કારણ કે જે રાહ જુએ છે તે માં છે!!

માં નામની પદવી, જેને પામવા સદીઓથી સ્ત્રી પોતાનું સર્વસ્વ દાવ પર લગાડે છે. ફુલટાઈમ જોબ વિથ નો પ્રમોશન, નો સિકયોરિટી, નો લીવ, નો પર્કસ, આવી જોબ સ્વૈચ્છિક પણે સ્વીકારતી માં જે પોતાના સંતાનો માટે આખે આખી જીંદગી રાત દિવસ સમર્પિત કરી દે તેનાં સંતાનો પોતાની માં માટે વર્ષમાં એક આખો દિવસ ફાળવે એ ‘મધર્સ ડે’, તમને ચાલતા, બોલતા ખાતા-પીતા, શિક્ષિત સભ્ય સમાજમાં  ઉભા કર્યા તે માં ના માટે સમપર્ણ કરવા વર્ષનાં પૂરા 24 કલાક.

આ ક્ધસેપ્ટ એમ તો પશ્ર્વિમી વિશ્ર્વનો છે પણ ભારતમાં હવે વિભક્ત કુટુંબોનીજ સંખ્યા વધતી જાય છે. સંયુકત કુટુંબના જમાવડા અને મેળાવડા માત્ર ને માત્ર ટીવી સિરિયલો સુધી સીમીત છે.

મુંબઈ-અમદાવાદ સુરત કે પછી દિલ્હી, ચેન્નાઈ, કોલકત્તા..સંસ્કૃતિ ભલે ભિન્ન હોય સ્થિતિ સમાન છે. સંતાન માની કૂખમાં નવ મહિના રહે પણ યુવાન થયા બાદ માતા પિતા માટે ઘરનો એક રૂમ કે ખૂણો રોકાઈ જાય તે યુવાન હૈયાઓને ભારે તકલીફજનક લાગે છે.

કેટલીક વાતો એવી હોય છે કે એ જે બધા લોકો જાણતા હોય પરંતું તેને જાહેરમાં ચર્ચવી ઉલ્લેખવી સારી નથી લાગતી. મોટા ભાગના લોકોએ આ વાતનો અનુભવ પણ કર્યો હશે. લગ્નસંબંધી વાતચીત ચાલે ત્યારે કહેવાતી અતિશિક્ષિત, સુસ્કૃત, શાણી  ક્ધયાઓ ભાવિ ભરથારને પૂછી લેવામાં શાણપણ સમજે કે ઘરમાં જૂનું ફર્નિચર કેટલું? ફર્નિચર શબ્દ તો હજી ઠીક છે. ડસ્ટબીન શબ્દ પણ વપરાય છે. તેવું આ લખનારની જાણમાં છે.

વૃધ્ધ મા-બાપ સાથે હોય તો પરિસ્થિતિ હજી હેન્ડલ કરી શકાય પરંતુ બાગબાનવાળી પરિસ્થિતિ ન હોય ને માત્ર કે પિતા હોય તો ભારતીય સમાજવ્યવસ્થામાં આર્થિક દોરી સંચાર સામાન્યપણે પુરૂષના હાથમાં હોય છે પરંતુ માનું શું? અત્યાર સુધી ભારતીય કર્તવ્યપરાયણતા ઘર, ગૃહસ્થી અને સંતતિ સુધી સીમીતિ હતી હવે સમય સંક્રાતિનો છે કે પછી ઉત્ક્રાંતિનો હવે સ્ત્રીઓ ખૂબ ભણે છે ખૂબ કમાય પણ છે જે ટેલેન્ટેડ વ્યક્તિએ ઘર અને ઘરમાં જિંદગી પૂરી કરી તે વ્યક્તિ જિંદગીની સાંજે એકાકી થઈ જાય ત્યારે તે પોતાની જિંદગીના અહમ નિર્ણયો પણ પોતે ન કરી શકે તેવી ગોઠવણ જેનું નામ છે. સંસ્કૃતિ એ સંસ્કૃતિ માને તો એ દેવી માની પૂજા છે એટલે મા માત્ર દેવી જ હોઈ શકે એક સ્ત્રી નહીં.

જગત આખામાં માં નામનો શબ્દ પૂજાય છે. દુનિયાભરમાં દિવાળી, ક્રિસમસ ન્યુ યી, વેલેન્ટાઈન્સ ડે કરતાં જોઈ કોઈ દિવસે સૌથી વધુ ફોન-કોલ્સ ગ્રીટીંગ્ઝ અને ગિફટની આપ લે થતી હોય તો તે છે ‘મધર્સ ડે’ ને તે દિવસે ભારતની તો વાત જ નિરાળી છે. ભારતમાં તો ટીવી સિરિયલો એવું પુરવાર કરવા મથે છે કે માતા-પિતાજ  કોઈ તાજ પહેરેલા રાજા-રાણી હોય છે. માર્કેટિંગની માયાજાળ ‘મધર્સ ડે’ના દિવસે ચોકલેટના ડબ્બાથી લઈ આભૂષણની ભેટ સુધીમાં પૂરી થઈ જાય છે. પરંતુ ખરેખર માને આ બધાની જરૂર હોય છે ખરી?

માં સતયુગની હોય કે કળયુગની અથાણાની વાસ અને હળદરના ડાઘવાલા સાડીના પાલવથી હાથ લૂછતી કે પછી સવારની પહોરમાં લોકલ પકડવા દોડતી. માના હૃદયની અભિવ્યક્તિ તો એકજ સરખી હોય છે અને એ વ્યકત કરવા કે પછી સંતાન દ્વારા કોઈ આશ્ર્ચર્યકારક સુખદ ભેટની મોહતાજ હોય છે. માં ને તો જોઈએ છે માત્ર કવોલીટી ટાઈમ, પોતાનો શ્રેષ્ઠ સમય વાગોળવાની એક પળ જે તેને માત્ર ને માત્ર સંતાન જ  આપી શકે! અને તેને માટે એ વર્ષો રાહ જોતી રહે છે. હા, કારણ કે જે રાહ જુએ છે તે માં છે.

About  આબાન પરવેઝ તુરેલ

Leave a Reply

*