વજીરે સંભળાવી કહાની!

આવા મામલા વચ્ચે વજીર ઘણો જ ગમગીન રહેતો હતો અને એક દિવસે જ્યારે તે પોતાના મહેલમાં પોતાની બેટીઓ સાથે વાતચીત કરતો બેટો હતો તે વેળાએ એક બેટીએ બાપને કહ્યું કે વ્હાલા પેદર હું તમારી પાસેથી મહેરબાની તરીકે એક ચીજ માંગી લઉ છું તે મને બક્ષવી. બાપે જવાબ દીધો કે જો તે તારૂં માગવું વાજબી અને યોગ્ય હશે તો હું તે ના પાડનાર નથી. ત્યારે શેહરાજાદી બોલી કે મેં એક એવી યુક્તિ શોધી કાઢી છે કે જેથી આપણો સુલતાન જે દરરોજ પોતાને શહેરના આબરૂદાર કુટુંબોમાં ઘાતકીપણું ચલાવી લોહીની નહેર વહેતી કરી રહ્યો છે તે નહેરનો હું અટકાવ કરૂં.

વજીરે જવાબ આપ્યો બેટી તારી ધારણા તો ઘણીજ તારીફ લાયક છે પણ તું તે શી રીતે અમલમાં લાવવા માગે છે? શેહરાજાદીએ કહ્યું કે મારા પ્યારા પેદર તમારી મારફતે જ્યારે સુલતાન દરરોજ પોતાની શાદી કરે છે તે વેળા મહેરબાની કરીને એકવાર મારી શાદી તેની સાથે કરાવી આપશો તો મારી તદબીર હું ફત્તેહમંદી સાથે અજમાવી જોઈશ.

આ માગણી સાંભળી વડો વજીર મોટા ગભરાટમાં પડયો. તે પોકારી ઉઠયો કે ઓ પરવરદેગાર! શું મારી બેટીની અકલ ગુમ થઈ છે કે આવી જોખમ ભરેલી અરજ તે કરે છે? પ્યારી બેટી તું સારી પેટે જાણે છે કે સુલતાને પોતાના જાનના કસમ ખાઈ કહ્યું છે કે કોઈબી સ્ત્રી સાથે પરણેલો બે દિવસ સુધી તે કદી રહેનાર નથી. એમછતાં પણ તું મને કહે છે કે એવા ઘાતકી માણસ સાથે તારી શાદી કરૂં!

વજીરજાદીએ જવાબ આપ્યો કે મહેરબાન પેદર હું કેવા જોખમમાં જીપલું નાખું છું તે હું ખુબ સમજું છું. પણ તેથી હું કાઈ ડરતી નથી. જો કદાચ હું મરણ પામીશ તો મારૂં નામ કીર્તિ ભરેલું ગવાયા કરશે. અગર જો હું મારી હિકમતમાં પાવી નીકળીશ તો એમ બોલાશે કે એક ઓરતે પોતાના દેશનાં હકમાં એક અગત્યની નોકરી બજાવી છે. વજીરે કહ્યું કે ના નહીં! આ ભયંકર આફતમાં તને નાખવાને તારે જોઈએ એટલું મને સમજાવ  પણ જરાકબી ભરોસો રાખતી ના કે એવું કનિષ્ટ કામ હું કરીશ. જ્યારે સુલતાન મને ફરમાવે કે તારા  પેટાખાનામાં ખંજર લગાવ, ત્યારે મોટા અફસોસથી મને તેમ કરવાની ફરજ પડશે અને તું જ વિચાર કર કે એક વહાલો પિતા એવું કામ પોતાને હાથે કેમ કરી ઉંધે મસ્તકે પાયમાલીના ગારમાં જીપલું નાખવા માંગે છે મને ભય લાગે છે કે એક ગધેડો જે સારી અવસ્થા ભોગવતો હતો પણ તેમાં તે પાધરો ચાલ્યો નહીં અને તેથી તેની ઉપર જે વિપદા આવી  પડી તેમજ તારી પર પડશે. વળી તેજ વાર્તામાં જેમ એક વેપારીની બાયડી સમાવત તથા કાલાવાલાથી નહીં સમજી પણ જ્યારે જેરબંધ માર તેણીને પડયો ત્યારે સમજી અને પોતાની બેઉંધી જીદ છોડી દીધી તેમ તને પણ ખમવું પડશે. શેહરાજાદીએ પુછયું કે તે ગધેડા પર શું વિપત્તી ગુજરી હતી અને તે વેપારીની બાયડી કેમ ઠેકાણે આવી તે મને કહી સભળાવો.

વજીરે કહ્યું કે સાંભળ હું તે તને કહું છું.

Leave a Reply

*