સરોશની ક્ષ્નુમન સાથની કુશ્તીનો જાણવાજોગ ટૂંક ખુલાસો

સરોશ યઝદ આ દુનિયામાં દાદાર અહુરમઝદના વડા પ્રધાન તરીકે દરેક ઉરવાનને તેની રહેણી કરણી પ્રમાણે કેમ આગળ વધારે છે અને તે માટે આપણે દરેક જણે સરોશ યઝદ સાથનો સંબંધ કાય રાખવો જોઈએ તથા સરોશની ક્ષ્નુમન સાથની કુશ્તીનો જાણવાજોગ ટૂંક ખુલાસો

સરોશ યઝદ સાહેબનું મુબારક નામ આપણે જરથોસ્તીઓને ઘણું જ જાણીતું છે કારણ કે અવસ્તા માંથ્રવાણીનાં ભણતરોમાંબી જોઈશું તો ગેહેગેહ સરોશની ક્ષ્નુમન સાથની કુશ્તી, નવજોત વખતે સરોશની ક્ષ્નુમનની કુશ્તી, સરોશ બાજ, સરોશ યશ્ત હાદોખ્ત, સરોશ યશ્ત રાતની વડી, સરોશની યજશ્ને તથા વંદીદાદ, ફરેસ્તા તથા દરેક આફ્રીન્ગાનમાં ભણાતો સરોશનો કરદો તથા છ દરૂનથી ધરાતી સરોશની બાજ, મરણબાદ ત્રણ દિવસ પાંચે ગેહમાં સરોશની બાજ તેમજ અઈવીસ્ત્રુથ્રેમ ગેહમાં સરોશનું પાતરૂં યાને સરોશ યશ્ત વડીનો સાતમો કરદો ભણવાની ક્રિયા તેમજ સરોશ બેસાડવાની ક્રિયા વગેરે વગેરે સરોશનું ભણતર કરવા કરાવવાની બહુજ તાકીદ જરથોસ્તી દએનમાં કરવામાં આવી છે.

જરથોસ્તી ઈલ્મે-ક્ષ્નુમ આપણને શીખવે છે કે સૌથી પહેલા છેક ઉપરથી સૃષ્ટિની રચના અહુનવરના નાદથી શરૂ થાય છે. આ અહુનવરનો નાદ ગોયા તમામ સૃષ્ટિ-રચના દેખીતી તેમજ અણદીઠનો મૂળ પાયો છે અને તેટલા માટે દરેકે દરેક પેદાયશની શરૂઆત અહુનવરના ઉસુલ્યાતી (સૌથી પહેલા) નાદથી જ થયેલી છે એમ બરાબર ધ્યાનમાં રાખીશું. જાણવું જોઈએ કે આ ઉસુલ્યાતી ‘અહુનવર’ તદ્દનબુલંદમાં બુલંદ નહી સમજી શકાય એવી તે સાહેબ ‘અહૂ’ની ‘મરજી’ છે કે જે ખાહેશ-ઈ-બુલંદની અંદર આખી સૃષ્ટિ-રચના ‘હસ્ત+નીસ્ત’ થઈને પાછી ‘નીસ્ત+હસ્ત’ કેમ થવી જોઈએ તેનો ‘મન્તા’ યાને પહેલો વિચાર અખંડ રીતે આવી જાય છે. હવે જે બુલંદ અવસ્તા કલામ ‘યથા અહૂ વઈર્યો’નો આપણે એજમતી અસર ઉપજાવવા માટે ભણીયે છીએ તે અવસ્તા માંથ્રના કલામને આ ઉપર સમજાવેલા કુદરતમાં કાર્ય કરતા ‘અહુનવર’ સાથે ભેળી નાખવો જોઈએ નહીં.

આ અહુનવરનો નાદ આગળ વધતાં યાને ફેલાઈ જતા 1001 સ્તોતના નાળામાં વહેંચાઈ જાય છે યાને 1001 સ્તોતના અવાજની ધ્વનીથી ઉત્પન્ન થતા રંગોમાં પ્રવાહોમાં વહેંચાઈ જાય છે. આ બધા 1001 સ્તોતના નાળા-પ્રવાહો અહુનવરના અસલ નાદમાંથી થયેલા હોવાને લીધે તેમાં અહુનવરના સ્તોત ફેલાઈ રહેલા છે અને આ બધા અહુનવરના નાદના 1001 નાળામાં વ્યાપી રહેલા અહુનવરના સ્તોતના પ્રવાહોને આ ખનીરથબાકી ઉપર (આ દુનિયામાં) લઈ આવી તેઓની ખીસ્કારી (કુદરતે સોપી આપેલું કાર્ય ઉપર દેખરેખ રાખવાનું મહાન કાર્ય સરોશ યઝદને સોપવામાં આવ્યું છે) યાને આ બધા સ્તોતના પ્રવાહોને આ દુનિયા ઉપર લાવીને તેઓને ઘટતે ઠેકાણે કાયદાસર વહેંચી આપનાર સરોશ યઝદ છે. દરેક દરેક ઉરવાનને તેની અશોઈના મરતબાના પ્રમાણ મુજબ ઘટતા સ્તોતનું પોષણ આપી ચાલુ ઉરવાનને આગળ અને આગળ વધારનાર ગેબી મદદગાર અશો સરોશ યઝદ છે. સરોશ યઝદ ઉપરથી આવતા 1001 નાળા (પ્રવાહો)ને લગતા સ્તોતના પ્રવાહોને પકડનાર તથા તે પ્રવાહોને દરેક પેદાએશ તથા ઉરવાન તરફ લાયક રીતે પોહચાડનાર તરીકે છે. આ ઉપરથી આપણા ઉરવાન સાથે દમેદમ અને પળેપળ સરોશનો સંબંધ કાય રાખવોજ જોઈએ તથા આપણા ઉરવાનને જન્મવાની પળથી જ આખી જીંદગી દરમ્યાન તથા મરણ બાદ અણદીઠ હાલતમાં ઉરવાનને બસ સરોશનીજ પનાહમાં સરોશનાજ હવાલામાં કાય સોંપવું જોઈએ. તે ટૂંકમાં સમજી શકાશે.

ઉરવાનનાં પોતાનાં કાર્યમાં છેક અવ્વલથી તે આખેર સુધી મદદ તથા પોષણ તથા રેહબરી આપનાર અશો સરોશ યઝદ છે અને તેટલા માટે દરેક દરેક બરજીસી(ભ્રેસ્પતી) જીરમ (ગ્રહના) ઉરવાને યાને જરથોસ્તીઓએ હરેક વખત જીંદગી દરમ્યાન યા રહેલત (મરણ)બાદ કાળજી રાખી જરથોસ્તી તરીકતો તથા જરથોસ્તી ક્રિયાકામો ઉપર ધ્યાન આપવાની પહેલી જરૂર છે.સરોશ યઝદની વગર ઉરવાન અહુરમઝદ નજદીક મીનોઈ આલમમાં કદી જઈ શકે નહીં કારણ સરોશ યઝદ તો અહુરમઝદનો આ ખનીરથબામી દુનિયા ઉપર વડો પ્રધાન છે તેથી ગાથાના હા 33 ફકરા 5માં સરોશને ‘યશ્તે વીસ્પે-મજીશ્તેમ’ યાને સૌથી મોટા યઝદ તરીકે ઓળખવામાં આવ્યા છે. (ક્રમશ)

Leave a Reply

*