મારૂં વીતેલું વર્ષ

નવરોઝની સાંજે ઘરના બધાજ કામ આટોપી નિરાંતે રોશનીએ અહુરમઝદને દિવો કરતા પોતાના ગયા વર્ષના નવરોઝથી લઈ આજના નવરોઝના દિન સુધી પોતાના ભૂતકાળને વાગોળતી હતી. થોડી વાર પછી તેણે એક કોરો કાગળ અને કલમ લઇને લખવા માંડ્યું.

મારૂં વીતેલું વર્ષ-

ગયા વર્ષે મારૂં ઓપરેશન થયું, અને મારું ગર્ભાશય કાઢી નાખવામાં આવ્યું, આ ઓપરેશનને કારણે મારે ઘણો વખત સુધી પથારીવશ રહેવું પડ્યું.

આ જ વર્ષે મારી ઉમર સાઈઠ વર્ષની થઇ જતા, મારે મારી માનીતી નોકરી છોડવી પડી. આ પ્રકાશન-કંપનીમાં મેં લગાતાર ત્રીસ વર્ષ ગાળ્યા હતા.

આ જ વર્ષે મારે મારા પિતાજીના મૃત્યુનો આઘાત પણ સહન કરવો પડ્યો, અને આ જ વર્ષે મારો દીકરો એની મેડીકલની પરીક્ષામાં નાપાસ થયો, કારણ એનો કાર અકસ્માત થયો હતો. હાથ-પગમાં પ્લાસ્ટર સાથે તેણે કેટલાયે દિવસો સુધી હોસ્પિટલમાં રહેવું પડ્યું હતું. અમારી કાર સાવ ખતમ જ થઇ ગયી, તે નુકસાન તો પાછું અલગ જ.

અંતમાં રોશનીએ લખ્યું નહે અહુરમઝદા, કેટલું ખરાબ વર્ષ વીત્યું મારૂં!થ

કાગળમાં આટલું લખ્યા પછી, રોશની આંખો બંધ કરીને ત્યાં જ પોતાના વિચારોમાં ખોવાઈ ગઈ.

થોડી વાર પછી રોશનીનો ધણી કુરૂશ તેની રૂમમાં આવ્યો, તો તેણે પોતાની પત્નીને વિચારોમાં ગરકાવ જોઈ. તેને કોઈ જાતની ખલેલ પહોચાડ્યા વિના, પાસે ઉભા ઉભા તેણે પોતાની પત્નીનું લખાણ વાંચ્યું.

લખાણ વાચ્યા પછી તે ચુપચાપ ત્યાંથી નીકળી ગયો.

થોડીવાર પછી તે જ્યારે પાછો રૂમમાં આવ્યો, ત્યારે તેના હાથમાં એક કાગળ હતો, જે તેણે પોતાની ધણીયાણીના તાજા-લખાણની બાજુમાં હળવેથી મૂકી દીધો. અને ફરી પાછો ત્યાંથી છાનોમાનો બહાર આવી ગયો.

થોડીવાર પછી રોશનીએ પોતાની આંખ ખોલી, તો બાજુમાં એક બીજો કાગળ પડેલો જોયો. તે પોતાના ધણી કુરૂશના અક્ષરો સારી રીતે ઓળખતી હતી. તેણે વાંચવા માંડ્યું,

મારૂં વીતેલું વર્ષ

ગયા વર્ષે આખરે મને મારા ગર્ભાશયમાંથી મુક્તિ મળી, જેને કારણે પાછલા ઘણા વર્ષો મારે પીડામાં વીતવા પડ્યા હતા. હા, ગયા વર્ષે આ માટે મારું ઓપરેશન થયું, અને તે સફળ પણ રહ્યું.

ગયા વર્ષે જ તાઝી-માઝી તંદુરસ્ત અવસ્થા સાથે હું સાઈઠ વર્ષની થઈ અને તેથી, નોકરીમાંથી નિવૃત્ત થઇ. હવે પછી મારો સમય હું વધુ ઘરમાં મારા પૌત્ર પૌત્રી સાથે ગાળી શકીશ, જેમને આજના સમયમાં તેના મા-બાપ કરતા મારી વધુ જરૂર છે. તેમની સાથે વધારે સમય પસાર કરી હું તેમનામાં વધારે સારા સંસ્કારોનું રોપણ કરી શકીશ.

ગયા વર્ષે જ મારા પૂજ્ય પિતાજી પંચાણું વર્ષની વયે, કોઈ પણ લાંબી બીમારી, કે પીડા ભોગવ્યા વિના, શાંતિપૂર્વક પોતાની જીવન-યાત્રા પૂર્ણ કરી પ્રભુના ઘરે સિધાવ્યા. ગયા વર્ષે જ પ્રભુએ મારા વ્હાલા દીકરાને નવી જીંદગી બક્ષી. અમારી કાર નષ્ટ થયી ગયી ભલે, પરંતુ મારો દીકરો કોઈ પણ જાતની કાયમી ખોડ-ખાંપણ વિના સહી સલામત છે.

અંતમાં કુરૂશે લખ્યું હતું -સ્ત્રહે અહુરમઝદ, ગયું વર્ષ ખુબ જ સારી રીતે વીતી ગયું, જેનો હું તારો આભાર માનું એટલો ઓછો છે.થ

જોયું તમે? ઘટનાઓ તો એ ની એ જ હતી, પણ દ્રષ્ટિકોણ જુદા જુદા હતા. જો આપણે એ વાત ધ્યાનમાં રાખીએ, કે આનાથી વધુ પણ ઘણું થઇ શક્યું હોત, તો આપણું મંતવ્ય ચોક્કસ બદલવાનું. અને જરૂરથી આપણે પ્રભુને આભારવશ થશું, તેમ જ ખુદને માનસિક-પીડા પણ ઓછી થશે.

આપણા રોજીંદા વ્યવહારમાં આપણે એ વાત ધ્યાનમાં રાખવી જોઈએ, કે જીવનની ખુશીઓ આપણને પ્રભુના આભારવશ નથી બનાવતી, પણ તેને આભારવશ થવામાં આપણને ખુશી જરૂર પ્રાપ્ત થાય છે. આપણા જીવનમાં કાયમ એવું કંઇક તો જરૂર થતું હોય છે જેને માટે આપણે પ્રભુનો આભાર માનતા રહેવું જોઈએ જેનાથી આપણને મનની શાંતિ મળે છે.

About  મીનુ ભાથેના

Leave a Reply

*