જર્મન શાએર ગોએથે મુજબ જરથોસ્તી શિખવણી

ગોએથ નામનો જાણીતો જર્મન શાએર, જે ઈ.સ. 1749 થી 1832 સુધીમાં થઈ ગયો છે, તેણે જરથોસ્તી ધર્મની એ શીકવણી જણાવી છે તેણે પોતાની 65 વર્ષની પાકટ ઉંમરે વેર્સ્ટ ઈર્સ્ટન દીવાન નામની કવિતા લખી છે. કહે છે કે જાણીતા ઈરાની શાએર હાફેજની ગજલોનો જર્મન વિદ્વાન હેમરનો તરજુમો વાંચવા ઉપરથી એનું ધ્યાન પૂર્વ તરફની શાએરી ઉપર ખેંચાયું હતું. તેમ ખેંચાતા તેણે તેવી પૂર્વ ભણીની શાયરીની ધપે શાયરી લખાણ આ પુસ્તકમાં કર્યુ છે. એની એ દીવાનમાં એક નાનું લખાણ પારસી નામે અથવા પારસીઓની ચોપડી નામનું છે. એ પુસ્તકમાં ગોએથ એક લખનાર જણાવે છે તેમ ખોરશેદ અને આતશની સેતાયશને ઘણી વ્યવહારૂ ગણે છે.
એ પુસ્તકમાં ગોએથ એક પરહેજગાર પીર મરદને મરતી વખતે રોશની તરફ જવાની ઉલટભરી ઉમેદ રાખતો જણાવે છે તે મરતી વખતે પોતાના ભાઈબંધોને જે શિખામણ આપે છે તેમાં એવી શીખામણ દે છે કે તેઓએ પોતાની વર્તણુંક ભલી રાખવી. તેમ કરતાં તે દરરોજ પોતાનું કામ કરવા તાકીદ કરે છે. એ શબ્દો તે તેઓને વારસી સમાન આપે છે. એવું કામ દરરોજ, નિયમીત કરીને તેઓએ પોતાનાં રવાનને સ્વચ્થ રાખવાનું છે. તેઓએ જમીન, હવા, પાણી (નેહરના પાણી) સાફ રાખવાનાં છે. તેઓએ પોતાના જીગરને પોતાની જીંદગીને પોતાની ભાવીક સેવાઓથી સ્વચ્છ રાખશે, તો ખોરશેદના ઈશ્ર્વરી અને સજીવન કરનારાં કિરણો શક્તિવાન થાશે. જેમ ખોરશેદ દેમાવંદ, પહાડ પર ચઢતો જાય છે તેમ એ બુઢા પીર મરદનું રૂહ આ પૃથ્વી ઉપરથી આસમાન તરફ ચઢતું જાય છે.
ખરી ભલી જીંદગી શામાં સમાયેલી છે?
ત્યારે ખરી ભલી જીંદગી ધન દોલત, માલ મીલકત, દોર દરજ્જામાં સમાયેલી નથી પણ ઉદ્યોગથી આપણી આવડ શક્તિઓને ખિલવવામાં સમાયેલી છે. તે શક્તિઓ જે પ્રમાણમાં આપણે આપણાં રવાનને ચઢતે દરજ્જેનું કરીશું અને આપણા માણસ ભાઈબંધોને ઉપયોગી થવાને શક્તિવાન થાઈશું, તે પ્રમાણમાં આપણે ખરી જીંદગી ગુજારેલી કહેવામાં આવશે. ફ્રીમેસનોના પંથમાં એક નવા દાખલ થનારને તેની જે જુદી જુદી ફરજો સમજાવવામાં આવે છે, તેમાં તેની પોતા તરફની ફરજ સમજાવતાં તેને કહેવામાં આવે છે કે તમોએ ડહાપણભરી અને નિયમીત કવાયદભરી વર્તણુંક અખત્યાર કરવી કે જેથી તમારી શારીરિક અને માનસિક શક્તિઓ સારી રીતે તેઓની પુરતી ચપળ હાલતમાં જળવાઈ રહે. તેથી તમો ખુદાતાલાએ તમોને બક્ષેસ કરેલી બુધ્ધિ તે સાહેબનું ખોરેહ જીઆદે કરવામાં અને તમારા માણસ ભાઈબંધોનું ભલું કરવામાં વાપરી શકો.
આ શિખામણમાં જણાવવા પ્રમાણે ગુજારેલી જીંદગી તે ખરી જીંદગી છે. આપણને દાદારે જે જીંદગી બખ્શી છે જે શારીરિક અને મનની શક્તિઓ બખ્શી છે તેનો નાશ કરવા યા તેને ઘટાડવાને બદલે તેને ખિલવવી તેના ખજાનામાં વધારો કરવો અને આપણા માણસ ભાઈબંધોનું ભલું કરવું.
આપણા દરેકે આપણી મુક્તિ મેળવવાની છે તે આ પ્રકારની જીંદગી ગુજારવાની છે. એમ તે દાદારની કીર્તિના ખજાનામાં વધારો કરતાં આપણા ભાઈબંધોને મદદ કરતાં, આપણે કદાચ જાન ખોહીએ તો તે જાન ખોહેલો નહીં પણ બચાવેલો ગણાય. ક્રાઈસ્ટના એ બાબેનાં આ શબ્દો છે કે, જે પોતાનો જાન ખોહશે તે જાન બચાવશે.
એવી રીતે જીંદગી ગુજારતા પેલી કહેવત પ્રમાણે કદાચ નસીબનો પાસો ઉંધો પડે તો પણ તેમાં દિલાસો છે. કહેવત સમાન આ શબ્દો છે કે સુવાળી સફર કરતા સખત નસીબ વધારે ફાયદેમંદ નીવડે છે.

Leave a Reply

*