સ્ત્રીઓનું ‘કંઈ નહીં!’

અચૂક તું સાંજે ઘરે આવીને મને પૂછતો, આજે શું શું કર્યું? હું મૂંઝાઈ જતી. કેટલુંય વિચારૂ તોય જવાબ ન સૂઝતો કે મેં દિવસભર શું કર્યું! આખરે સમય સપનાની જેમ સરી ક્યાં ગયો! અંતે હારીને કહી દેતી ‘કંઈ નહીં’ અને તું મર્માળુ હસી પડતો.

એ દિવસે મારું એવું કરમાયેલું ‘કંઈ નહીં’ સાંભળીને તેં મારો હાથ તારા હાથમાં લઈને કહ્યું: ‘સાંભળ, આ ‘કંઈ નહીં’ કરવાનું પણ બધાનું ગજું નથી હોતું.’

‘સૂરજના પહેલા કિરણની સાથે જ ઊઠી જઈ, મારી ચામાં તાજગી અને બાળકોના દૂધમાં તંદુરસ્તી મેળવવી, ટિફિનમાં પ્રસન્નતા ભરવી, તેમને સ્કૂલ રવાના કરવાં, પછી મારો નાસ્તો, મને ઓફિસ માટે વિદાય કરવો, કામવાળી બાઈથી માંડીને બાળકોના સ્કૂલથી આવવાના સમય સુધી રસોઈ, કપડાં, સાફસૂફી, તેમનો અભ્યાસ.’

‘પછી સાંજ અને રાતનાં રોજિંદાં રૂટીન. અને આ બધાંની વચ્ચે પણ બહારના કામકાજ માટે થોડો સમય ચોરી લેવો!’ ‘કહે તો ખરી, આટલું ‘કંઈ નહીં’ કેવી રીતે કરી લે છે?’

હું મુગ્ધતાથી તને સાંભળી રહી હતી અને તું બોલ્યે જતો હતો તારૂ ‘કંઈ નહીં’ જ આ ઘરનો પ્રાણ છે. અમે રૂણી છીએ તારા આ ‘કંઈ નહીં’ના,‘કેમ કે તું ‘કંઈ નથી’ કરતી ત્યારે જ અમે ‘ઘણુંબધું’ કરી શકીએ છીએ’

‘તારૂં ‘કંઈ નહીં’ અમારી નિરાંત છે, અમારો આધાર છે, અમારી મહત્વાકાંક્ષા છે. તારા એ ‘કંઈ નહીં’થી જ આ મકાન ઘર બને છે, તારા એ ‘કંઈ નહીં’થી જ આ ઘરનાં તમામ સુખ-વૈભવ છે.’

તેં મારા સમર્પણને માન આપ્યું, મારા ‘કંઈ નહીં’ને સન્માન આપ્યું, હવે  ‘કંઈ નહીં’ કરવામાં મને કોઈ સંકોચ નથી!

હેપ્પી વુમન્સ ડે

 

Leave a Reply

*