વડા દસ્તુરજી ડો. ફિરોઝ કોટવાલ, ખુરશેદ દસ્તુર અને સાયરસ નોશીવાન દસ્તુર દ્વારા ડેલા ટાવરમાં દાદગાહ સાહેબની સ્થાપના થઈ!

31મી મે, 2018ના દિને સાંજે 5.00 કલાકે અગ્રણી આર્કિટેકટ અને ઉદ્યોગપતિ જિમી મિસ્ત્રીના સીમા ચિહ્ન બિલ્ડિંગ ડેલા ટાવરમાં સાંજે 5.00 કલાકે દાદગાહ સાહેબની સ્થાપના આપણા વડા દસ્તુરજીઓ ડો. ફિરોઝ કોટવાલ, ખુરશેદ દસ્તુર અને સાયરસ નોશીવાન દસ્તુર દ્વારા કરવામાં આવી. ડેલા ટાવર, ડેલા ગ્રુપના ચેરમેન જિમી મિસ્ત્રી દ્વારા રચાયેલ પર્શિયા પ્રેરિત એક ભવ્ય બાંધકામ છે. આ બિલ્ડિંગ, તેમની શ્રેષ્ઠ કૃતિની રચના થઈ ત્યારેજ જિમીએ દાદગાહ સાહેબની સ્થાપના કરવાની જોગવાઈ કરી રાખી હતી.

પર્યાવરણ જાણે જીવંત બનવા પામ્યું હોય તેમ સુંદર ફૂલોથી ડેલા ટાવરને શણગારવામાં આવ્યું હતું બહારની સાઈડેથી લાઈટ્સો ઝગમગી ઉઠી હતી. મહેમાનોનું સ્વાગત ઠંડા ફાલુદાના ગ્લાસ, ચા, કેક અને ફળો સાથે કરવામાં આવ્યું હતું.

જિમી આપણા સમૃધ્ધ વારસાનું આગળ જતા પ્રદર્શન કરવા તેના પર કામ કરી રહ્યા છે. આ પ્રદર્શનનું કેન્દ્ર સમુદાયના યુવાનો સાથે રચાયેલું છે.

વડા દસ્તુરજી ઉપરાંત આપણા સમુદાયના કેટલાક વિદ્વાન ડો. એરવદ રામિયાર કરંજીયા, ડો. એરવદ પરવેઝ બજાં પણ હાજર હતા. બોમ્બે પારસી પંચાયતના યઝદી દેસાઈ અને એમના પત્ની અનાહિતા, બીપીપીના પહેલા અને વર્તમાન ટ્રસ્ટી અરનવાઝ મિસ્ત્રી, આરમઈતી તિરંદાઝ અને ટ્રસ્ટી ઝરીર ભાઠેનાના પત્ની, રૂસ્તમજી ફરામના અગિયારીના ટ્રસ્ટીઓ, એકટર બોમન ઈરાની તેમના પત્ની ઝિનોબીયા, એકટર નોહીદ સાયરસી, બિલ્ડર બોમન ઈરાની, પર્સી ચૌધરી, ક્રિકેટર ફરોખ એન્જિનિયર, ફીટનેસ આયકન મીકી મહેતા, રોશની અને પરવેઝ દમનિયા, અનાહિતા અને ગેરી લોયર, ડો. બાયરામજી, હોશી સિનોર, પારસી રિસોર્સ ગ્રુપ, પીઆરજી કૈઝાદ કરકરિયા, મહેર દસ્તુર, સાયરસ દસ્તુર, જમશેદ પંથકી અને ધ દાદાચાનજી બ્રદર્સ પણ હાજર હતા.

ઉદ્ઘાટન કરતી વખતે ડો. એરવદ રામિયાર કરંજીયાએ કહ્યું હતું કે ‘આ એક ઘણોજ ઐતિહાસિક પ્રસંગ છે, આપણે આ મકાનમાં સ્થાપન થનાર દાદગાહ સાહેબના સાક્ષીદાર છીએ.’

દાદગાહ સાહેબ બિલ્ડિંગમાંજ હોવાથી ડેલા ટાવરના રહેવાસીઓ ઘણાજ નસીબદાર છે અને સમુદાયના તમામ સભ્યો માટે ખુલ્લા છે અને દરેકને આર્શિવદ આપવા અને મુલાકાત લેવા પ્રોત્સાહિત કરે છે.

Leave a Reply

*