ, પારસી ટાઈમ્સ ને ફકત પારસી ટાઈમ્સ જ દેખાતુ હતું. મેં બસસ્ટોપ તરફ જાણે કે દોટ જ મેલી. અગિયારીમાં પ્રાર્થના કરીએ ત્યારે આપણને જાણ નથી હોતી કે ભગવાને આપણી અરજ સાંભળી કે ના સાંભળી. બસસ્ટોપમાં ઝાઝો તફાવત નથી. બંને જગ્યાએ મોટાભાગે ઊભા રહેવાનું જ આવે. બસ આવવાની છે કે ચાલી ગઈ છે કે હવે આવશે એની અટકળમાં રાહ જોયા સિવાયનો કોઈ વિકલ્પ ન હતો.
થોડી વારમાં એસટી બસ આવતી જોઈ. સૌ રણમેદાનમાં જવા સજ્જ થઈ ગયા. એક ધક્કે હું બસમાં ચઢી ગયો. આટલી ધક્કમુક્કીમાં પણ હું બસમાં જગા કરી શકું છું એનું આશ્ર્ચર્ય હતું. કંડક્ટર પાસે કોલેજ રોડની ટિકિટ માગતાં એ મારી સામે આશ્ર્ચર્યથી જોઈ રહ્યો. એનું મોં, તુચ્છકારભરી નજર હું જોઈ શકતો હતો. મેં પાંચ રૂપિયાની નોટને બદલે પાંચસોની નોટ આપી દીધી છે કે શું? એ વિચારથી નોટને એના હાથમાંથી ખેંચી લઈ આંખને પણ બરાબર ખેંચીને જોયું તો એ બરાબર જ હતી. કંડક્ટરનો મૂડ બરાબર ન હતો. એમણે મને કહ્યું: ‘તમારી નોટ તમારી પાસે જ રાખો ને હેઠા ઊતરો.’
‘અરે, પણ આ સાચી નોટ છે, બનાવટી નથી.’
‘આ બસ તમને જ્યાં જવું છે ત્યાં નહીં જાય, હવે ઊતરશો કે આગળ લગી આવશો?’ આમ કહી એણે બેલની દોરી ખેંચી. કોલેજમાં છૂટવાનો બેલ અમારા સૌના માટે દુનિયાનું શ્રેષ્ઠ સંગીત અમે માનતા આવ્યા છીએ. એ બે-પાંચ ક્ષણ પણ આઘોપાછો થાય તો અમે બેબાકળા થઈ ઊઠીએ છીએ. આજે આ ઘંટડી મને મૃત્યુઘંટ જેવી લાગી. દુષ્યન્તે ભરસભામાં જેમ શકુન્તલાને અપનાવવાનો ઇન્કાર કરી દીધો હતો એમ મુસાફર તરીકે મને અપનાવવા ક્ધડક્ટર રાજી ન થયો. એ રાજી થયો હોત તો મારે એટલા ગાઉ ચાલવું પડત કે માત્ર દિવસ જ નહીં, બોલી પણ બદલાઈ જાત. મેં અધવચ્ચે ઊતરી કોલેજની વાટ પકડી. મારા વિદ્યાર્થીઓને કોલેજ આવતાં જે થાક લાગે છે અને કટાણું મોં થઈ જાય છે એવા હાલ મારા પણ થઈ ગયા હતા. આચાર્યે મને મોડા પડવા બદલ તતડાવ્યો: ‘જુઓ મિસ્ટર, કેટલા વાગ્યા છે?’
હું કાંઈ ન બોલ્યો અને હાજરીપત્રકમાં સહીં કરી દીધી. મેં સહી કરી કે સાહેબ ગર્જી ઉઠ્યા, ‘તમે આ શું કર્યું?’ મેં આંખને ફરી ઝીણી કરી. કોઈ હીરાને તપાસતો હોઉં એમ આંખને ખેંચીને જોયું તો મેં કોઈ બીજાની જગ્યાએ સહીં કરી દીધી હતી. ચેકબુકમાં સહી કરવાનું સદભાગ્ય મને ખાસ મળતું નથી. આથી હાજરીપત્રકમાં હું ખાસ ચીવટથી સહી કરી જાતને ધન્ય માનતો હતો. એમાં પણ આજે ચૂક થતાં હું શરમાયો. મેં માફી માંગી, ‘સાહેબ! આખરે તો હું આ સંસ્થાનો અદનો સેવક જ છું ને?’
‘સારું, સારું, હવે તમે જાઓ. પણ ધ્યાન રહે. આવતી કાલે મારા ખાનામાં સહી કરીને આચાર્ય ન બની જતા.’
પાછળ જોયા વિના જ મેં વર્ગમાં જવાનું મુનાસિબ માન્યું. મનમાં જીવ તોયે બળ્યા કરતો હતો કે ‘મે પારસી ટાઈમ્સ મૂકયું કયાં હશે?’ કોલેજના વિદ્યાર્થીઓને ભણાવવાનો આજે કાંઈ મારો મૂડ નહોતો. ઘરે આવ્યો ત્યારે સૌથી પહેલા મે પૂછયું, ‘પારસી ટાઈમ્સ મલ્યું?’ સિલ્લુ અને બાળકોએ કંટાણું મો કીધું.
રાતના જમતી વખતે પણ પારસી ટાઈમ્સને હું મીસ કરતો હતો તેવું લાગ્યું.
છેલ્લે મે મારા પુસ્તકોનો કબાટ ખોલ્યો ત્યાં સામે જ પારસી ટાઈમ્સ પડેલું હતું, અચાનક મારા મગજમાં ઝબકારો થયો. પારસી ટાઈમ્સમાં પેલી કોન્ટેસ્ટ આવેલી તે કોન્ટેસ્ટના જવાબ લખી પેલું લેટર કોરિયર કરવાનું જ રહી ગયેલું અને આજે તે રિઝલ્ટ જોઈ હું તે પરબિડિયું ગોતવા જતા પારસી ટાઈમ્સને ત્યાં જ ભૂલી ગયો હતો. મારા ભુલકકડ સ્વભાવે મને કોન્ટેસ્ટ
જીતવા ન દીધી. પણ પારસી ટાઈમ્સ જોઈ મારા આખા દિવસનો થાક
ઉતરી ગયો હતો અને હવે રાતનું ભોણું ખાતા ખાતા નિરાંતે હું તેને લઈ વાચવા બેઠો હતો. જુગ જુગ જીઓ મારા ‘પારસી ટાઈમ્સ.’
- પટેલ અગિયારીએ179મી સાલગ્રેહની ઉજવણી કરી - 5 October2024
- ભીખા બહેરામ કુવાના 15માં વર્ષની પરંપરાગત ઉજવણી – આવા રોજ પર 180મું જશન અને હમબંદગી – - 5 October2024
- Dadysett Atash Behram Celebrates Salgreh - 5 October2024