મુસાફરીની તૈયારી

આ સાંભળીને તેજ વેળા મારી વખતાર મેં બંધ કીધી અને મારૂં સર્વે કામ એક કોરે રાખીને હમામખાનામાં તેને હું લઈ ગયો અને મારી સંદુકમાં જે સરસ કપડા હતા તે તેને પહેરાવ્યા. મેં મારો હિસાબ તપાસ્યો તે ઉપરથી માલમ પડયું કે મારૂં ભંડોળ બેવડુ થયું હતું અને મેય મારી માલ મીલકતની કીંમત બે હજાર અશરફ ગણી હતી. તેથી મેં મારી દોલતનો અડધો ભાગ તેને આપ્યો. મેં કહ્યું કે ભાઈ આ તું લે ને તારી નુકસાનીને ભુલી જઈ નવેસરથી ધંધામાં પડી જા. તે એક હજાર અશરફી ખુશી થઈ તેણે લીધી. તેણે પોતાનો વહિવટ પાછો નકકી કીધો અને આગળ જેમ અમો રહેતા તેમ એકબીજા સાથે રહેવા લાગ્યા.

આ બનાવ બન્યા પછી થોડીક મુદતે આ બીજો કુતરો જે મારો બીજો ભાઈ છે તે મારી પાસે આવ્યો અને કહેવા લાગ્યો કે મારી એવી દારણા છે કે મારી પાસે જે કાંઈ માલ મિલકત છે તે સર્વે વેચી નાખીને પરદેશમાં મારૂં નસીબ અજમાવવા જાવું. તેનો આવો ઈરાદો જોઈને મને ઘણી અજાયબી લાગી અને તેથી તે તથા મારા વડા ભાઈએ તેને ઘણો પણ વિચાર તેણે ફેરવ્યો નહીં. તેણે પોતાની સઘળી મિલકત વેચી નાખી અને તેના જે પૈસા ઉપજ્યા તેમાંથી જે માલ તેની મુસાફરી લાયક તેને ઘટતો લાગ્યો તે ખરીદ કીધો અને અમોને છોડીને શહેર બહાર પડી સોદાગરોની એક વંજાર પરદેશ જતી હતી તેમની સાથે મુસાફરી કરવા લાગ્યો તે પણ એક વર્ષની આખરીએ પોતાના વડા ભાઈની પેઠે મુફલેસ હાલતમાં પોતા પાસે જે હતું તે ખોઈ દઈને ખાલી હાથે પાછો આવ્યો. મેં તેને કપડા પહોંચતા કીધા અને મને બીજો એક હજાર અશરફીનો લાભ થયો હતો તે મેં તેને આપ્યો. તેજ વેળા તેણે એક દુકાન ખરીદ કીધી અને પાછો ધંધો ચલાવવા માંડયો.

એક દિવસે મારા બન્ને ભાઈઓ મારી પાસે આવ્યા અને કહેવા લાગ્યા કે ધંધો કરવા માટે આપણે ત્રણે ભાઈઓએ મુસાફરીએ જવું.

પહેલા તો મે તેઓની આ ગોઠવણની સામે અડચણો નાખી. મેં કહ્યું કે તમો મુસાફરી કરી શું કાંદા કાપ્યા કે વળી તમે મારી પાસે મુસાફરી કરાવવા આવ્યા છો? તમારા કરતાં પણ જીકર કીધી પણ તેમાં કાંઈ તેમનું વળ્યું નહીં અને તેમની આ ધારણા સાથે એકમત થવા મેં ના પાડી પણ તેઓએ મારો પીછો છોડયો નહીં. જ્યારે પણ તેઓ મારી પાસે આવે ત્યારે તેઓ એની એજ વાત કાઢે. એવી રીતે પાંચ વર્ષ ગુજરી ગયા ત્યારે અંતે હું જ થાકયો અને તેઓની માગણી કબુલ રાખી.

મુસાફરી કરવા જવાની તૈયારી કરવાનો જ્યારે વખત આવ્યો અને જ્યારે અમો વિચાર કરવા લાગ્યા કે કયા પ્રકારનો સામાન ખરીદ કરવો ત્યારે મને માલમ પડયું કે તેઓએ પોતાનું સઘળું ભંડોળ ખરચી ખાધુ હતું અને મેય જે દરેકને એક હજાર અશરફી આપી હતી તેમાંથી એક કોડી પણ તેેઓએ જાળવી રાખી ન હતી. તો પણ મેય તેઓને કાંઈ ઠપકો આપ્યો નહીં. પણ મારૂં ભંડોળ જે વધીને છ હજાર અશરફી જેટલું એકઠું થયું હતું તેથી મેં તેનો અર્ધો ભાગ તેઓ વચ્ચે વહેંચી આપ્યો અને મેં તેઓને કહ્યું જુઓ ભાઈઓ! આ ત્રણ હજાર અશરફીની મદદથી આપણે ધંધો કર્યે અને બાકીની ત્રણ હજાર એક ચોકકસ ઠેકાણે છુપાવી રાખ્યે કે જો કદાચ, ખુદા ન કરે જેમ તમે ખખરવખર થઈ ખાલી હાથે પાછા ફર્યા તેમ જો એ ત્રણ હજાર અશરફી આપરે વેપારમાં ગુમાવી આવ્યે તો આ છુપાવેલી ત્રણ હજારની રકમ લઈ આપરે આગળની પેઠે ફરીને આપણો રોજગાર શરૂ કરી શકયે.

(ક્રમશ)

Leave a Reply

*