આહમદ મા-બાપને ભુલ્યો

આમને આમ આનંદમાં ગાનતાનમાં, સુખચેનમાં છ મહિના વહી ગયા. એક દિવસ શાહજાદા આહમદને તેનાં કુટુંબની યાદ આવી. તે જરા દીલગીર થયો કે તેનાં માતપિતા તેની વાટ જોતાં હશે અને અફસોસમાં પડયા હશે. માટે તેમને જરૂર તેણે એકવાર મળી આવવું જોઈએ. અને તે જીવતો છે તેમજ સુખી છે તેની ખબર જાતે આપી આવી તેમનો આફસોસ ટાળવો જોઈએ.
પણ આહમદ પરીનબાનુના પ્યારમાં એવો લપટાઈ ગયો હતો અને મોજશોખમાં એવો તો ડૂબી ગયો હતો કે ત્યાંથી તેને નિકળવું ગમે નહીં. જેમ બાળકો રમતમાં માબાપને ભૂલી જાય જેમ બાયડીઘેલા ધણીઓ પણ માબાપને વિસરી જાય તેવુંજ આહમદનું બન્યું. માબાપ યાદ આવે પણ પાછો તે ગાનતાનમાં પડે એટલે ફરી તેમને ભૂલી જાય.
પરીનબાનુ સરખી બેહદ ખુબસુરત સ્ત્રીના પ્યારમાં આહમદ એટલો તો દિવાનો થઈ ગયેલો હતો કે તેનાં માબાપને તેની ગેરહાજરીથી શું દુ:ખ થતું હશે તેની કલ્પના બી કરી શકયો નહીં. આમ આહમદ તેના માતપિતા તરફની ફર્ઝ ચૂકયો.
ઈર્ષાળું અમલદારોની દોરવણી તેથી સુલતાનનું મરણ
અને આહમદનું ગાદીએ બેસવું
એક દિવસ શાહજાદા આહમદે પોતાના બાપને મળવા જતા આખર પાકો નિશ્ર્ચિય કીધો. પરીનબાનુએ જ્યારે તે વિચાર જાણ્યો ત્યારે તે બહુ જ દિલગીર થઈ. તે કહેવા લાગી કે આહમદ વગર તે એક દિવસ પણ જીવી શકે નહીં. માટે આહમદને તેના માબાપને મળવા જવા પરીને રજા ન આપી. પાછા મોજમાં મશગુલ થતાં આહમદ ફરી તેનાં માબાપને ભૂલી ગયો.
આ બાજુ સુલતાન તો આહમદની ચોમેર શોધ કરાવવા લાગ્યો પણ તેનો કયાંય પત્તો લાગ્યો નહીં. તેથી તેના અમલદારોના કહેવાથી એક બુઢી જાદુગરણીને બોલાવી તેને આહમદ કયાં છે તેની ભાળ કહાડવા કહ્યું.
તે ડોસી આવી ત્યારે સુલતાને કહ્યું કે ‘તારા જાદુ જોરથી તલાસ કરી કહે કે આહમદ મારો ત્રીજો બેટો, જીવતો છે કે નહીં અને જો જીવતો હોય તો તે કયાં છે?’
પેલી સ્ત્રીએ જવાબ માટે એક દિવસની મહેતલ માગી. બીજે દિવસે તેણે આવી સુલતાનને કહ્યું કે ‘આપનો બેટો જીવે છે ખરો પણ તેે કયાં છે તેનો પત્તો હજી તેને લાગતો નથી.’ આથી સુલતાન આહમદને મલવા બહુ રોજ આતુર રહેતો હતો અને દિલગીરીમાં દહાડા કાઢતો હતો.
આહમદ તો વારંવાર તેની સ્ત્રીને સમજાવતો કે તેને તેના બાપને મલવા જવાની રજા આપે. પણ પરીનબાનુ માનતી હતી નહીં. આખર એક દિવસ, આહમદે પરીન બાનુને બહુ સમજાવી જેમ તેમ તેની રજા લીધી અને ઝટ પાછા ફરવાનું વચન પણ આપ્યું. ત્યારે બહુજ દિલગીરી અને આનાકાની સાથે આહમદને જવાની રજા પરીને આપી.
પરીનબાનુએ આહમદને કહ્યું કે સુલતાન પૂછે તો માત્ર તેણે એટલુંજ કહેવું કે તે બહુ સુખી છે અને હવે તેની કાળજી તેણે જરાય કરવી નહીં.
આમ જ્યારે આહમદને થોડા દિવસ પોતાના માબાપને મળી આવવાની રજા મળી ત્યારે આહમદ પુરા ઠાઠમાઠથી તેને ગામ જવા નીકળ્યો. સુલતાન પોતાના નાના પ્યારા બેટાને જોઈ બહુ જ ખુશી થયો.
આહમદે તેના પેદરને કહ્યું કે તે તીરની શોધમાં ગયો અને તેણે ગુમાયેલા તીરનો પત્તો મેળવ્યો. પછી તે બહુજ સુખી થયો છે પણ એ બધી બાબત બહુ જાણવા જોગ છતાં તે કહી શકે તેમ નથી.
સુલતાને પોતાના દીકરાને જીવતો, તંદુરસ્ત અને સુખી જોઈ બીજી બાબતોની ઝાઝી પૂછપરછ કરી નહીં ત્રણ દિવસ સુધી દરબાર અને રાજમહેલ, આહમદના આવવાથી ખુશાલ રહ્યા.

Leave a Reply

*