બળદે ગધેડાની સલાહ માની!

બીજે દિવસે તબેલામાં પેલી વાલપાપડી જેમની તેમ તે બેગારીને માલમ પડી અને બળદ તો લાંબા તાંટીયા કરી જમીન પર સુઈ રહ્યો અને હાંફવા લાગ્યો. તે પરથી તે બેગારી તો એમજ ધારવા લાગ્યો કે તે જાનવર માંદુ પડયું છે તેથી તેની હાલત પર દયા આણી તે વિશે તેના શેઠને ખબર આપી. તે વેપારી પામી ગયો કે બળદને ગધેડાએ જે ફીસાદી સલાહ આપી તેજ પ્રમાણે તે ચાલ્યો તેથી બેગારીને હુકમ આપ્યો કે ગધેડાની જગાએ બળદને બાંધજે અને તેની પાસેથી સખ્ત મજુરી સાથનું કામ લેવાને ચુકતો ના. તેના ફરમાવ્યા મુજબ તે બેગારીએ કીધું. આખો દિવસ ગધેડાને નાંગર ખેંચવું પડયું હતું તે સાથે તેને એટલો તો મારી ખાધો કે જ્યારે તે તબેલામાં પાછો આવ્યો ત્યારે તેનાથી ઉભુ પણ રહી શકાયું નહીં.
તે દરમ્યાનમાં બળદને તો ઠીક થયું. તેના થાનમાં જેટલું મેલ્યું તેટલું તે ખાઈ ગયો અને તેને આખો દિવસ આશાએશ લેવાની તક મળી અને ગધેડો જ્યારે પાછો આવ્યો ત્યારે તેની સલાહને માટે તરત તેનો ઉપકાર માનવા મંડી ગયો. ગધેડાને મળેલી બરદાસ્તથી તેને એટલે તો ગુસ્સો આવ્યો હતો કે તે એક હર્ફ પણ બોલ્યો નહીં પણ તે પોતાના દિલ સાથે બોલવા લાગ્યો કે જે કાંઈ મારી પર વિતે છે તે હું મારી પોતાની બેવકુફીથી મારી ઉપર ખેંચી લાવ્યો છું અને અગર જો તત્કાળ એ આફતમાંથી નિકળી પડવાની કાંઈપણ તજવીજ કરીશ નહીં તો મારી વધુ ખરાબી થશે. પછી તે એટલો તો કમજોર થઈ ગયો હતો કે તે અધમુવા જેવો જમીન પર પડયો.
થોડોવાર પછી બળદ તથા ગધેડા વચ્ચે પાછી વાતચીત શરૂ થઈ તે વેળા તે ઘરધણી તથા તેની બાયડી બન્ને જણા તબેલા આગળ જઈ બેઠા હતા હવે બળદને ગધેડો કહેવા લાગ્યો કે ભાઈ તું મને કહે કે જ્યારે બેગારી આવતી કાલે તારૂં ભોજન લાવશે ત્યારે તું શું કરવા ધારે છે. બળદ બોલ્યો વળી હું શું કરવા ધારૂં? જેમ તે મને સલાહ આપી છે તેજ પ્રમાણે હું તો કરીશ. ગધેડાએ કહ્યું કે બચ્ચા જે કાંઈ કરે તે તું સંભાળીને કરજે નહીં તો તારી ખરાબી થશે. કારણ કે આજ રાત્રે જ્યારે હું અત્રે આવ્યો ત્યારે આપણા વેપારી શેઠને બેગારીને કહેતા મેં સાંભળ્યું કે બળદ જયારે ખાતો નથી અને તે કામ કરવાને શક્તિવાન નથી ત્યારે મારી મરજી છે કે એને આવતી કાલે કપાવી નખાવું તેથી કસાઈને બોલાવ્યા વગર રહેતો ના. આ વાત મારે તને કહેવાની હતી. તારા જીવને સારૂં મને જે ફિકર લાગે છે. તે સાથે મને જે તારી સાથે મિત્રાચારીનું નાતુ છે તે સબબોથી મને એ વાત તને જણાવવી પડી છે તથા નવી સલાહ આપવી પડી છે. માટે આજે તારે માટે વાલપાપડી અને ઘાસ લાવે તેવોજ તું ઉઠીને તે પેટ ભરી ખાઈ જજે. અને ખબરદારીથી સાજો તાજો દેખાવ કરજે. આ રીત પકડયાથી આપણો ધણી સમજશે કે તું સાજો થયો છે અને તને મારી નાખવાનો હુકમ બેશક પાછો ખેચી લેશે. અને અગરજો આ સલાહ પ્રમાણે તું નહી ચાલશે તો ખચીત સમજજે કે તારૂં મોત નજદીક આવ્યું છે. (ક્રમશ)

Leave a Reply

*