સોદાગરે તાતપુરતો જાન બચાવ્યો અને ઘરવાળા પોતાની વાત કહી સંભળાવી!

કાંઈબી નવો બનાવ વજીરને તે દિવસે માલમ પડયો નહીં. હંમેશના રાબેતા મુજબ સુલતાને તે દિવસ માલમ પડયો નહીં. હમેશના રાબેતા મુજબ સુલતાને તે દિવસ પોતાના રાજપાટના કામકાજ ઉપર લક્ષ આપી કાઢયો અને રાત પડી ત્યારે સર્વેની અજાયબી વચ્ચે શેહેરાજાદી સાથે પોતાના મહેલમાં ગયો. બીજે દિવસે બામદાદની થોડી ઘડી આગમચ દિનારજાદી પોતાની બહેનને કહેવાને વિસરી નહીં. તે બોલી કે ‘મારી વહાલી બહેન અગરજો તમો નીંદમાં ન હોવો તો હું તમને અરજ કરૂં છું કે તમોએ તમારી વાર્તા પહો ફાટે તેની આગમચ ચાલુ કરવી.’ સુલતાને શહેરાજાદીના પુછવાની રાહ જોયા વગર કહ્યું કે ‘તે જીન તથા સોદાગરની વાર્તા પૂરી કરો તેનો અંત કેવો આવે છે તે જાણવાને હું ખંતી છું.’ તે જ વેળા શહેરાજાદીએ તે વાત ચાલુ કીધી.

મારા પ્યારા સુલતાન જયારે તે સોદાગરે જોયુ કે પેલા જબરદસ્ત જીન તેને રહેંસવા જ બેઠો છે ત્યારે તે બોલ્યો કે ‘ઓ જીનના પાદશાહ! હું તને અરજ કરી એક શબ્દ વધારે કહેવા માંગુ છું તે એ છે કે મહેરબાની કરી મને થોડી મહેતલ આપવી. મે મારૂં વસિયતનામુ હજી લગી તૈયાર કીધું  નથી. તેથી મને થોડા વખતની મહેતલ આપ કે હું મારે ઘરે જઈ મારી બાયડી તથા છૈયા છોકરાને મળી ભેટી મારી મતા તેઓમાં વહેંચી આપી તેમની રજા લઈ પાછો આવું. જ્યારે મારા વણજવેપારનું ઘરખટલાનું તેમજ સર્વે બીજું કામ નકકી થઈ રહેશે ત્યારે આ જગા પર પાછો ફરી તારે તાબે થઈશ એમ હું તને કબુલતા આપું છં.’ આ સાંભળી તે જીન બોલ્યો કે ‘અગર જો હું તને તારા માગ્યા પ્રમાણે મહેતલ આપું અને તું તે મુજબ પાછો નહીં આવે ત્યારે?’ સોદાગરે જવાબ આપ્યો કે ‘હું આસ્માન તથા જમીન બનાવનાર ખોદાતાલાના કસમ લઈને કબુલ થાઉ છું કે બાર માસ ગુજર્યા બાદ આ જગાએ આજ ઝાડ તળે હું તને આવી મળીશ. એ સાંભળી તે જીને પેલા સોદાગરને તે જગા આગળ છૂટો મેલી દીધો અને તરત જ ગાયબ થઈ ગયો.

જ્યારે તે સોદાગરના દિલમાં પડેલી ધાસ્તી નીકળી ગઈ ત્યારે તે પોતાના ઘોડા પર સવાર થયો અને ઘર તરફ જવા માટે મંજલ કાપવા લાગ્યો. જો કે હાલ તરત તો તે મોતના પંજામાંથી છટકયો હતો પણ પોતાનો જાન એક વર્ષમાં પાછો વગર વાંકે હક-નાહકે કુરબાન કરવાને તેને જે કબુલાત આપી હતી તેનો વિચાર કરતો તેને ઘણુંજ દુ:ખ થતું હતું.

જ્યારે તે પોતાને ઘેર આવી પહોંચ્યો ત્યારે તેની મોહરદાર તથા છોકરાઓએ તેને ઘણીજ ખુશહાલીથી દીલોજાનીભર્યો આવકાર આપ્યો પણ તેવા ખુશાલી ભરેલા આવકારથી પોતે થુશી થવાને બદલે તે તો ઝારબેઝાર રડવા લાગ્યો. તેથી તેની બાયડી તથા છોકરા મોટા અંદેશામાં પડયા કે એટલો તે શું મોટો ગજબ તેની ઉપર આવી પડયો હશે? તેના ભારી ગમનો અને બેહદ માહેતમપોશીનો  સબબ તેની બાયડીએ તેને પૂછયો. તેણીએ ક્હયું કે તમો ઘર આવ્યાથી અમને બેહદ ખુશહાલી ઉત્પન્ન થઈ હતી પણ તમારો હાલનો ગભરાટ જોઈને અમને ઘણી જ ફીકર તેથી પેદા થઈ છે માટે હું અરજ ગુજારૂં છું કે હવે મારે તો ફકત એક જ વર્ષ જીવવું છે ત્યારે હું ખુશ ખુશાલ તે કેમ રહું?’ ત્યારબાદ તેની ઉપર જે ગજબ ગુજરયો હતો તેની હકીકત તેઓને આગળ કહી સંભળાવી અને બોલ્યો કે ત્યાં પાછો ફરવાને મેં વચન આપ્યું છે ‘એક વર્ષની આખરીએ તે નાપાક જીન આગળ જઈ મરણને શરણ થવું પડશે.’

(ક્રમશ)

Leave a Reply

*