સગપણ એટલે સંસારનો તાલમેળ

મારો અદી છેે તો બહુ પ્રેમાળ. અમારાં લગ્નને દસ વર્ષ થયાં. અમારો ઘરસંસાર સરસ ચાલે છે. પણ દરેક માણસના સ્વભાવની કેટલીક ખાસિયત હોય છે. તે ખાસિયત પકડીને તેને એડજેસ્ટ થઈ જઈએ તો ગાડી સરખી ચાલે અને આપણું સગપણ ટકી રહે.
લગ્ન બાદ થોડા વખતના સહવાસે મેં જોયું કે અદીને સ્વચ્છતાનો, વ્યવસ્થિતતાનો બહુ જ આગ્રહ છે. એ બાબત એમની નજર પણ ખાસ્સી ઝીણી. મારૂં તો એ ધ્યાન ન પણ ન જાય. વળી, આ બાબતની ભૂલ બતાવવાની, તેના વિશે બૂમાબૂમ પણ કરવાની એમને આદત. કહ્યા વિના રહી ન શકે, ગુસ્સો પણ કરે જો કે ગુસ્સો તે ક્ષણ પૂરતો. બીજી ક્ષણે એમના મનમાં કાંઈ ન હોય. શરૂમાં મને થોડો ધક્કો લાગતો. પણ હવે કાંઈ નહીં. ક્યારેક તો હું જાણી જોઈને એમના માટે એવા મોકા પણ ઉભા થવા દેતી હોઉં છું. અદીને બાળકો માટે ખૂબ પ્રેમ પણ પળવાર બાળકોને બેસવા નહીં દે કયારેક એકદમ ગુસ્સો કરી દેતા અને પળવારમાં હસી દેતા બાળકો પ્રત્યેના આવો પ્રેમ જોઈ મને મારો અદી ગમતો.
મારી નાની બહેન જાસ્મિન આવેલી તેણે ફ્રીજમાંથી પાણી લેતાં મને કહ્યું કે આ બે ચીકુ સાવ ચીમળાઈ ગયાં છે, તેને કાઢી નાખું? પણ મેં તેને ના કહી, ના, એ તો તારા જીજાજી જ કાઢશે. જાસ્મિન મારી સામે જોઈ રહી. પણ મેં વાત બદલી નાખી. સાંજે એ આવ્યા. કપડાં બદલી, હાથ-મોં ધોઈ મને કહે, આજે તો એક ગમ્મતની વાત કહું! અને એમ કહેતાં એમણે પાણી લેવા ફ્રીજ ઉઘાડ્યું પેલાં ચીકુને જોતાં વેંત એમનો પિત્તો ગયો, આ શું? આવાં સડેલાં ચીકુ તું ફ્રીજમાં રાખે છે! આખા ફ્રીજમાં વાસ વાસ થઈ ગઈ છે અને ચીકુ કાઢી એમણે કચરા ટોપલીમાં ફેકયા. તને કેટલી વાર કહ્યું? પણ તેવામાં મને ગાલમાં ને ગાલમાં મરક-મરક હસતી જોઈ એય હસી પડ્યા, મને ચીડવવા આ રાખેલાં ને? અને પછી એમણે મારી ગમ્મતમાં ભળી જઈ પોતાની ગમ્મતની માંડીને વાત કરી.
જો કે મારે કહેવું જોઈએ કે એમનો ગુસ્સો દર વખત કાંઈ અકારણ નથી હોતો. કોઈ વસ્તુ ફેંકી દેતાં મારો જીવ ચાલે નહીં. તેથી મારા ફ્રીજમાં ત્રણ-ચાર દિવસનું વધેલું દહીં હોય, રાતનું વધેલું શાક હોય, કે ઘણા દિવસના પડી રહેલા પાઉં હોય, અઠવાડિયા પહેલાં કરેલ ઢોસાનું વધી પડેલ ખીરૂં હોય. હવે, એમને આની ભારે ચીડ. જેવું આવું કાંઈ દેખે કે કાઢીને ફેંકી જ દેવાના અને મને બે-ચાર સંભળાવી દેવાના. હું સાંભળી લેવાની. પણ થોડી વારે આવીને કહે સોરી, હં! મારાથી ગુસ્સો થઈ ગયો! પણ તું શું કામ આવું બધું સંભાળી રાખે છે? પણ હું શું કરૂં? મને આદત પડી ગઈ છે.
