સોહરાબ અને ગોર્દઆફ્રીદ

આ બેહુ લશ્કરો આપણી લડાઈ ઉપર આપણા ગુરજ અને શમશીર અને રીતભાત ઉપર નજર ફેકે છે. હવે  જ્યારે મે મારો ચહેરો અને બાલ ખુલ્લા કીધા છે, ત્યારે સઘળું લશ્કર તારે માટે વાતચીત કરશે, કે સોહરાબે એક સ્ત્રી સાથે લડાઈ કરવા માટે જંગના મેદાનમાં આસમાન તલક ગેરદ ઉઠાવી હતી. તેથી તુુંને ઘટતું નહીં કે તું વખત લગાડી આએ લડાઈથી તારા નામ ઉપર પામોશી લાવે. મારે ખાતર આ સફ સમારી ઉભેલાં બેહુ લશ્કરમાંથી નામોશી ના ખેંચી લે. જો આપણે આ વાત છુપી રાખીએ તો બેહેતર થશે. એક મોટા માણસનું કામ દાનાઈ અખત્યાર કરવાનું છે. હવે અમારૂં લશ્કર અને કિલ્લો તારા ફરમાન હેઠળ છે. ત્યારે સુલેહને બદલે લડાઈ શોધવી સારી નથી. જો તું આવશે તો જેમ તારી મુરાદ અને મરજી હશે તેમ, આ કિલ્લો અને ખજાનો કિલ્લાનો રખેવાળ તારે હસ્તક થશે.’

 પ્રમાણે બોલી જયારે ગોર્દઆફ્રીદે પોતાનો ચહેરો સોહરાબને દેખાડયો અને પોતાના હોઠોને જહવેરથી ખોલ્યો, (એટલે મોઢેથી આવા મીઠા શબ્દો બોલી) ત્યારે તેણી બહેશ્તના એક બાગ માફક દિસવા લાગી. તેણીના જેવું સરવ કોઈ પણ દેહકાને રોપ્યું હતું નહીં (એટલે કોઈપણ સરવનું ઝાડ તેણીના જેવું સીધું અને ખુબસુરત હતું નહીં) તેણીની બે આંખો હરણની આંખો મિસાલે હતી. તે આંખોના ભવાં કમાન મિસાલે હતા. તેણીના દેખાવે અને શબ્દોએ સોહરાબના દિલ ઉપર અસર કીધી અને તેથી તેણે તેણીને છોડી દીધી એવુ કહીને કે ‘તારા બોલવાથી તું ફરતી ના, કારણ કે તે મને લડાઈને દિવસે અજમાવી જોયો છે. આ કિલ્લાના ટુકડાપર દિલના બાંધતી (એટલે કિલ્લામાં જઈને હવે હું સલામત છું, એમ વિચારી તારી શરત કે, કિલ્લો શરણ કરવો, તેથી ફરી ના જતી) કારણ કે એ કિલ્લો કાંઈ આસમાનથી બુલંદ નથી. મારો ગુરૂજ તેને જમીનદોસ્ત કરી શકશે.’ પછી ગોર્દઆફ્રીદે ઘોડાની લગામ કિલ્લા તરફ ફેરવી. સોહરાબ પણ તેણીની સાથે ગયો. તેણીનો બાપ ગજદમ (ગસ્તહમ) દરવાજા ઉપર આવ્યો અને કિલ્લાનો દરવાજો પાછો બંધ કરવામાં આવ્યો, તેણી સલામત પાછી ફરી. તે માટે તેણીના બાપે ખોદાતાલાના શુક્રાના કીધા. હવે ગોર્દઆફ્રીદ કિલ્લાના બુરજ ઉપર આવી અને જોયું તો હજુર સોહરાબને કિલ્લાની બહાર ઘોડા ઉપર બેઠેલો અને વાટ જોતો જોયો. સોહરાબના મનમાં કે તેણી તેને અંદર બોલાવી કિલ્લો શરણ કરશે પણ તેણીએ કિલ્લાના દરવાજા બંધ કરાવી કિલ્લાના બુરૂજ ઉપર આવી સોહબરાને કહ્યું કે, ‘ઓ તુરાન અને ચીનના પહેલવાન! શાને કાજે તું રંજીદા થાય છે? તું પાછો ફર. અહીં આવવાથી કે લડાઈના મેદાનના વિચારથી તું પાછો ફર.’ તેણીની આવી વર્તણુંક જોઈ અને આ શબ્દો સાંભળી સોહરાબે કહ્યું કે ‘ઓ ખુબસુરત ચહેરાની બાનુ! તાજ અને તખ્ત અને માહતાબ અને આફતાબના નામથી સોગંદ લઈ કહુ છં કે આ કિલ્લાને હું જમીનદોસ્ત કરીશ અને તું સેતમગારને મારા કબજામાં લઈશ. જ્યારે તું નાચાર થશે અને હેરાન થશે ત્યારે આવા હુકલા શબ્દો માટે પશેમાન થશે. તે જે શરત કીધી હતી તે હવે કયાં ગઈ?’ગોર્દઆફ્રીદે હસીને કહ્યું કે ‘તુર્કીઓ અને ઈરાનીઓ વચ્ચે સંબંધ સરજેલો નથી. એવું સરજેલું છે કે તારી રોજી મારી સાથે હોય નહીં તેથી તુ તારા દિલને ગમગીન ના કર પણ જાણ કે શહેનશાહ અને રૂસ્તમ લડાઈમાં આવશે ત્યારે તું તેઓ હજુર ટકી શકશે નહીં. તેથી બહેતર છે કે તું તેઓની ફર્માનબરદારી કર અને તુરાન પાછો ફર.’ એવા સખુનો સાંભળી સોહરાબે કહ્યું કે ‘ફીકર નહીં હવે તો સાંજ પડી ગઈ છે. કાલે સવારે હું આવી આ કિલ્લાને તારાજ કરીશ.’ પણ બીજી સવારે તે આવે તેની આગમચ તો કિલ્લામાંના ભોયરાના એક છુપા માર્ગે ગોર્દઆફ્રીદ પોતાના બાપ અને ઈરાની લશ્કર સાથે તે કિલ્લો છોડી જતી રહી હતી.

(સમાપ્ત)

Leave a Reply

*