હોસ્પિટલ અને ઘર વચ્ચે દોડતી મારી પુત્રવધુ ને આજે હું પ્રેમથી જોઈ રહયો હતો. ચેહરા ઉપર થાક સ્પષ્ટ દેખાતો હતો.
તો પણ હસ્તા હસ્તા રોજ મારે માથે હાથ ફેરવી કહેતી પપ્પા સારૂં થઈ જશે.
સદા મેકઅપ અને છુટા વાળ સાથે ઘરમાં મસ્તીથી ફરતી મારી પુત્રવધુને જોઈ હું વિચારતો હતો કે આ ઘરની જવાબદારી કઈ રીતે સંભાળશે?
પણ આજે હોસ્પિટલમાં મને દાખલ કરે પંદર દિવસ થયા, સવાર સાંજ ચા નાસ્તો અને જમવાનું બનાવી મને પ્રેમથી હસ્તા હસ્તા જમાડતી, સર્વિસ કરતી હોવા છતાં તેણેે પેહલા મને પ્રાધાન્ય આપ્યું…
સ્વજનોની ખરી કસોટી ઘરેથી સ્મશાન સુધી પહોંચાડવાની નથી હોતી પણ હોસ્પિટલથી ઘરે પ્રેમથી પહોંચાડવાની હોય છે.
તે રોશનીએ સાબિત કરી બતાવ્યું આજે 14મી ફેબ્રુઆરી હતી. મારી મેરેજ એનીવરસરી હતી અને વહુએ હોસ્પિટલમાંથી આજેજ મારા માટે ડિસચાર્જ લીધો હતો. ઘરે જતા પહેલા મારી આંખો રૂમના દરવાજા તરફ હતી. સાચું કહું છું મારી આંખો મારી દીકરી-જમાઇની રાહ જોઈ રહી હતી તેઓ આજે મને લેવા જરૂર આવશે પણ રજાના દિવસ સિવાય તેઓ દેખાયા નથી. બારણું ખુલ્યું, એજ મારી પ્રેમાળ પુત્રવધુ રોશની અને મારો પુત્ર પરવેઝ બુકે લઈ રૂમમાં પ્રવેશ્યા ‘હાઈ પપ્પા હેપી વેડિંગ એનીવર્સરી અને હેપ્પી વેલેન્ટાઈન ડે ટુ યુ’.
ચલો આપણા ઘરે, આપણું ઘર તમારી રાહ જુએ છે. આ પંદર દિવસની હોસ્પિટલની મુલાકાત દરમ્યાન હું મારી પુત્રવધુ રોશની માટે અભિમાન અનુભવી રહ્યો હતો. એક દીકરી ને શરમાવે તેવો પ્રેમ અને સેવા તેણે મારી કરી હતી. મને આપેલા ફુલના બુકેમાંથી એક ફૂલ કાઢી મે મારી પુત્ર વધુ રોશની ને આપ્યું અને વેલેન્ટાઈન ડેની શુભ કામનાઓ આપી. વેલેન્ટાઈન ડે ફકત પ્રેમીઓનો દિવસ નથી પરંતુ તમે સાચ્ચા મનથી કોઈને પણ પ્રેમ કરો ભલે તે તમારી દીકરી હોય કે વહુ. વેલેન્ટાઈન ડે એટલે તમે સાચાં મનથી જે પણ વ્યક્તિને પ્રેમ કરો.
ઘણી વખત આપણે કહીયે છીયે દીકરા-વહુની ફરજ છે પણ આપણે આપણી ફરજ ભૂલી જતા હોય છે.
દીકરી જમાઇની હાજરીમા કટાક્ષો કરી આપણે ઘણી વખત ગૃહલક્ષ્મી અને આપણા પુત્રનું અપમાન કરતા હોઈએ છીયે. દીકરી ના લગ્ન પછીની તેની મુલાકાત એક મહેમાન જેવી હોય છે એટલે એ વહાલી લાગે છે જયારે મારી જેમ સસરાને વહુ માટે અભિમાન થાય ત્યારે સમજી જવું કે એક પૂત્રવધુ તરીકેનું પાત્ર તેણે દીકરી તરીકે યોગ્ય ભજવ્યું હશે…
હું ગાડીમાં બેઠો બેઠો આંખ બંધ કરી રોશનીની સાસુ મારી પત્ની મહેરનેે યાદ કરી રહયો હતો. તારા ગયા પછી તારી પુત્રવધુએ ઘર સંભાળી લીધુ છે. પણ તને એકવાત કહેવાની ઈચ્છા થાય છે.
દીકરીની મહિમા ગાવામાં ઘણી વખત પુત્ર અને પુત્રવધુનું જાણે અજાણે આપણે અપમાન અથવા તો દિલ દુભાવી દેતા હોય છે તેનોે મને એહસાસ આજે થયો.
દીકરી વહાલનો દરિયો છે તો પુત્રવધુ મીઠા પાણી નું ઝરણું છે અને આ તારો પુત્ર પણ મીઠા પાણીનો કૂવો છે. તું ચિંતા ના કરતી. મારે મારો વ્યવહાર પુત્રવધુ તરફ બદલવો પડશે. આજે તે વહુ થઈ દીકરીનું પાત્ર ભજવ્યું છે. હવે હું આખી જીંદગી તેનો સસરો થઈને નહીં પણ તેનો બાપ બની ને રહીશ.
ગાડીની બ્રેક વાગી મારી આંખ જીંદગી પ્રત્યે ખુલી ગઇ હતી સારા ખરાબ નો ભેદ હું સમજી ગયો હતો.
ચાલો પપ્પા ઘર આવી ગયું રોશનીના મીઠા ટહુકાએ મારા દવાખાનાનો થાક ઉતારી દીધો.
ઘરમાં પ્રેવેશ કરતા પેહલા મેં રોશનીના માથે હાથ ફેરવી કહ્યું, બેટા દીકરી અને પુત્રવધુ વચ્ચેનો તફાવત તે મને સમજાવી દીધો છે. સદા સુખી થાવ આનંદમા રહો.
- પટેલ અગિયારીએ179મી સાલગ્રેહની ઉજવણી કરી - 5 October2024
- ભીખા બહેરામ કુવાના 15માં વર્ષની પરંપરાગત ઉજવણી – આવા રોજ પર 180મું જશન અને હમબંદગી – - 5 October2024
- Dadysett Atash Behram Celebrates Salgreh - 5 October2024