માંથ્રની બંદગીની ખુબીઓ

માંથ્રની બંદગી ખોરાક તથા દવા તરીકે, બંદગી કુદરતને ખાતર થવી જોઈએ

માંથ્ર એક કીમીયું છે જે જડતાને સુક્ષ્મતામાં ફેરવી શકે છે

હવે ત્યારે માંથ્રની બંદગી તે મીનોઈ વૃધ્ધિ કરાવનારી લેખાઈ છે. માંથ્રોની બંદગી ત્યારે ખાસ રીતની હોય છે. તે ખોરાક રૂપ અને દવા રૂપ બેઉ રૂપની હોય છે. ઈન્સાનના તન-મનને અને જીવને તેમ રૂવાનને ખોરાક તરીકે છે અને તન-મનની બેકરારી સારૂં, દરદો સારૂ તે દવારૂપની છે. આમ ત્યારે માંથ્રમાં દવારૂપનું તત્વ રહે છે, જે ઈન્સાનના વોહુનના ખરપસ્ત્રી મીઝાઝને ભલો કરે છે અને ખોરાક રૂપનું તત્વ છે તે રૂવાનને ખોરાક કરી આપે છે અને તે ઈન્સાનના જીવનને ટેકવે છે અને એમ ઈન્સાનમાં રહેલા નૂરી અને સુક્ષ્મ અનાસરી તત્વોની વૃધ્ધિ કરે છે. દરેક ઈન્સાનમાં ઈચ્છા-વાસના હોય છે. માટે દરેક ઈન્સાન હાજતમંદ અને બંદગી કરતો હોય છે. હાજતમંદ ઈન્સાન જે ઈચ્છા વાસના રાખે છે તે એવી રીતે તન-મન-રૂવાનને માટે ખોરાકની તલબગારી કરતો તેમ તન-મનની અશાંતિની દવાની આરઝુ કરતો જ હોય છે. તેની પોતાનાં મધ્ય ઉપર જ ફરતી ઈચ્છાની ગતી તો તે કર્યા કરે છે. પણ તેથી તેની ભુખ કે તેની બેકરારી મટતી નથી પણ ઓર ઝયાદા થાય છે. માટે એવી પોતાનાં મનમાં ઉભી કીધેલી બંદગીમાં કઈ માલ નથી. એમ છે માટેજ માંથ્રની બંદગીઓ રચાઈ છે, જેમાં તન-મનની ગવ-જીવને તેમજ રૂવાનને ખોરાક મળે છે. અને વળી તન-મનનાં દરદો સાજા થાય છે. જે કોઈ ધરાયલો હોય તે તો શુક્રગુઝારી જ કરે પણ જે કોઈ ભુખો યા દરદી હોય તેજ ન્યાઝમંદ હાજતમંદ હોય છે. જે ઈન્સાન તેની ‘સેપાસ’ યાને શુક્ર-ગુઝારી કરીને બંદગી કરે તે ધરાયલો હોય છે પણ ઈન્સાન ભુખો અને બેકરાર (અશાંત) હોય છે. માટેજ હાજતમંદ અને તેવીશી-ઈચ્છાવાળો બંદગી કરતો હોય છે. ઈન્સાન કુદરતી રીતે સ્થુળ રહે છે એટલે પોતાનું પોતાને લગતાનું અને બહુ બહુ તો આ દેખીતી દુન્યામાં પોતાનો સ્વાર્થ કઈ રીતે ચાલુ રહે તેટલુંજ જોઈ શકવાની ગતી રાખે છે પણ આવી નજર ટૂંકી માટે જડ કહેવાય છે. અહુરમઝદે એક ઝીણી રજ પેદા કીધી તેબી કંઈ અમથી પેદા કીધી નથી ભલેને તમો તેની ઉત્પતિ કાંય થઈ તે સમજી શકતા નહી હોવો પણ તેની ઉભા થવામાંબી મતલબ છે જે મતલબ રૂવાન દરોસ્તી કરાવવાની ગતિમાં કંઈક ભાગ પછી ગમે તેવો નાનો હશે તેબી આપશે. એક બોલતા પ્રાણી અને એક વાચા વગરનાં પ્રાણીમાં શો ફરક છે, તેઓની ઉત્પત્તિ કંઈ રીતની છે, તેઓને શો સંબંધ છે, બોલતાં પ્રાણીને ઈન્સાન કાય કહે છે, ઈન્સાનીયત શું છે તેનું કુદરતમાં કામ શું છે તેની મહાન આકેબત શી છે, અદ્રષ્ય દુનિયામાં તેનો સંબધ ફાળો શો છે અને તે સંબંધને કઈ રીતે મજબૂત કરીને તે ફાળો આપીને કુદરતને મદદ કરવી આવી આવી અનેક બાબદોનાં જ્ઞાન વગરની અને તેવી બાબદોનો નિર્ણય કરીને તેઓની હાંસલે-મતલબ બર લાવ્યા વગરની લુખ્ખી પોતાનાને લગતી અને દેખીતી ગેતીને લગતી દુન્યા સારૂ થતી બંદગી કંઈ સાચી બંદગી નથી. દએનમાં દ્રુજ-પરહેજના કાયદા પાળીને માંથ્રોની બંદગી કરવા અને ચારિત્ર રાખવા મહે છે તેજ ખરી બંદગી છે. ત્યારે ઈન્સાનમાં અજ્ઞાનતાનું દરદ છે તેને દૂર કરવા દવા જોઈએ. આવી દવાને માટે ‘માંથ્રો’ બનાવ્યા છે, જેઓના ભણવાથી ચોકકસ અસરો જેને ‘સ્તોતો’ કહે છે, તે ઈન્સાનની ગાફેલ્યતના પરદાને તોડીને તેની મતી, દૂર લગી લંબાવે છે. માંથ્રો ત્યારે ઈન્સાનના સ્વભાવની અજ્ઞાન મતી સ્વાર્થી મતીને સુધારનાર દવા છે. ઈન્સાનનાં તનમાં જાત જાતની અજ્ઞાનતા હોય તે બધાને પુગી વળવા માંથ્રોની  જુદી જુદી રીતની બાંધણી થઈ છે જેને ન્યાયશો-યસ્તો વગેરે નામે ઓળખે છે.

Leave a Reply

*