નવા વર્ષની સાડી

આ મારી ગારા સાડીનો પાલવ ખૂબ સરસ લાગે છે નહીં? શિરીને હીંચકે ઝૂલતા પતિ સોરાબને પૂછયું ને સોરાબે પણ હકારમાં ડોકું હલાવી દીધું. આજ સવારથી સાડી સંબંધિત કેટલાય સવાલ શિરીને પતિને કર્યા હતા અને સોરાબે રસ લીધા વિના ડોકું ધુણાવ્યા કીધું હતું. પરંતુ શિરીનને એની દરકાર નહોતી કરી. એ તે નાના દીકરાની વહુએ ખરીદી આપેલ ગારા સાડીથી અને એથી વિશેષ તો આજે નવું વર્ષ હતું એનાથી ખુશ હતા.
સોરાબ બેન્કમાં નિવૃત્ત કર્મચારી, સંતાનમાં તેમને અહુરા મઝદાએ આપેલા ત્રણ દીકરા અહુરા મઝદાએ આપેલા એટલા માટે કે બહોળો પરિવાર ધરાવતા સોરાબના પરિવારમાં દરેકને ત્યાં દીકરીઓજ હતી જ્યારે સોરાબને ત્યાં દીકરા, સોરાબને આ વાતનું અભિમાન પણ ખરૂં. તેમના મુખેથી દીકરો મારો લાડકવાયો એ ગીત હમેશા રેલાતું. સોરાબે ત્રણેય દીકરાને ભણાવ્યા. ત્રણેય ભણીને સારા પગારની ઉંચા હોદ્દાવાળી નોકરી મેળવી શકયા. ઉમંર લાયક થતા ત્રણેયને પરણાવ્યા. વહુઓ અને નાના ભુલકાઓથી ઘર ગુંજી ઉઠયું. ઘરના સૌ સભ્યો હળીમળીને રહેતા. પરંતુ સમય જતા કોઈ ને કોઈ બહાના કાઢીને દીકરાઓ અલગ મકાનમાં ચાલ્યા ગયા. ખરેખર તો મકાન અલગ એટલે થયા હતા કે તેઓના મન અલગ થયા હતા. સોરાબ અને શિરીને વિરોધ કર્યા વિના એઓને સ્વતંત્રતા આપી. પોતાની બચતમાંથી રકમ ઉપાડી આર્થિક સહાય પણ કરી.
અલગ રહેતા દીકરાઓ વાર તહેવારે મા-બાપને યાદ કરી લેતા પરંતુ સમય જતાં એ પણ હવે ઓછું થઈ ગયુ હતું. મા-બાપ ભુલાઈ રહ્યા હતા. પરંતુ કોણ જાણે કેમ નવું વરસ વહુ દીકરાઓને યાદ રહી ગયું હતું અને તેમાં સમજૂતી પણ કેવી? એક દીકરા તરફથી માને નવી સાડી અપાતી પપ્પા માટે પણ કપડાં લેવાતા પરંતુ શિરીન માટે નવી મોંઘીદાટ સાડી લેવાતી નવા વરસના દિને પહેરવા માટે. બીજો દીકરો બપોરે લેવા આવે બધા સાથે બેસીને જમે પછી બધા કોઈ કોમેડી પારસી નાટક જોવા સાથે જાય અને ત્રીજો રાત્રે હોટલમાં જમવા માટે લઈ જાય. ત્રણે દીકરા પોતાના વારા યાદ રાખતા. લગભગ ત્રણેક વર્ષથી આવું ચાલુ હતું. નવા વરસના નિમિત્તે વર્ષમાં એક વખત તેઓ મા-બાપને ખુશી આપતા. સોરાબને દીકરા-વહુનાના આવા વર્તનથી મનમાં દુ:ખ થતું. પણ શિરીનની ખુશીના લીધે અને ત્રણેય દીકરાના બાળકો પોતાની કાલી કાલી ભાષામાં બપાજીને મળે તેમને ગળે વળગે અને જાત જાતના સવાલો પૂછે અને તેઆના ગળે વળગતા જ સોરાબ પોતાના ગમને ભુલી જતો.
આજે નવું વરસ હતું સોરાબે જોયું કે શિરીને વહુએ આપેલો ગારો પહેર્યો હતો. રાંધણીમાં ગીત ગાતા ગાતા શિરીન સગનની સેવ બનાવતી હતી. દરવાજે હાર-તોરણ કરી દરવાજે ચોક પૂર્યા હતા. તેઓ ઘણીવાર સોરાબ પાસે આવી પોતાની સાડી બતાવતા અને હવે આજે આખો દિવસ કેમ પસાર થશે તે બાબતમાં સોરાબ સાથે વાત કરતા. એમણે સોરાબને કહ્યું એક દિવસ તો એક દિવસ આપણા બાળકો આપણને યાદ તો કરે છે. સોરાબે મનોમન બાળકોને આશીર્વાદ આપ્યા અને કહ્યું ચાલો નવા વરસને એક દિવસે તો તેઓ નવું વરસ ઉજવી મનને ખુશ કરી દે છે. તેઓ ધીમે પગલે શિરીન પાસે ગયા અને કાનમાં કહી દીધું નસાલ-મુબારકથ અને શિરીન મલકી ઉઠી.

About આબાન પરવેઝ તુરેલ

Leave a Reply

*