ખાડો ખોદે તે પડે!

ત્રણ દિવસ રહી, આહમદે બાપની રજા લીધી. વળી પાછો મળવા જતો હતો. દર વખતે તે બહુ ઠાઠમાઠથી નવા પોશાકમાં તદ્દન નવા એવા ત્રીસ ઘોડે સ્વારો લઈને જતો. તેથી આહમદનો મોટો ઠાઠમાઠ જોઈ, બધા અમલદારો ઈર્ષાળુ થયા. તેઓએ સુલતાનને ચઢાવ્યો કે ‘આહમદ આવો ઠાઠમાઠ તે કયાંથી રાખી શકે છે તેની જરા તપાસ કરો. આપ તેને કશી જીવાઈ કે ખર્ચી આપતા નથી તો આવડો મોટો અને વળી આપના કરતાય અધિક ચઢિયાતો ઠાઠમાઠ અને દબદબો તે કેમ રાખી શકે છે?’

આહમદને સુલતાને તે બાબતમાં પૂછયું પણ આહમદે તેની ખાનગી વાત જણાવી નહીં.

આખરે સુલતાને અદેખા અમલદારોના કહેવાથી પેલી જાદુગર ડોસીને બોલાવી. તે ડોસીને આહમદનું રહેવાનું ઠેકાણુ શોધી કાઢવાનું કામ સોપાયું. આમ મનના મેલા અને ઈર્ષાથી આંધળા બનેલા ખટપટી દરબારીઓથી બાપે પોતાના પ્યારા બેટા પાછળ જાસુસ રાખ્યો. પણ આખર ખાડો ખોદે તે પડે તેવું બનશે!

થોડા દિવસ રહી, ડોસીએ ખબર આપી કે તે આહમદની રહેવાની જગ્યા જોઈ આવી હતી. આહમદ કોઈ જીનની દીકરી એવી એક પરી સાથે, ગુફાઓમાં રહેતો હતો.

ડોસીને ઈનામ આપી, સુલતાને કહ્યું કે તેના રહેઠાણની અંદર જઈ બરાબર તપાસ કરી આવ. તને વધુ ઈનામ આપીશ.

મોટા ઈનામના લોભે, ડોસીએ આહમદના રહેઠાણની અંદરની તપાસ કરવાનું સ્વીકાર્યુ. તે આહમદના આવવાની તારીખે ગુફાના દરવાજા આગળ ઢોંગ કરી બેશુધ્ધ હોય તેમ પડી ગઈ! આહમદે તેને ત્યાં જોઈ, તેની દયા ખાઈ, તુરત પરીનબાનુના રાજમહેલમાં લઈ આવી તેની  માવજત બરદાસ્ત કરવાનું પરીન બાનુને સોપી પોતે પોતાના બાપને મળવા ગયો. પેલી લુચ્ચી ડોસીએ ત્યાં બધું જોઈ લીધું. બે દિવસ પછી આહમદ પાછો ફરે તે પહેલા તેની તબિયત હવે ઠીક થઈ ગઈ છે કહી, સૌનો પાડ માનતી તે પોતાને ઘરે પાછી ફરી.

પછી અમલદારોને મળી તેણે તાગડો રચ્યો. સુલતાનને ગભરાવ્યો કે તમારો દીકરો આહમદ તો જીન પરી ભેગો વસતો હતો અને તે કોઈ દિવસ તમારી ગાદી પચાવી પાડશે માટે ચેતતા રહેજો. આવી આવી ખોયી વાતોથી કાચા કાનનો સુલતાન નકામો પોતાના દીકરાથી બીવા અને વહેમાવા લાગ્યો.

અમલદારોએ સુલતાનને ચઢાવ્યો કે આહમદ મળવા આવે ત્યારે તે જીન પરીની સાથે રહે છે કે નહીં તેની ખાતરી કરી, બધુ બરાબર જાણી લેવા કંઈ અજાયબ પ્રકારની ચીજ તેની પાસેથી ભેટ તરીકે માગવી.

આહમદ જ્યારે તેના બાપને ફરી મળવા આવ્યો ત્યારે તેના બાપે આહમદને કહ્યું, ‘બેટા આહમદ, મને માલમ પડયું છે કે તું કોઈ બડી જાદુગર પરી સાથે પરણ્યો છે. તો મારે માટે તેની પાસેથી એક ભેટ નહીં માંગી લે કે સુલતાનને એક એવો તંબુ જોઈએ છે કે જે જ્યારે જોઈએ ત્યારે તેમાં આખાય લશ્કરને મૂકી શકાય અને જરૂર પડયે મુઠીમાં પણ રાખી શકાય!

આહમદ તો આ સાંભળી બહુ વિચારમાં પડી ગયો. તેણે તે દિવસે ભારી દિલે સુતાનની રજા લીધી.

(વધુ આવતા અંકે)

Leave a Reply

*