સુખનું સરનામું

રોશન જે અતિ ધનવાન અને સ્વરૂપવાન છે તે તેના ધણી અદી સાથે મોટા બંગલામાં રહે છે. નવરોઝના દિને તેણે એક પાર્ટીનું આયોજન કર્યુ સાંજે બધાએ પાર્ટી એન્જોય કરી જતા રહ્યા. રોશન પાસે બધુંજ હતું પરંતુ તે ખુશ નહોતી. આજે નવરોઝના દિને પણ તેના મનમાં શાંતિ નહોતી. ખબર નહીં પણ નવરોઝના બીજા દિને રોશન મર્સીડીઝ ગાડીમાં એક માનસિક ચિકિત્સક પાસે જાય છે. પોતાની વિતક કથા રજૂ કરવા લાગી કે તે અત્યંત દુ:ખી છે. તે જીવનમાં ખાલીપો અનુભવે છે અને તેને જીવન જીવવામાં કોઈ આનંદ નથી વગેરે. તે આખો દિવસ પાર્ટી, ટીવી અને વીડીયો જોઈ જોઈ કંટાળી  ગઈ છે. જીવન ફરીયાદોથી ભરાઈ ગયું છે. તેને પોતાના કરતા ગામડાના ખેતરોમાં કામ કરી અને ઝૂપડપટ્ટીઓમાં રહેતી અભાગી સ્ત્રીઓ વધુ સુખી લાગી.

માનસિક ચિકિત્સકે તેની સગળી વાત શાંતિથી સાંભળી. તેને લાગ્યું કે આ મહિલા પાસે સુખ સગવડતાના બધા સાધનો હોવા છતાં હાઈફાય સોસાયટીના સમોવડીયા સ્ત્રી-પુરૂષ મિત્રોની સાથે પોતાની સતત સરખામણી કરીને દુ:ખી થાય છે. તેની પાસે ઈશ્ર્વર જે આપેલ છે તે પણ ભોગવી શકતી નથી.

ડોકટરે રોશનને કહ્યું કે થોડીવાર બેસો. મારે ત્યાં એક ગરીબ સફાઈ કામવાળી બાઈ આવે છે તેને સાંભળીએ. તે ખરેખર સુખી સ્ત્રી છે એટલે સુખ કયાં મળે છે તેનું સરનામુ જાણી લઈએ. આપણે ફકત સાંભળવાનું અને સરનામું જ લેવાનું છે.

આમ કહી સફાઈ કામવાળી બેનને બોલાવી અને તેની જીવનની વાત કરવા જણાવ્યું. સફાઈવાળી બેન સાવરણી બાજુમાં મૂકી વાત કરવા લાગી.

‘મારો પતિ કેન્સરની બીમારીમાં ગુજરી ગયો અને ત્યાર પછી ત્રણ મહીને મારો એકનો એક વહાલો પુત્ર એક મોટર અકસ્માતમાં ગુજરી ગયો.

હું નિરાધાર થઈ ગઈ. મારી પાસે હવે કોઈ નહોતું. હું રાત-દિવસ ઉંઘી શકતી નહોતી. મારી પાસે આવકનું કોઈ ખાસ સાધન નહોતું ઘર કેમ ચલાવવું તે પણ પ્રશ્ર્ન હતો. ભાવિ ચિંતાઓથી મારૂં મન ઘેરાઈ ગયેલું હતું. મને આખો દિવસ આપઘાતના વિચારો આવતા હતા.

એક દિવસ એક નાનું બિલાડીનું બચ્ચું મારા ઘરમાં આવી ચડયું. બહાર સખત ઠંડી હતી એટલે મને થયું ભલે તે અહીં મારી સાથે રહે. આમ પણ હું એકલી જ હતી એટલે સારૂં લાગ્યું તે બચ્ચાને ભૂખ લાગી હશે એમ માની મેં તેને થોડું દૂધ આપ્યું. તે તુરત ગટગટાવી ગયુ પછી મેં ડીશમાં થોડું ખાવાનું આપ્યું. તેણે બધું જ ખાઈ લીધું અને ડીશને ચાટી ચાટીને ચોખ્ખી કરી દીધી. ધરાયા પછી તે મારા પગ સાથે વ્હાલ કરવા લાગ્યું અને મારા પગને ઘસવા લાગ્યું. કેટલાક મહીનાઓ પછી પહેલીવાર મને લાગ્યું કે ખરેખર કોઈ મને વહાલ કરે છે. મારા મોં પર થોડી આનંદની લહેરો આવી.

હું વિચારોને ચકરાવે ચઢી ગઈ. એક ભૂખ્યા બિલાડીના બચ્ચાને ફકત થોડું ખાવાનું આપવાથી જો મને થોડું સુખ કે આનંદ મળી જતો હોય તો સમાજમાં ઘણા ભૂખ્યા તરસ્યા કે ત્યજાયેલ લોકોને થોડી મદદ કરૂં તો કેટલો બધો જીવનમાં આનંદ આવે.

બીજા દિવસથી મેં થોડી બિસ્કીટ અને ફળો શહેરના છેવાડે રહેતી અત્યંત ગરીબ વસ્તીમાં વહેંચવા માંડયા. હોસ્પિટલમાં પણ કેટલીકવાર જતી અને દુ:ખથી પીડાતા લોકોને થોડા ફળ આપ્યા અને એક સારૂં કાર્ય  કરવાની ખુશી થતી. કોઈ ગંભીર બીમારીમાં સપડાયેલ દર્દીઓને થોડી આશા, સહાનુભૂતિ અને હિંમતના શબ્દો કહેતી. તેમના દુ:ખમાં થોડી સહભાગી થતી, જેના માટે મારે એક પૈસો પણ ખર્ચ કરવો પડતો નહીં. આ રીતે  રોજ કોઈને મદદ કરી હું સમય પસાર કરતી હતી. મેં  અનુભવ્યું કે બીજાને થોડા સુખી કે ખુશ કરવાથી આપણે આપણી જાતને જ સુખી અને આનંદીત કરી શકીએ છીએ. હવે હું હમેશા ‘નિજાનંદ’માં રહું છું. મને હવે લાગે છે કે શાંતિ અને આનંદ બહુ ઓછી મહેનતને, કશુંય ખાસ ગુમાવ્યા વિના પ્રાપ્ત થઈ શકે છે.’

રોશન આ સફાઈ કામવાળી બેનની વાતો સાંભળી રડી પડયા. હવે તેને સમજાયું કે પૈસો આપણી સગવડોમાં થોડો વધારો કરી શકે પરંતુ સુખની ગેરન્ટી ન આપી શકે. સુખનું ઝરણુ તો મનની અંદર છે અને તે જ સુખનં સરનામુ છે.

 

Latest posts by PT Reporter (see all)

About રૂસી મિસ્ત્રી

Leave a Reply

*