નામદાર શાહ! આગલા જમાનામાં એક સોદાગર હતો, જે મોટી જમીન, રોકડ તથા માલમત્તા મળી મોટી મીલકત ધરાવતો હતો. તે સાથે તેને ત્યાં ઘણાક નોકરો, કારભારી અને ગુલામો રાખવામાં આવતા હતા. એક દિવસે તેને લાંબી મુસાફરીએ જવાની જરૂર પડી તેથી તે ઘોડે સ્વાર થયો અને ખોરાક તરીકે નાન તથા ખજુર એક જોલામાં ભરી પોતાની ખાંધ પર લટકાવ્યો કારણ કે તેને એક બ્યાબાન જંગલ પસાર કરવું હતું કે જ્યાં કાંઈપણ ખોરાક તેને મળી શકે નહીં. અંતે તે સોદાગરે કાંઈપણ અકસ્માત બનાવ તેની ઉપર વિત્યા વગર સલામત પોતાની મુસાફરી પૂરી કીધી અને પોતાનું કામ જલ્દીથી બજાવી શકયો તેથી પોતાને ઘરે પાછો ફરવા સારૂં પોતાના ઘોડાને ફરી તૈયાર કીધો.
તેની મુસાફરીને ચોથે દિવસે એક ઠેકાણે તેને જ્યારે ખાધાપીધાની તથા આશાયશ લેવાની જરૂર જણાઈ ત્યારે ઘોડા પરથી ઉતરીને ત્યાં આવેલા પાણીના એક ફુવારા આગળ બેઠો અને જોલામાંથી નાન તથા ખજુર કાઢી બીસમીલ્લા કરવા માંડયો અને ખજુર ખાઈને તેના ઠળિયા ધ્યાનમાં ને ધ્યાનમાં આજુબાજુએ નાખવા લાગ્યો. તે જાતે એક પરહેજગાર મુસલમાન હતો તેથી જમી રહી મોઢું અને પગ ધોઈ નમાજ કરવા લાગ્યો.
તે ભોંય પર પોતાનું શીર નમાવી બંદગીમાં મશગુલ હતો એવામાં એક જીન જમીનમાંથી ફૂટી નીકળ્યો! જે જઈફ તથા ઘણા બુલંદ કદનો હતો. તે પોતાના હાથમાં એક મોટી શમશેર લઈ તેની આગળ આવ્યો અને ભયભરેલો અવાજથી તે પુકાર્યો કે ઓ કમબખ્ત ઉભો થા! તે મારા બેટાને મારી નાખ્યો છે માટે હું તને મારી નાખું છું. તે રાક્ષસના બીહામણો ચહેરો જોઈ તે સોદાગર ભાર દહેશતમાં પડયો અને ધ્રુજતો ધ્રુજતો કહેવા લાગ્યો કે મે તારા દીકરાને કેમ અને કયાં અને કયારે મારી નાખ્યો? નથી હું તેને ઓળખતો કે મેં તેને કદી જોયો નથી! તે જીને કહ્યું કે તે તારા જોલામાંથી ખજુર કાઢી ખાધા પછી તેના ઠળિયા ચોતરફ નાખ્યા હતા કે નહીં? (ક્રમશ)
સોદાગર તથા જીનની વાર્તા

Latest posts by PT Reporter (see all)