વચ્ચે-વચ્ચે ઘરમાં એમની સફાઈ-ઝુંબેશ ચાલે. મને પોતાને ક્યાંય ધૂળ નજરે જ ન ચઢે, પણ એમની નજર ચારે કોર ફરી વળે. પંખાનાં પાંખિયાં પરની ધૂળ સાફ કરે, ટેબલ લેમ્પના શેડ પરની ધૂળ ખંખેરી નાખે, ખૂણે ખાંચરે જમા થઈ ગયેલો કચરો કાઢીને મને બતાવે. પછી કહે, આ ખાલી ડબ્બા શું કામ રાખ્યા છે? આ દવાની ખાલી બાટલીઓનું શું કામ છે? અને આ ટીવીનું ખાલી ખોખું? ભાંગેલું તાળું? અને એમ ગુસ્સો કરતાં કરતાં બધું કાઢતા જાય. હું એક અક્ષર ન બોલું. પણ તેનાથી વળી એમને ચટપટી થાય. પાછળથી ફરી વાત કાઢે, આ બધી સફાઈ કરૂં છું, તે તને નથી ગમતું?
હું લાડથી કહું, એવું કોણે કહ્યું? ઘરમાંથી કચરો જાય, તે કોને ન ગમે? હવે ઘર કેવું ચોખ્ખું ચટ લાગે છે! પણ હું તમને સાથ નથી આપી શકતી ને, તેનું મને દુ:ખ છે! મારામાં સફાઈની દષ્ટિ જ નથી ખૂલી ને! હું જોઉં છું કે સાફ-સફાઈ તો એમની ચાલુ જ છે, પણ હવે અગાઉની ટીકા-ટીપ્પણી બહુ ઓછી થઈ ગઈ છે. આમ, એકમેકના સગપણને સાચવીને અમારો ઘર-સંસાર ચાલે છે.
જુઓ ને! એમને રાતે પથારીમાં વાંચવાની ટેવ. વાંચતાં-વાંચતાં સુઈ જાય અને મને તો બેડરૂમમાં અંધારૂ જોઈએ નહીં તો ઊંઘ ન આવે. શરૂ-શરૂમાં મને બહુ હેરાનગતી થતી. પણ આ વાત એમના ધ્યાનમાં આવી, ત્યારથી પથારીમાં વાંચવાને બદલે બહાર વાંચે અને ઊંઘવા જેવું થાય ત્યારે આવીને સૂઈ જાય. એ વાંચતા-લખતાં હોય ત્યારે એમને જરીકે ખલેલ ન પરવડે. કાંઈ વાત કરવા જઈએ, તો એકદમ ભભૂકી ઊઠે. શરૂ-શરૂમાં તો આવે વખતે હું બહુ ગભરાઈ જતી. પણ હવે એમને ઓળખી ગઈ છું. મોટે ભાગે તો હું ખલેલ ઊભી જ ન કરું. છતાં ક્યારેક બીજો ઉપાય ન હોય તો શાંતિથી એમની પાસે જઈ બેસું. એમની નજર પડતાં એ જ પૂછે, કાંઈ કામ છે? આ છે અમારા બન્ને વચ્ચેનું સાચુ સગપણ.
મને શાસ્ત્રીય સંગીતનો બહુ જ શોખ. એમને જરાક પણ ન ગમે. પહેલા પહેલા મારી મશ્કરી કરતા પણ હવે ધીરે ધીરે મારી સંગીત-પ્રીતિ જોઈ કયારેક પોતે તેની કેસેટ લઈ આવે, તેના કાર્યક્રમમાં પણ મારી સાથે આવે. આવી રીતે એકબીજાના તાલમાં તાલ મેળવવાની અમારી કોશિશ ચાલે છે.

Leave a Reply

*