સોદાગરની ઓરત રીસાણી!
જેમ ગધેડાએ ધાર્યુ હતું તેમ તે વાતચીતની અસર બળદ પર થઈ. પેલા સોદાગરે તે વાત સાંભળી તે ખડખડ હસી પડયો. આમ એકાએક તે હસી પડયો તેથી તેણી બાયડીને ઘણો અચંબો લાગ્યો કે તે શાથી બન્યું હશે તેથી તે પોતાના ધણીને પુછવા લાગી કે પ્યારા ખાવિંદ તમને એકાએક ખડખડ હસવું શાપરથી આવ્યું તે મને કહો, કે હું પણ તમારી સાથે હસુ તે સોદાગર બોલ્યો કે મારી પ્યારી હું તો માત્ર આપણા બળદને જે કાંઈ ગધેડાએ કહ્યું તે ઉપર હસ્યો છું. પણ તે શું કહ્યું તે જાહેર કરવાની મને મારા ઉસ્તાદથી મનાઈ છે તેથી દલગીર છું તને કહી શકતો નથી. તેણીએ પૂછયું કે તે જાહેર કરવાને તેમને અટકાવ શાનો? તેણે કહ્યું કે મારા ઉસ્તાદનો કોલ છે કે અગરજો હું એ ભેદ ફોડુ તો મને મારો જીવ બરબાદ કરવો પડે. તે કહેવા લાગી કે જે વાત ગધેડાને બળદને કહી તે જો તમે મારી આગળ કરશો નહીં તો ખુદાવંદતાલાના કસમ લઈ કહું છું કે હવે પછી તમારી સાથે રહેનાર નથી.
એટલું બોલી મનમાં ભારી રીસ ચઢાવી તે ઘરમાં ગઈ અને ખુણે બેસી આખી રાત રડી. તે રાતે તો સોદાગરે કાંઈ દરકાર નહીં કીધી પણ બીજે દિવસે જ્યારે તે વેપારીએ તેણીને તેજ હાલતમાં જોઈ ત્યારે તેને કહ્યું કે તું એટલી નાદાન કેમ થાય છે અને તારા શરીરને નકામી ઈજા કાં આપે છે? તેણીએ જવાબ દીધો કે જ્યાં સુધી વાતનો ભરમ મારી આગળ ખુલ્લો કરે નહીં ત્યાં સુધી મારૂં રડવાનું કદી બંધ થનાર નથી. તે સોદાગરે જવાબ દીધો કે ઓ નાદાન ઓરત જો તારી નાદાનીને હું તાબે થઈશ તો મને મારો જાન ખોવો પડશે. તે બોલી કે જોઈયે તે થાય પણ હું આ વાત તમારી પાસેથી જાણવા માંગુ છું તે જાણયા વગર કદી રહેનાર નથી. તે સોદાગરે નાચારીથી કહ્યું કે આ તારી બેહુંધી રીતથી તારી શુધ્ધિ ઠેકાણે આવે એમ મને લાગતું નથી કારણ કે તું હઠ પકડીને જ્યારે મારા મોતને તેડુંજ કરે છે તો હું તારા બાળકોને બોલાવવા મોકલું છું મારી હૈયાતી ખતમ થયા તેની આગમચ તેઓ મને મળી ભેટી લે. પછી તેને ઘણીજ દલગીરીથી સાથે પોતાના માબાપને તથા સગાવહાલાઓને પોતાની પાસે બોલાવ્યા.
જ્યારે તેઓએ તેમને બોલાવી મંગાવવાનું કારણ જાણ્યું ત્યારે તે સોદગારની બાયડીની ભુલ બતલાવી આપવાને તેઓએ જેટલી મહેનત લીધી તે સર્વે ફોકટ ગઈ કારણ કે તેણીએ તે લોકોને સાફ જવાબ આપ્યો કે મારા પ્યારાની વાત કબુલ રાખુ તેના કરતા મરવું બહેતર છે.
(ક્રમશ)

Leave a Reply

*