દુનિયામાં રહીને ઈશ્ર્વરી યા મીનોઈ જીંદગી

ત્યારે આપણ સર્વએ ફકત સાત નેકીઓ જ નહીં પણ ચપળ નેકીઓ પણ અખત્યાર કરવાની છે. એમ કરી આપણે ઉપર કહેલા આપણા સર્વ સંબંધો જાળવવાના છે. આપણ સર્વ બે દુનિયા યા બે જીંદગી માટે બોલીએ છીએ. એક માટે કહીએ છીએ કે આ દુનિયા અથવા આ જીંદગી બીજી માટે બોલીએ છીએ કે બીજી દુનિયા અથવા બીજી જીંદગી મરણ પછીની જીંદગી માટે આપણે સાધારણ રીતે બીજી જીંદગી તરીકે બોલીએ છીએ. એજ પ્રમાણે આપણે શારીરિક જીંદગી અથવા આત્મિક જીંદગી માટે બોલીએ છીએ. પારસી પુસ્તકોમાં એ આત્મિક જીંદગી, મીનોઈ જીંદગી તરીકે પણ બોલાય છે. આત્મીક અથવા મીનોઈ જીંદગી એટલે આપણી પાંચે ઈન્દ્રિયોથી ભોગવાતી, હાડમંડ યા શારીરિક જીંદગીથી જુદી, આત્મા યા રવાનના સંબંધની જીંદગી કે જે સાથે શરીર કરતા મનને વધારે કામ છે. ત્યારે આવી મીનોઈ જીંદગીના ચઢતા તબકકા માટે આપણે આ ગેતીમાં આવી રીતે જીવવું જોઈએ કે જાણે આ દુનિયા તરફ જોતાં આપણે મુએલા પડયા હોઈએ, પણ અહુરમઝદ તરફ જોતાં, તેની મીનોઈ જીંદગી તરફ જોતાં, જીવતા હોઈએ એમ કરવા માટે દુનિયાને તર્ક કરવાની નથી કે બાયડી છોકરાને ત્યજવાના નથી. દુનિયામાં રહીને એવી જીંદગી ગુજારવાની કોશેશ કરવી જોઈએ. આ દુનિયાના સંબધો આપણે તોડવાના નથી પણ તે સંબંધો પર વડપણ મેળવવાનું છે. આ દુનિયામાંજ રહીને જાણે દુનિયાથી એક રીતે છુટા રહેવાનું છે. દુનિયાથી છૂટા રહેવું, એટલે આપણા પગ ઉપર વધુ આધાર રાખતા રહેવું. આ જીંદગીબાદ તમારી બીજી જીંદગીમાં પણ તમો કોઈ બીજાને આધારે યા બીજાની દયા ઉપર તેના કીધેલા ઉપર આધાર રાખી શકશો, એવો ખ્યાલ દૂર કરો.

Leave a Reply

*