ઘરને સ્વર્ગ કઈ રીતે બનાવવું!!

સવારના દસ વાગ્યા હતા. રોજની જેમ ત્રણે જણ ડાયનીંગ ટેબલ આગળ ગોઠવાઈ ગયાં અને ખુશીએ ત્રણેને ઝડપથી યંત્રવત રોટલી, શાક, દાળભાત પીરસી દીધાં. ત્રણે મૂંગા મૂંગા જમવા લાગ્યા. એટલામાં ખુશી બોલી: ‘જુઓ ખુશરૂ આજે સાંજે છ વાગે મારે ‘મધ્યમ વર્ગ ગૃહિણી મંડળ’ની
મીટીંગ છે. ઉપપ્રમુખ તરીકે મારે ‘ઘરને સ્વર્ગ કઈ રીતે બનાવવું’ તે વિષય પર મધ્યમ વર્ગની ગૃહિણીઓ સમક્ષ ભાષણ આપવાનું છે. એ પૂરું થયા પછી ડીનર હશે તમે મારી રાહ જોતા નહી અને જમી લેજો.
ખુશીની વાત પૂરી થઈ એટલે ખુશરૂ બોલ્યા: મારે સાંજે ઓફિસેથી નીકળી રોયલ ક્લબમાં ગયા વગર ચાલે તેમ નથી. એક મોટા પોજેકટની ચર્ચા કરવાની છે. ઘેર આવતાં મોડું થઇ જશે. જમવાનું તો સ્વાભાવિક છે કે ક્લબમાં જ થશે. છોકરાં આજની સાંજે એકલાં પડશે. આવતી કાલે ઘેર રહેવા જરૂર પ્રયત્ન કરીશું.’
બીજા દિવસે પણ આવી જ કંઇક ગોઠવણ ચાલી. મહિનામાં કોઈક વાર જ પિરાન, ઝીના, ખુશરૂ અને ખુશી સાથે રહી શકતા.
ખુશરૂ એક પૈસાદાર આસામી હતો જ્યારે ખુશી પણ કંઈ ઓછી નહોતી. બન્ને પારસી મેટ્રીમોનીયલ દ્વારા મળી લગ્નના બંધનમાં બંધાયા, બન્ને એમ તો સમજૂ હતા અને બન્નેને પોતાનું કામ ઘણું વહાલુ હતું. તેઓ એકબીજાના જીવનમાં કદી દખલ નહોતી આપી. ઝીના અને પિરાનના આગમન પછી ખુશીએ ઘરે રહેવાની ઘણી કોશિશ કરી પરંતુ હમેશા કામમાં બીઝી રહેવાવાળી ખુશી ઘરે નહી બેસી શકી.
અને આ કારણ ને લીધે તે બાળકોને સમય નહીં આપી શકી. માબાપના બીઝી રહેવાના કારણે બાળકો તેમનાથી દૂર થતા ગયા. બાળકો સમજણાં થયાં તેમ તેમને લાગવા માંડ્યું કે ઘરમાં કંઇક ખૂટે છે, પ્રેમની હુંફ ખૂંટે છે. રોજે રોજ કંઇક ને કંઇક કારણસર પપ્પા-મમ્મી બહાર રહે છે, અમારી જોડે તો હસી-ખુશીથી વાત કરવાનો તેમને ટાઈમ જ મળતો નથી.
થોડા દિવસો પછી બાળકોની સ્કુલમાં એક પ્રોગ્રામ હતો. ઝીના અને પિરાને પણ તેમાં ભાગ લીધો હતો. પિરાન એક ગીત ગાવાનો હતો અને ઝીના ડાન્સ કરવાની હતી. બંનેએ સારી પ્રેક્ટીસ કરી હતી. વાલીઓને પણ પ્રોગ્રામ જોવા આવવાનું આમંત્રણ હતું. ઝીનાએ મમ્મીને કહ્યું: ‘મમ્મી, મારો ડાન્સ જોવા અને ભાઇનું ગીત સાંભળવા, તું અને પપ્પા સ્કુલમાં આવજો. મઝા આવશે.’
