વછેરો મારો દીકરો!

તારે ગમે તે તારા દોસ્ત સાથે બિસમીલ્લાહ કર અને જો તારી પાસે એક ઘણોજ ફરબે વછેરો લાવી મેલ. જો કે એ વછેરો મારો દીકરો છે એમ હું બિલકુલ જાણતો નહોતો પણ તેને જોતાંને વાર મારા દિલમાં તેને માટે માયા છુટવા લાગી. મને જોતાંને વાર મારી આગળ આવવાને એટલા તો જોરથી તેણે કોશેશ કરી કે બાંધેલું દોરડું તેણે તોડી નાખ્યું અને પોતાનું માથું જમીન પર મેલી મને પગે લાગ્યો. આ ઉપરથી સાફ માલમ પડયું કે તે વછેરો ગોયા કહેતો કે ‘ઓ બાપ! તું મારી ઉપર દયા કર અને આટલો બધો ઘાતકી દિલનો થઈ મારો જાન ના લે!’ એવી કાકલુદી કરી તે મને જાણે જણાવતો હોય તે મારો દીકરો છે. ગાયનું રૂદન અને તેના આંસુથી મારા દિલ પર જે અસર થઈ હતી તે કરતાં આ વછેરાની ચાલથી ઘણી વધારે અસર થઈ હતી. તેની ઉપર મારી પ્રિત દોડવા લાગી અને ગોયા તે વિશે પુછપરછ કરવાનો શોખ થયો જો ખરેખર કહું તો એવા બારીક સમયમાં જ ફરજ શું હતી તે ગોયા કુદરત અંદરખાને મને કહી આપતી હતી, જેથી તેજ વેળા મેં કહ્યું કે ‘પાછો જા અને આ વછેરાની ઘણી સારી રીતે માવજત કર અને મારે માટે એક બીજો વછેરો લાવ!’
મારી ધણીયાણી મારો ઠરાવ સાંભળતા વાર ચોકી ઉઠી અને કહેવા લાગી કે ‘ઓ ખાવિંદ તમો શું કરવા માંગો છો? હું તમને અરજ કરી કહું છું કે આ વછેરા સિવાય બીજા જાનવરનો ભોગ લેતા ના.’ મેં કહ્યું કે ‘ઓ મારી પ્યારી! એ પ્રાણીને હું મારનાર નથી. મારી મરજી છે કે અને હું સંભાળી રાખુ તેથી મારી મરજી સામે ના થા!’ પણ તે દુષ્ટ ઓરત મારી મરજી સાથે મળતી નહીં થઈ. તે મારા બેટાનો એટલો તો તિરસ્કાર કરતી હતી કે તેને જીવવા દે એ મુશ્કેલ હતું. તે તેને મારી નાખવા પછવાડે એટલી તો ખાઈપીને મંડી હતી કે તેની હઠ છોડવવી ઘણી મુશ્કેલી થઈ પડી. જેથી અંતે હું થાકયો અને તેને શરણ થવાની મને ફરજ પડી. મેં મારે હાથે વછેરાને બાંધ્યો અને છરો મારવાની તજવીજમાં હતો તે મામલો જોઈ તેણે આંસુથી ભરેલી આંખ મારી તરફ કીધી અને ગોયા એટલી તો કાકલુદી બતલાવી કે મારી ધારણા પ્રમાણે તે છરો તેના ગળામાં ભોંકવાની મારા હાથમાં મુદલ તાકાત રહી નહીં. તે છરો મારા હાથમાંથી છટકી પડયો ત્યારે મે મારી ધણીયાણીને કહ્યું કે ‘આ વછેરાને મારે મારવો નથી તેથી બીજો વછેરો મંગાવવાનો નિશ્ર્ચય ઠરાવ કીધો છે. મારો વિચાર ફેરવવા માટે વિચારને વળગી રહી અને તેને ઠંડી મીઠી રાખવા સારૂં તે જાનવરને બીજે વર્ષે બહેરામનાં જશનને ટાંકણે કાપી નાખવાની મેં કબુલતા આપી.
બીજે દિવસે મારા ખાનસમાએ મારી સાથે એકાંત વાત કરવાની ખાયશ બતાવી. તે કહેવા લાગ્યો કે ‘સાહેબ હું તમને એક ઘણી ખુશ ખબર આપવા આવ્યા છું. મારી એક દીકરી કાંઈએક મંત્ર વિદ્યા પઢેલી છે. ગઈ કાલે તમે જે વછેરાને મારી નાખવાને નારાજી હતા તેને લઈ હું તબેલા તરફ પાછો ફરતો હતો ત્યારે મેં જોયું કે તે જાનવરને જોઈ તરત તે ઘણું ખુશી થયેલી દેખાઈ પણ તુરત જ તે રોવા લાગી. તેના દિલમાં એકજ વેળા આ ઉલટા સુલટા બે સવાલ આવ્યા તેનો સબબ મેં તેને પૂછયો. તેણે જવાબ દીધો કે ‘ઓ પ્યારા બાપ! જે વછેરો તમો પાછો લઈ જાવ છો તે આપણા શેઠનો દીકરો છે. તેને હજી જીવતો રહેવા દીધો છે તે જોઈ મને ઘણી ખુશાલી ઉપજી પણ ગઈ કાલે તેની મા જેને જાદુના જોરે ઈનસાનના અવતારમાથી ગાયનો અવતાર આપ્યો હતો અને જેને તમોએ જબેહ કીધી હતી તે બનાવની યાદ આવ્યાથી મને દલગીરી ઉત્પન્ન થઈ.
આપણા શેઠની ધણીયાણી એ બન્ને મા દીકરા પર એટલો તો ક્રોધ અને વેર રાખે છે તે વેરભાવના જોશમાં તેણીએ તેઓને આ બે જુદા જુદા અવતારો આપ્યા છે’ આ પ્રમાણે મારી દીકરીએ જે ખોલાસો કીધો તે વિશેની ખબર હું તમને આપવા આવ્યો છું.
(ક્રમશ)

Leave a Reply

*