ગણપતિ બાપ્પાએ મૂસકને કેમ બનાવ્યું પોતાનું વાહન!

હિંદુઓના દેવી દેવતાઓના જુદા જુદા વાહનો હોય છે જેમ કે વિષ્ણુનું  વાહન ગરૂડ છે, ભગવાન શિવનું બળદ અને માતા દુર્ગાનું સિંહ છે. દેવોની દરેક સવારી તેમની શક્તિીનો દેખાવ કરે છે. પરંતુ પ્રથમ પૂજનાર શ્રી ગણેશ જેમને દરેક સમસ્યાનું સમાધાન કરનાર માનવામાં આવે છે, તેમની સવારી એક ઉંદર છે જે તેમના શરીરના બરાબર વિરુદ્ધ છે. ચાલો આપણે જાણીએ કે કેવી રીતે ઉંદર, શ્રી ગણેશનું વાહન બન્યું.

ઘણી કથાઓ ગજાનનના વાહન વિશે લોકપ્રિય છે, એક દંતકથા મુજબ, ઇન્દ્ર પોતાની સભામાં તમામ દેવો સાથે ગંભીર મુદ્દે ચર્ચા કરી રહ્યા હતા અપ્સરાઓ સાથે ગંધર્વ પણ તે સભામાં હાજર હતા. બધા લોકો ઈન્દ્રની વાતોમાં મશગૂલ હતા પરંતુ ક્રૌચ નામનો ગંધર્વ એક અપ્સરા સાથે ગપ્પા મારવામાં મશગૂલ હતો. ઈન્દ્રે તેને ઘણા ઈશારા કર્યા પણ તે ગંધર્વએ ધ્યાન આપ્યું નહીં. છેલ્લે ઈન્દ્રે તેને શ્રાપ આપ્યો અને તે ગંધર્વમાંથી મૂષક બની ગયો.

હવે તે મૂષક બની અને ઈન્દ્રની સભામાં આમતેમ દોડવા લાગ્યો. તેનાથી સભાના લોકો પણ કંટાળ્યા એટલે ઈન્દ્રે તેમના દ્વારપાલને આદેશ આપ્યો કે આ મૂષકને દેવલોકની બહાર ફેકી દેવામાં આવે. તેમની આજ્ઞાને અનુસરીને દ્વારપાળીઓએ તે મૂષકને સ્વર્ગમાંથી ફેંકી દીધો. તે મૂષક સીધો ઋષિ પરાશરના આશ્રમમાં જઈ પહોંચ્યો. ત્યાં પણ તે મૂષકે ઋષિઓને હેરાન કરી મૂકયા તેમનું ખાવાનું ખાઈ જતો, તેમના કપડા કોતરી ખાતો, અહીં સુધી કે તેમના ધાર્મિક ગ્રંથોને પણ કોતરી ખાતો. આ જોઈ પરાશર ઋષિએ ગણપતિની મદદ માંગી. ગણપતિએ પોતાનો પાશ ફેંકયો અને પાતાલ લોકમાંથી તે પાશે મૂષકને શોધી કાઢયો. પોતાને ગણપતિ સામે જોતાં, ઉંદર ભયથી ધ્રૂજતો હતો અને આ સ્થિતિ જોયા પછી ગણપતિ પણ હસવા લાગ્યા અને ગણેશે તે મૂષકને વરદાન માંગવા કહ્યું અને તે મૂષકે ગણપતિનું વાહન બનવાનું નકકી કર્યુ. ગણપતિએ તેમને વરદાન સાથે શક્તિ આપી કે તે ગણપતિને ઉચકી શકે અને આમ તે મૂષક ગણપતિનું વાહન બની ગયું.

Leave a Reply

*