મમ્મીએ કહ્યું : ‘હા બેટા, આ વખતે તો અમે સ્કુલમાં આવીશું જ. તારા પપ્પાને પણ યાદ કરાવતી રહીશ કે આવતા રવિવારે આપણે બાળકોનો પ્રોગ્રામ જોવા જવાનું છે.’ ઝીના અને પિરાન ખુશ હતાં. પણ પ્રોગ્રામના આગલા દિવસે જ ખુશરૂએ કહ્યું, ખુશી આપણાથી સ્કુલમાં નહિ જઈ શકાય. મુંબઈ મારા ક્લાયન્ટની નવી સ્કીમના ઉદ્દઘાટનમાં આપણે બંનેએ જવું પડશે. જો નહિ જઈએ તો તેની અસર આપણા ધંધા પર પડશે અને આપણને સારું એવું નુકશાન જશે. મુંબઈ વિમાનમાં જઈને પાછા આવીએ તો પણ બાળકોના પ્રોગ્રામમાં નહિ પહોંચી શકીએ.’ ઝીના અને પિરાને પપ્પા-મમ્મીની ગેરહાજરીમાં જ પ્રોગ્રામ કર્યો. તેમના ચહેરા પરથી નૂર ઉડી ગયું. બીજાં બાળકોનાં માબાપને સ્કુલમાં જોઈને તેમને પોતાની સ્થિતિ પર અપાર દુ:ખ થયું. ભાઈબહેને, કોઈ જુએ નહિ તેમ, ખાનગીમાં રડી લીધું.
સમય તો પોતાનું કામ કર્યે જ જાય છે. વર્ષો વીતતાં થોડી વાર લાગે છે? બાળકો યુવાન થઈ ગયાં. પિરાનને બહારગામ નોકરી મળી. પપ્પા-મમ્મીએ તેને બહારગામ જતી વખતે વિદાય આપવાની ફરજ નિભાવી. તેને બહેનનો વિયોગ સાલ્યો. પણ પપ્પા-મમ્મીથી છૂટા પડવામાં ખાસ દુ:ખ અનુભવ્યું નહિ. ખુશી પણ બિચારી માબાપની હુંફ મેળવ્યા વગર જ સાસરે સિધાવી. બે વર્ષ બાદ પિરાનના પણ લગ્ન થઈ ગયા.
ખુશી અને ખુશરૂ હવે પ્રૌઢ થયાં હતાં. જીવનમાં થોડોક થાક વર્તાતો હતો. ભરપુર પૈસા હતા એટલે જીવનની ચિંતા નહોતી પરંતુ લોકોના સમૂહમાં રહેવાની જે આદત પડી હતી, તેને લીધે ઘેર રહેવાનું આકરું લાગતું હતું. ઘર સૂનું લાગતું હતું.
હવે તેઓને બાળકોની યાદ આવવા લાગી હતી.
ખુશરૂ: ‘ખુશી, બંને બાળકો તેમના સંસારમાં ગોઠવાઈ ગયાં છે, તેમને ઘર છે, કુટુંબ છે, કામધંધો છે. પણ આપણો પ્રેમ પામ્યા નથી, એટલે આપણે તો તેમને ક્યાંથી યાદ આવીએ?’
ખુશી: ‘ખુશરૂ, તમારી વાત સાચી છે. બાળકોને આપણે બાળપણમાં જ પોતીકાં બનાવ્યાં હોત તો અત્યારે તેમની હુંફમાં આપણી જીન્દગી કેટલી ભરીભરી અને સુમધુર લાગી હોત પરંતુ વહી ગયેલો સમય થોડો પાછો આવે છે?’
મા-બાપે સાથે મળી બાળકોને ફોન જોડયા અને જણાવ્યું કે આ નવું વરસ તેઓ તેમની સાથે ઉજવવા માંગે છે. શું તેઓ આવશે? મા-બાપ વિહોણા બાળકો, ના નહીં પાડી શકયા. આટલા વરસોમાં કદાચ પહેલીવાર મા-બાપ પોતાના બાળકો સાથે સમય પસાર કરવાના હતા.
અઠવાડિયા પછી આખો પરિવાર નવું વર્ષ ઉજવવા ભેગો થયો. ખુશી અને ખુશરૂએ બાળકોને ભાવભર્યો આવકાર આપ્યો. નવું વર્ષ ઉજવીને બધાં થોડા દિવસ સાથે રહ્યાં. ઘર સાચા અર્થમાં ‘ઘર’ બનીને રહ્યું. ખુશી-ખુશરૂ અને ઝીના-પિરાન કેટલાં ખુશ હશે, એ કહેવાની જરૂર ખરી?
-મરહુમ આબાન પરવેઝ તુરેલ

Leave a Reply

*