બુઝર્ગ આદમી તથા હરણીની વાર્તા

તેણે કહ્યું કે ‘હવે હું મારી વાર્તા શરૂ કરૂં છું, જે તમો ધ્યાન દઈ સાંભળશો એવી ઉમેદ રાખું છું. આ હરણી જે તમો જોવો છો તે મારી સગી થાય છેે એટલું જ નહીં પણ મારી મોહોરદાર પણ થાય છે. જ્યાં હું એની સાથે પરણ્યો ત્યારે એની ઉમંર બાર વર્ષની હતી. તેથી તેણીએ મને પોતાનો સગો તથા ધણી કરીને ગણવો એટલુંજ નહીં બલકે પોતાના મુરબ્બી તરીકે પણ ગણવો જોઈએ.
અમો એક બીજા સાથે ત્રીસ વર્ષ સુધી રહ્યા હતા પણ તે મુદતમાં અમારે ત્યાં કાંઈપણ બાળકનો જન્મ થયો નહીં તો પણ આ બનાવને લીધે તેણી ઉપરનાં મારા હેત પ્રીતમાં કાંઈપણ ઘટાડો થયો ન હતો પણ મારે ત્યાં એક પણ વારસની વૃધ્ધિ થાય એવી મારા મનની મોટામાં મોટી હોશ હતી તેથી મેં એક ખુબસુરત બાંદી વેચાતી લીધી. એતેફાક એ થયો કે મારેથી તેણીને પેટે એક સુંદર અને ચંચળ પુત્ર અવતર્યો આ પુત્રનો જન્મ થયાથી મારી બાયડીની આંખમાં અદેખાઈ પેદા થઈ, તેથી પેલી બાંદી તથા દીકરા પર તે કડવી નજરે જોતી હતી પણ તે પોતાના દિલમાં અદેખાઈ એવી તો સંભાળથી છુપાવી રાખતી હતી કે તેની તરફથી કાંઈ બુરૂં થશે એવો તેની ઉપર જરા પણ મને શક હતો નહીં.
એ અરસામાં મારો બેટો પુખ્ત ઉંમરે આવવા લાગ્યો. જ્યારે તે દસ વર્ષની વયે પહોંચ્યો ત્યારે મુસાફરી ફરી કરવા જવાનો મારો શોખ થયો જેથી મારી બાંદી તથા દીકરાને મારી પરણીયત બાયડીને હવાલે કીધા અને તેને અરજ કીધી કે મારી ગેરહાજરીમાં તેમની ઘટતી સંભાળ રાખે. હું એક વર્ષની અંદર પાછો ફરીશ. હવે એક તરફથી મારૂં જવું થયું અને બીજી તરફ મારી ગેરહાજરીનો લાભ લઈ મારી સ્ત્રીએ પોતાની અદેખાઈને પુરતી રીતે અમલમાં લાવવાનો માર્ગ શોધ્યો તેણીએ મંત્ર વિદ્યા શીખવાનો ઠરાવ કીધો અને જ્યારે આ કાળા હુન્નરમાં તે પૂરતી પાવરધી થઈ ત્યારે પોતાના મનમાં રાખેલો દુષ્ટ વિચાર અમલમાં મેળવા માટે મારા દીકરાને દૂરની જગ્યાએ લઈ ગઈ જ્યાં પોતાના જાદુઈ હુન્નરના બળે તે છોકરાને ઈન્સાનના રૂપમાંથી બદલી નાખી વછેરાનો અવતાર આપ્યો અને ઘરે લાવી ખાનસામાને હવાલે કીધો ને કહેવા લાગી કે તે તેણે ખરીદ્યો છે જેથી તેને પાળી પોશી મોટો કરવો. તેણે મારી બાંદીને પણ ગાયનો અવતાર આપ્યો અને ખાનસામાને હવાલે આપી. (ક્રમશ)

Leave a Reply

*