સખાવત વીશે ટૂંક ખુલાસો

કુદરતના રાદી કામોમાં સખાવત એક ઘણું જરૂરનું તેમજ ઘણું પુનનું કામ છે. સખાવત એટલે પૈસાવાલા માણસોએ પૈસાની મદદથી ગરીબ માણસો જેઓ કુદરતી કાયદે પોતાના ગયા ભવોનાં ખોટાં કર્મોને આધારે પૈસા તેમજ મોટી મુશ્કેલી તથા આફતોમાં આવ્યાં હોય, તેઓને લાયક વખતે ઘટતી મદદ કરી તેમાંથી બચાવવા તેને સખાવત કહે છે. સખાવત એટલે પારકાનું પોતાથી બને તેટલું ભલું કરવાનું કામ. સખાવત ખરાંદીલથી અને દયાની લાગણીથી કરવી. સખાવત ઘણી રીતે થાય છે. પૈસાવાલા પૈસાની સખાવત કરે છે, જ્ઞાની પુરૂષો જ્ઞાન વગરનાંઓને જ્ઞાનની બક્ષેસ કરે છે, મહાન ધર્મગુરૂઓ દીની કાયદાઓ પોતાની કોમના લોકોને સમજાવી તેઓને જે કુદરતી રાહે-રાસ્ત રસ્તો છે તે બતાવી ખોટાં કામો કરતાં અટકાવે છે વગેરે. સખાવત પ્રમાણીકપણે ખરી રીતે કમાયેલા પૈસાની જ થવી જોઈએ, કે જેથી તેનું પરિણામ સખાવત કરનારને કુદરત તરફથી સારૂં મળે. બદ દયાનતથી એટલે લુટફાટ, ચોરી, અપ્રમાણીકપણું કરીને યા વિશ્ર્વાસઘાત કરીને એટલે પોતાના વિશ્ર્વાસપર કારોબાર ચલાવવા કોઈના સોપેલા પૈસા ખાઈ જઈને યા રેસ, સટ્ટા, જુગારમાં પેદા કરીને યા ધંધા વેપારમાં કોઈબી રીતે દગો કરીને અથવા જોઈએ તે કરતાં લોકો પાસે જબરદસ્તીથી બેહદ પૈસા લઈને વગેરે વગેરે ખોટે રસ્તેથી મેળવેલા પૈસાની સખાવતનું પરિણામ ભવિશમાં સારૂં આવતું નથી, કારણ કે કુદરતમાં હદ અને ઈન્સાફનો કાયદો સંપૂર્ણ રીતે કામ કરી રહ્યો છે. એક ચીજ જે મૂળમાંથી નીકળે તેજ મૂળમાં પાછી જવાનો જે કુદરતી કાયદો છે તે કાયદે સારા કામનું પરિણામ હરહમેશ સારૂંજ આવે છે અને ખરાબ કામનું પરિણામ ખરાબ જ આવે છે એમ જરૂરબી જરૂર યાદ રાખવું.

સખાવત હમેશા પહેલા આપણા નજદીકનાં સગાં વહાલાં જેઓ પૈસા વગર મુશ્કેલીમાં આવ્યા હોય તેઓને જરૂર કરવી કારણ કે કેશાશને કાયદે યાને એક બીજા તરફ આપ લે કરવાના કાયદે કુદરતે બીજાં શખ્સો કરતાં તેઓને આપણા ઘણાં નજદીકના સમાગમમાં સગા તરીકે એ કારણસર મૂકેલા છે કે આપણે તેઓના કરજદાર છીએ, તેથી તેઓને પહેલા જરૂર સખાવતનો લાભ આપવાથી આપણી ફરજનું કરજ જલદી પૂરૂં થઈ જાય છે. પછી આપણી કોમના બીજા ગરીબ લાચારોને મદદ કરવી કારણ કે જે કોમમાં ખુદાએ આપણને જન્મ આપ્યો તે કોમનું ખેંચાણ થવું જોઈએ. પછી જ બીજી કોમના લાચારોને મદદ કરવી.

Leave a Reply

*