સુરત પારસી પંચાયત સંચાલીત ગર્લ્સ અને બોયઝ ઓર્ફનેજના સાત બાળકોની સમુહ નવજોત કરવામાં આવી

સુરત પારસી પંચાયત હસ્તકની નરીમાન ગર્લ્સ ઓર્ફનેજની છ દીકરીઓ જેનીફર ગેવ ડેહનુગરા, મોનાઝ રૂસી પીઠાવાલા, પીનાઝ રૂસી પીઠાવાલા, ફરઝાના મહેર અવારી, શેનાઝ શાપુર ગોલે, આરમીન જેમી ગોલે તથા સુરત પારસી બોયઝ ઓર્ફનેજનો એક દીકરો દીનયાર જેમી ગોલે એમ કુલ સાત બાળકોની શુભ નવજોત સુરત પારસી પંચાયત હસ્તક તા. 14/01/2019, માહ શહેરેવર, રોજ હોરમઝદના શુભ દિને 9.45 કલાકે નરીમાન ગર્લ્સ ઓર્ફનજના મકાનમાં કરવામાં આવી હતી. નવસારીના મોબેદ એરવદ ફ્રેડી પાલ્યાની આગેવાની હેઠળ કુલ પાંચ મોબેદ સાહેબોએ નવજોતનું શુભ કામ પાર પાડયું હતું. આ સાત બાળકોના માતા પિતા તથા કુટુંબીજનો મીજલસમાં હાજર રહ્યા હતા.
સુરત પારસી પંચાયતના પ્રમુખ જમશેદ દોટીવાલા, ટ્રસ્ટી યઝદી કરંજીયા તથા ટ્રસ્ટી કેશ્મીરા દોરડી તથા સુરત પારસી પંચાયતના અને બન્ને ઓર્ફનેજના સ્ટાફના સભ્યો પણ નવજોતમાં હમશરીક થયા હતા. અને નવજોતના બાળકોને પહેરામણી તેમજ આશીર્વાદ આપ્યા હતા. બાળકોને નવજોતના કપડા, બુટ, ચંપલ, જણસ વિગેરે કરવામાં આવ્યા હતા. નવજોત તથા બપોરના જમણ સાથનું ખૂબ સુંદર આયોજન સુરત પારસી પંચાયત દ્વારા બન્ને ઓર્ફનેજના સુપ્રીન્ટેન્ડન્ટ, સ્ટાફ તથા બાળકોએ સાથે મળીને કરવામાં આવ્યું હતું.
સુરત પારસી પંચાયત દ્વારા આ બન્ને ઓર્ફનેજના બાળકોને સ્કુલ શીક્ષણ, ટયુશન, યુનીફોર્મ, કપડાં, સ્ટેશનરી, ટોઈલેટરીઝ, પૌષ્ટીક જમવાનું વિગેરે તરફે કોઈપણ જાતની ફી લીધા વગર ઓર્ફનેજમાં રહેવાની સગવડ મળે છે. પરંતુ એમને એમના ઉચ્ચ અભ્યાસમાં મદદરૂપ થઈ પડે એ હેતુથી સુરત પારસી પંચાયત તથા એની સંસ્થાના અમુક શુભેચ્છકોએ થોડી રકમ ડોનેશનમાં આપી છે. આ ડોનેશનની રકમ તથા બાળકોને મળેલી પહેરામણીની રકમ મળીને આ બાળકોને સરખે ભાગે આવતી રકમ હવે એમના ભવિષ્ય માટે રોકાણ કરવામાં આવશે.

Leave a Reply

*