ફરી રાજકુવરી ફસાઈ!

એક દિવસે મહારાજાએ તે રાજકુંવરી પાસે લગ્નની ફરી વાત છેડી. પણ એ સાંભળતાંજ રાજકુંવરી તો હેબતની મારી બેભાન થવા પછી મહારાજા તો તેની સારી વ્યવસ્થા કરી તે ફરી ન ગભરાઈ જાય તે ખાતર, ચાલી ગયા હતા.

રાજકુંવરી શુધ્ધિમાં આવતાં તેને એક વિચાર સુજ્યો કે તેણે આ રાજાની પરણવાની વાતને ટાળવા કંઈ તદબીર કરવી. તેને લાગ્યું કે તે જો ઘેલી થઈ જવાનો ઢોંગ કરશે અને જરા તરા મારફાડ કરવાના તોફાન કરશે તો મહારાજા તેને ઘેલી ધારી લઈ તેને પરણવાનો વિચાર તજી દેશે.

તુરત જ કુંવરીએ તે વિચાર અમલમાં પણ આણ્યો તે તો હકીમ સામે અને બીજી સાદીઓ સામે, જાણે એકાએક ભૂત ભરાયું હોય તેમ, દાંત કચકચાવી ચીસો પાડવા લાગી અને જે હાથમાં આવ્યું તે છૂટુ ફેંકવા માંડી!! સૌ ગભરાઈ જઈ નાઠા. પછી હકીમે જઈ રાજાજીને ખબર કરી, કુંવરી તો ગાંડી થઈ ગઈ છે.

કાશ્મીર મહારાજા, એ વાત સાંભળી, ઘણાજ દિલગીર થયા. તેણે ઘણા હકીમોને ભેગા કર્યા. પણ રાજકુંવરીએ તોફાન કરી કોઈ પણ વૈદ કે હકીમને પોતાની પાસે આવવા દીધો નહીં. સૌની ખાત્રી થઈ ગઈ કે રાજકુંવરીનું મગજ ખસી ગયું છે. અને કોઈ તેની પાસે જશે તો તે તેને જરૂર મારી બેસશે એમ સૌને બીક લાગી.

ધીમે ધીમે આખા કાશ્મીર દેશમાં રાજાની મહેમાન રાજકુંવરી ઘેલી થઈ જવાની વાત ફેલાઈ ગઈ. દેશે દેશના હકીમો આવ્યા. પણ મારફાડ સિવાય બીજું કાંઈ તે કુંવરી કરતી નહીં. કોઈબી દવા તે લેતી નહીં. અને ખાવાનું પણ ઘણીવાર ફેંકી દેતી કેમ કે તેના મનને તેમાં દવા નાખ્યાનો વહેમ આવતો હતો. તે તાજા ફળો માત્ર ખાતી. તાજુ દુધ નજર આગળ ગાય દોહવડાવી તે પીતી. પાણી પણ તાજું કુવામાંથી કાઢી તે પીતી. આમ ઘણા દિવસો સુધી તેના ઢોંગ ચાલુ રહયા. મહારાજાએ આખર આ ઘેલીને પરણવાની આશા પણ છોડી દીધી.

આમ ઢોંગથી ઉભા કરેલાં દુ:ખમાં તે રાજકુંવરીનું શરીર બહુ નખાઈ ગયું અને તેનું રૂપ પણ ઘણું ઉડી ગયું.

મહારાજાએ ગામેગામ પેગામ મોકલેલા તેથી ઘણા દેશોના લોકોને રાજકુંવરીના ગાંડપણની વાતની જાણ થઈ ગઈ હતી. મુસાફરો પણ એ વાતથી ઠામઠામ વાકેફ થતા હતા. પેલા ઈરાનના શાહજાદાએ હિંદુસ્તાન આવતાંજ રાજકુંવરીના ગાંડપણની વાત સાંભળી. તેમજ ઘોડાના માલેકના મોતની પણ ખબર જાણી. તેની બારીક તપાસ પરથી  પૂરતી ખાતરી થઈ કે એ ખુબસુરત ઘેલી રાજકુંવરી જે કાશ્મીરમાં હતી તે બીજી કોઈજ નહીં પણ તે પોતે જેને ઈરાન લઈ ગયેલો તેજ બંગાલની રાજકુંવરી હતી અને તે કરામતી ઘોડો પેલોજ ઉડાણ ઘોડો હતો કે જે ઉપર તે ચઢી પોતે બંગલામાં ઉતરેલો અને ત્યાંથી રાજકુંવરીને લઈ તે ઈરાન ગયો હતો.

(વધુ આવતા અંકે)

Leave a Reply

*