યથા કયારે ભણવો?

ઘેરમાંથી બહાર જતાં બહારથી પાછા ઘેરમાં દાખલ થતાં, કોઈને મળવા જતાં, કોઈની સાથે વાત કરવા અગાઉ, કોઈબી ખુશાલીના પ્રસંગે, આફત યા મુશ્કેલીમાં આવી જતા વળી કોઈ બેઠેલું ઉઠે અને તેની ખાલી જગ્યા ઉપર આપણે બેસવા અગાઉ યથા મનમાં ભણી બેસવું. આ બાબદોમા મનમાં યથા ભણવો.

અષેમ કયારે ભણવી: જ્યારેબી આપણા વિચાર જરાબી બગડે ત્યારે તે ઉપર કાબુ મેલવવા અષેમનો હમેશા ઉપયોગ કરવો. આપણા વિચારોને અશોઈની લાઈનપર ચાલુ લાવવા અષેમ વોહુ બહુજ કીંમતી કલામ હોવાથી અને સૌથી પહેલી તરીકતમાં ગણેલી છે. ગુજરનાર માણસનાં કાનમાં તેનો દમ આખેર થવા માંડે ત્યારથી તે સચકારની શરૂઆત સુધી ચાલુ અષેમ ભણવી. કોઈ ઓળખીતા બસ્તે-કુશ્તીઆનના મરણની પહેલી ખબર મલતાં અષેમ ભણવી. કોઈબી હમદીન માણસની લાશને સેજદો કરતાં યા દૂરથી રસ્તામાં નજર પડતાં અષેમ ભણવી. ગુજરેલા અશો ફરોહરની યાદમાં અષેમ ભણવી. કોઈબી પલીદી યાને નાપાકી, દરૂજીમાં આવતી વખતે તેમજ આપણા મનમાં કોઈબી જાતની બેચેની થાય ત્યારે અષેમ ભણવી સુતી વખતે શરૂઆતમાં તેમજ ઉંઘમાં દરેક વાર કોર વાળતી વખતે અષેમ ભણવી બહુજ ફાયદાકારક છે. તેથી વિચારોનું મલીનપણું કપાઈ જાય છે. બત્તી બુજાઈ જાય તે વખતે અષેમ ભણવી. છીક આવ્યા પછી અષેમ ભણવી (જો સલેખમ થયાથી તેમજ ભરતી વખતે છીક આવતી હોય તો નહીં ભણવી).

વળી કોઈબી શુભ કામના મંડાણની તુરત આગમચ બે યથા એક એષમ ભણવા અને કામ પૂરૂં થઈ રહ્યા પછી તુરત છેડે એક યથા ને બે એષમ ભણવા. વળી કુસ્તી કરી રહ્યા પછી બંદગી કરવાની શરૂઆતમાં બે યથા અને એક અષેમ, તથા બંદગી તમામ પૂરી કીધા પછી છેલ્લે એક યથા ને બે અષેમ ભણવી.

આમ કરવાનો ફાયદો એ છે કે યથા-અષેમ ખુદ પેગામ્બર સાહેબના રચેલા ખુદ સૃષ્ટી-રચનાની યાદના સૌથી પહેલા મોતેબર કલામો છે કે જે કલામો બધાં સારાં કામ-ભણતર વિગેરેની શરૂઆત તેમજ છેડે ભણ્યાથી તે તે કામ ભણતર કુદરતમાં સીલ થઈ જાય છે યાને કે તે કરનારને મુબારક અને કામ અન્જામી ભર્યા એટલે મુરાદ ફળાવનારા થઈ પડે છે.

ઘણાં હમદીન લોકોને ઉપર લખેલા વિગતવાર ખુલાસાથી પોતાની રોજની ફરજ્યાત તથા બીજી વધારાની તેમજ બીજાં હીંગોમોની બંદગી કેમ અને કયારે ભણવી તે હવે બરાબર સમજ પડશે અને તેના અમલથી સારો ફાયદો મેળવશે.

જીંદગીમાં જ્યારે ખોદાને યાદ કરવાની તક તેમજ કોઈબી ભલાં કામો કરવાનાં સાધનો મળે અને સાથે તંદુરસ્તી હોય ત્યારે તેનો વગર ઢીલે લાભ લઈ જરૂર બા જરૂર અમલ કરવો કારણ કે તંદુરસ્તી અને તક કાંઈ વારંવાર એક સરખી અને હમેશા મળતી નથી અને આપણી જીંદગીનો તો કાંઈએ ભરોસો નથી. માટે બને તેટલો પહેલી તકે પેલી દુન્યાનો સોદો (ખોરાક) જે એકલી બંદગી ને નેકી નીતી છે તે એકઠો કરી લેવો, કે ચેહારૂમની બામદાદે જ્યારે બધાં તમામ જાતનાં રવાનોનો ત્યાં ઉપલી આલમમાં ઈન્સાફ થાય છે, ત્યારે તે વખતે આપણું રવાન હાય-અફસોસમાં પડે નહીં, કારણ કે જીંદગી દરમ્યાન કીધેલાં નેક કામોજ મરણ બાદ બહુ કામ આવે છે તે સીવાય બધું સર્વસ્વ તમામ નકામુ છે તે ખુબ ધ્યાનમાં લેવું.

Leave a Reply

*